ચહલ, યજુવેન્દ્રસિંહ (જ. 23 જુલાઈ 1990, જીંદ, હરિયાણા) : જમણેરી લેગસ્પીનર યજુવેન્દ્રસિંહ ભારતનો એક માત્ર એવો ખેલાડી છે જેણે ચેસ અને ક્રિકેટ બંનેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 16 વર્ષથી નાની વયના ખેલાડીઓ માટે રમાતી વિશ્વ યુવા ચૅમ્પિયનશિપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ ચેસ માટે સ્પોન્સરર ન મળતાં તેણે પોતાનું ધ્યાન ક્રિકેટ તરફ કેન્દ્રિત કર્યું હતુ.
ઍડવોકેટ પિતા કે. કે. ચહલ અને માતા સુનિતા દેવીના પુત્ર ચહલે પ્રથમકક્ષાના ક્રિકેટમાં માત્ર 19 વર્ષની વયે હરિયાણા તરફથી મધ્યપ્રદેશ સામે ઇંદોરમાં રમી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે પ્રથમ કક્ષાના ક્રિકેટ કરતાં તેને ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ખૂબ જ સફળતા સાંપડી છે. વર્ષ 2011માં સૌપ્રથમ વખત મુંબઈ ઇન્ડિયન તરફથી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમનાર ચહલે ત્રણ વર્ષ પછી 2014થી રૉયલ ચેલેન્જર બૅંગ્લોર તરફથી રમવાનું શરૂ કર્યું હતું.
વર્ષ 2013માં ચહલ સાથે એક દુખદ ઘટના બની. બૅંગ્લોર(બૅંગાલુરુ)માં એક હોટલમાં એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટરે ખૂબ જ દારૂ પીધેલ હાલતમાં ચહલને હોટલના પંદરમાં માળની બાલ્કનીમાં લટકાવી દીધેલ. આ ઘટનાથી તે એટલો બધો ગભરાઈ ગયો હતો કે તેણે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમવાનું છોડી દીધું અને 2014થી વિરાટ કોહલીની આગેવાની હેઠળની રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લોર તરફથી રમવાનું શરૂ કર્યું. પ્રથમ વખત ચહલે દરેક મૅચ રમી અને વિરાટ કોહલીનો કટોકટી સમયનો પ્રિય ખેલાડી બની રહ્યો. એટલું જ નહીં આ વર્ષે તેણે ભારતના હોનહાર ખેલાડી તરીકે નામાંકન મેળવ્યું. જોકે ખિતાબ અમદાવાદના અક્ષર પટેલને મળ્યો. ત્યારપછીની બે સિઝનમાં તેણે બૅંગ્લોર (બૅંગાલુરુ) તરફથી 44 વિકેટ ઝડપી અને 2018માં તે રૉયલ ચેલેન્જર બૅંગ્લોર (બૅંગાલુરુ) તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બન્યો.
વર્ષ 2022માં ચહલને રાજસ્થાન રૉયલે ખરીદ્યો અને પ્રથમ વર્ષે જ તેણે 18 એપ્રિલના રોજ કલકત્તા નાઇટ રાઇડર સામે હેટ્રીક લીધી એટલું જ નહીં મૅચમાં તેણે પાંચ વિકેટ પણ લીધી. વર્ષ 2022 સુધીમાં 131 મૅચમાં 21.83ની સરેરાશથી 166 વિકેટ લેનાર ચહલ કરતાં માત્ર બે જ ખેલાડી ડ્વોન બ્રેવો (183 વિ.) અને લસિથ મલિંગા (170 વિ.) એ વધુ વિકેટ લીધી છે. એટલું જ નહીં આ વર્ષે રાજસ્થાન રૉયલ તરફથી રમતમાં તેણે સ્પર્ધામાં સૌથી વધુ 27 વિકેટ લઈ પર્પલ કૅપ પણ મેળવી.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેને મળેલ સફળતાના પરિણામે 2016માં ઝીમ્બાબ્વેના પ્રવાસે જનાર ભારતીય ટીમમાં તેને સ્થાન મળ્યું. અને 18 જૂન, 2016ના રોજ તે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી ટ્વેન્ટી મૅચમાં રમ્યો. ત્યારબાદ ભારતના પ્રવાસે આવેલ ઇંગ્લૅન્ડની ટીમ સામે પણ તેને રમવા મળ્યું. અહીં 1 ફેબ્રુઆરી, 2017ના રોજ બૅંગાલુરુમાં રમાયેલ મૅચમાં તેણે માત્ર 25 રન આપી ઇંગ્લૅન્ડની છ વિકેટ લીધી. તેનો આ દેખાવ અત્યાર સુધીના કોઈ પણ ભારતીય ખેલાડીનો આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી ટ્વેન્ટીનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો.
