કૂલે, ચાર્લ્સ હૉર્ટન (Cooley Charles Horton) (જ. 17 ઑગસ્ટ 1864 એન આર્બોર, મિશિગન, યુ. એસ.; અ. 8 મે 1929, એન આર્બોર, મિશિગન, યુ. એસ.) : સમાજલક્ષી મનોવિજ્ઞાનના સ્થાપકોમાંના એક. પિતા થૉમસ એમ. ફૂલે આંતરરાજ્ય કૉમર્સ કમિશનના અધ્યક્ષ હતા. ચાર્લ્સ મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને મિકૅનિકલ એન્જિનિયરિંગની તાલીમ લીધી.
બાલ્યાવસ્થાથી બોલવામાં તેમની જીભ થોડીક થોથવાતી હતી અને કાનમાં થોડી બહેરાશ હતી, તેથી યુવાવસ્થાથી જ અંતર્મુખી અભિગમ અને આંતરનિરીક્ષણ તેમની વિશેષતા બની રહી. તેમણે ‘પરિવહનનો સિદ્ધાંત’ (The Theory of Transportation) ઉપર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે તેમનું માનવ-પરિસ્થિતિશાસ્ત્રમાં મહત્ત્વનું પ્રદાન લેખાય છે. તેઓ 1907માં મિશિગનમાં પ્રાધ્યાપક નિમાયા. 1918માં અમેરિકન સોશિયોલૉજિકલ સોસાયટીના તેઓ પ્રમુખ ચૂંટાયા.
તેમણે સમાજશાસ્ત્રમાં સહાનુભૂતિપૂર્ણ સમજની પદ્ધતિની અજમાયશ કરી, અને આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. સમાજશાસ્ત્રના અભ્યાસમાં તેમણે સમગ્રતાલક્ષી અભિગમની હિમાયત કરી. ફૂલેએ સમાજનો ખ્યાલ માનસિક એકતા ધરાવતી સાવયવી વ્યવસ્થા તરીકે કરેલ છે. વ્યક્તિ અને સમાજને એકમેકનાં પૂરક અને અભિન્ન ગણેલ છે. તેમનો બીજો મહત્ત્વનો ખ્યાલ દર્પણ-સ્વત્વનો છે, જેમાં સ્વ સામાજિક પેદાશ છે તેમ પ્રતિપાદિત કરેલ છે. વ્યક્તિમત્તાના વિકાસમાં અને સામાજિક આદર્શોની ખિલવણીમાં પ્રાથમિક સમૂહનું મહત્ત્વ – ખાસ કરીને કુટુંબનું મહત્ત્વ દર્શાવ્યું છે. માનવસંબંધના વિકાસમાં સંચારના મહત્ત્વ પર તેમણે ભાર મૂક્યો છે. સંચાર લોકશાહીને પોષક છે એવી તેમની માન્યતા હતી. તેમણે અનેક વિષયોની મૌલિક છણાવટ કરી સમાજશાસ્ત્રને સમૃદ્ધ કર્યું છે. તેમની નોંધપાત્ર સિદ્ધિ એ છે કે તેમણે સમય અને સ્થળને અતિક્રમીને વિશ્વવ્યાપી માનવમૂલ્યોને તેમના વિચારોમાં વણી લીધાં છે.
તેમની મુખ્ય કૃતિઓમાં ‘હ્યૂમન નેચર ઍન્ડ સોશિયલ ઑર્ડર’ (1902), ‘સોશિયલ ઑર્ગેનાઇઝેશન (1909), ‘સોશિયલ પ્રોસેસ’ (1918), ‘લાઇફ ઍન્ડ ધ સ્ટુડન્ટ’ તથા આર. સી. એન્જલ દ્વારા સંપાદિત ‘સોશિયોલૉજિકલ થિયરી ઍન્ડ સોશિયલ રિસર્ચ’ (1927) નોંધપાત્ર છે.
સારા વ્હોરા