એક દેશ – એક રેશન કાર્ડ

January, 2024

એક દેશ – એક રેશન કાર્ડ: 2018માં શરૂ થયેલી દેશભરમાં માન્ય રેશન કાર્ડ આપવાની યોજના. એક દેશ – એક રેશન કાર્ડની વ્યવસ્થા અંતર્ગત કોઈ પણ રાજ્યના કાર્ડધારકને દેશમાં કોઈ પણ સ્થળે કેન્દ્ર સરકારની સાર્વજનિક વિતરણ પ્રણાલીની યોજના હેઠળ સસ્તાં અનાજની દુકાનમાંથી રાહત દરે ખાદ્યસામગ્રી મળવા પાત્ર છે. રેશન કાર્ડના આધારે રાહત દરે અનાજ આપવાની યોજના ભારતમાં બ્રિટિશરાજ વખતે 1945માં શરૂ થઈ હતી. 1947માં દેશને આઝાદી મળી પછી આ યોજના ચાલુ રાખવામાં આવી હતી. આયોજન પંચના સૂચન પછી ગરીબી રેખાની નીચે રહેલા પરિવારો અને ગરીબ પરિવારો – એમ બે ભાગમાં રેશન કાર્ડ આપીને સરકારે તેના આધારે અનાજના વિતરણની વ્યવસ્થા કરી હતી. કેન્દ્ર સરકારની દેખરેખ અને નિર્દેશ પ્રમાણે રેશન કાર્ડની ફાળવણીનો અધિકાર રાજ્ય સરકારોને અપાયો છે. રેશન કાર્ડ માત્ર સસ્તું અનાજ મેળવવા માટે જ ઉપયોગી નથી, એ દેશના નાગરિકો માટે ઓળખ-રહેણાક-ઉંમરનું સત્તાવાર સરકારી પ્રમાણપત્ર પણ ગણાય છે. ઓળખ માટે આધાર કાર્ડની વ્યવસ્થા ન હતી ત્યાં સુધી રેશન કાર્ડ દેશનું સૌથી મોટી ઓળખપત્રની યોજના પણ ગણાતી હતી.

2018માં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ આધારિત સસ્તાં અનાજના વિતરણની યોજનાને રાષ્ટ્રીય સ્તરે એકસરખી રીતે લાગુ પાડવા માટે નવી યોજના જાહેર કરી, જેને નામ આપ્યું : એક દેશ – એક રેશન કાર્ડ. દેશભરમાં માન્ય આ રેશન કાર્ડના કારણે દેશના નાગરિકો પોતાના ગૃહરાજ્ય સિવાયના કોઈ પણ રાજ્યમાંથી નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત સસ્તું અનાજ મેળવી શકે છે. યુનિક ઓળખપત્ર આધારકાર્ડ સાથે જોડીને આ રેશન કાર્ડ આપવામાં આવે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ધંધા-રોજગાર માટે જતાં લાખો લોકોને એક દેશ – એક રેશન કાર્ડની યોજના ઉપયોગી થઈ પડી છે. આ કાર્ડનો ઓનલાઈન રેકોર્ડ રહેતો હોવાથી દેશના કોઈ પણ શહેર કે ગામડાંમાં સાર્વજનિક વિતરણ પ્રણાલી યોજના હેઠળ આવેલી સસ્તાં અનાજની દુકાનમાંથી નિયત સમયગાળા દરમિયાન અનાજ સહિતની ખાદ્યસામગ્રી મળવા પાત્ર છે. એક દેશ – એક રેશન કાર્ડની કેન્દ્ર સરકારની આ યોજનામાં દેશના 20 રાજ્યો જોડાઈ ચૂક્યા છે. આગામી સમયમાં દેશના તમામ રાજ્યોને આ યોજનામાં આવરી લેવાનો કેન્દ્ર સરકારનો ઉદેશ્ય છે. એક દેશ – એક રેશન કાર્ડની યોજનાને કેન્દ્ર સરકારે ‘ડિજિટલ ઈન્ડિયા’ની પહેલ સાથે જોડી હોવાથી આ કાર્ડ મેળવવા માટે અરજદારો ઓનલાઈન પ્રક્રિયા પણ કરી શકે છે. ઈ-રેશન કાર્ડના માધ્યમથી પરિવારને મળવાપાત્ર અનાજ-કરિયાણાના જથ્થાનો રેકોર્ડ પણ રાખી શકાય છે.

હર્ષ મેસવાણિયા