ચહલ તેના જન્મસ્થળ જીંદની દેવ પબ્લિક સ્કૂલમાં અને ત્યારબાદ મહાત્મા ગાંધી કૉલેજ ઑફ હેલ્થ સાયન્સમાંથી સ્નાતક થયેલ. ચહલે શરૂઆતનાં વર્ષોમાં આવકવેરા ખાતામાં પ્રથમ ઇન્સ્પેક્ટર તરીકે અને ત્યારબાદ ઑફિસર તરીકે પણ સેવા બજાવી છે. કોચ અશ્વિનીકુમાર પાસેથી તાલીમ પામેલ ચહલને સ્ટ્રેટ ડ્રાઇવ મારવો ખૂબ જ પસંદ છે. ચહલનું નામ યજુવેન્દ્રસિંહ કેમ રાખવામાં આવ્યું તેનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. ચહલના ઍડ્વોકેટ પિતા 1977માં ઇંગ્લૅન્ડમાં રમાયેલ બૅંગાલુરુ ટેસ્ટમાં ભારત તરફથી રમતાં યજુવેન્દ્રસિંહે પ્રથમ દાવમાં પાંચ અને બીજા દાવમાં બે એમ કુલ સાત કૅચ કરી વિશ્વવિક્રમની બરાબરી કરેલ. આ ટેસ્ટ કે. કે. ચહલે જોઈ હતી અને ત્યારથી તેમને યજુવેન્દ્રસિંહ નામ ગમી ગયેલ અને તેથી જ તેમણે પોતાના પુત્રું નામ યજુવેન્દ્ર રાખ્યું.
ભારતના ઝીમ્બાબ્વે પ્રવાસમાં 11 જૂન, 2016ના રોજ વન-ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય પ્રવેશ મેળવનાર યજુવેન્દ્ર ચહલે વન-ડેમાં પણ શાનદાર સફળતા મેળવી છે. તેનો શ્રેષ્ઠ દેખાવ ઑસ્ટ્રેલિયા સામે મેલબૉર્નમાં 18 જાન્યુઆરી, 2019ના રોજ 42 રનમાં છ વિકેટનો છે. 61 વન-ડેમાં 104 વિકેટ લેનાર યજુવેન્દ્રસિંહને હવે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવાની ઇચ્છા છે.
પાંચ ફૂટ છ ઇંચની ઊંચાઈ ધરાવતા અને ચેસ રમવાના તથા મુસાફરી કરવાના શોખીન યજુવેન્દ્રનું મનપસંદ મેદાન બૅંગાલુરુનું એમ. ચીન્નાસ્વામી સ્ટેડિયમ છે. ભારતના સચિન અને કોહલી તથા ઇંગ્લૅન્ડના કેવિન પીટર્સન તેના પ્રિય ક્રિકેટર છે. તો બોલિવૂડના સ્ટાર અક્ષયકુમાર અને કરિના કપૂર તેનાં પ્રિય અભિનેતા-અભિનેત્રી છે.
જગદીશ શાહ