ફિશર, વેલ્ધી

February, 1999

ફિશર, વેલ્ધી (જ. 1879, રોમ, ઇટાલી; અ. 16 ડિસેમ્બર 1980, સાઉથબરી, યુનાઇટેડ સ્ટેટ્સ) : જન્મ લુહાર પિતા અને શિક્ષિકા માતાને ત્યાં. યશસ્વી વિદ્યાર્થીકાળ પતાવી સ્નાતિકા થઈ શિક્ષિકા બન્યાં. યુરોપી સંસ્થાનવાદ ત્યારે ઉગ્ર ચરણમાં હતો ત્યારે વેટિકનની આજ્ઞાથી ખ્રિસ્તી ધર્માંતરણ વ્યાપક રૂપે ચાલતું હતું. વેલ્ધી એક એવા ખ્રિસ્તી સંઘમાં જોડાયા. 1906થી 1918 સુધી ચીનમાં નાનચ્યાંગમાં મુખ્ય શિક્ષિકા રહ્યાં. 1911માં આગમાં શાળા રાખ બની, ત્યારે અમેરિકા જઈ ઉઘરાણું કરી શાળા ફરી બંધાવી. ચીનમાં તેમના કાર્યની પ્રશંસા થઈ. 1920માં તે ભારત આવ્યાં. 1924માં કોલકાતાના પાદરી ફ્રેડરિક ફિશર સાથે લગ્ન કર્યાં. 1938માં પતિનું અવસાન થયું. 1947માં તેમને દિલ્હીમાં ગાંધીજીને મળવાનું થયું. ગાંધીજીએ તેમને ગામડામાં જઈ ગ્રામજનોને શિક્ષણ આપવા સૂચવ્યું. વેલ્ધીએ 1953માં અલ્લાહાબાદમાં નાનું ઘર ભાડે લઈ તેના એક ઓરડામાં સાક્ષરતા નિકેતન નામે સંસ્થાનો આરંભ કર્યો. ચાર વર્ષ પછી લખનૌની સીમમાં નગરથી દસેક કિલોમિટર દૂર ટુકડે ટુકડે ભૂમિ મેળવી સાક્ષરતા નિકેતનનો ભારે વિકાસ કર્યો. સંસ્થાનું મહત્વનું કાર્ય એ રહ્યું કે તેણે સેવાભાવી ગ્રામ શિક્ષકોનું વિરાટ દળ ઊભું કર્યું. દેશપરદેશથી પ્રશિક્ષણાર્થીઓ આવતા. સંસ્થા 140 એકરમાં બંધાયેલાં 40 ભવનોવાળું વટવૃક્ષ બની. ઉમદા શિક્ષણસેવા-કાર્ય માટે વેલ્ધીને રેમન મેગસેસે પુરસ્કાર (1964) સહિત અનેક સન્માનો મળ્યાં. નિવૃત્ત થઈ તેઓ અમેરિકામાં સાઉથબરી નગરમાં વસ્યાં, જ્યાં 101 વર્ષની વયે તેમનું અવસાન થયું.

બંસીધર શુક્લ