પ્રભાકરન્, વેલુપિલ્લાઈ

February, 1999

પ્રભાકરન્, વેલુપિલ્લાઈ (જ. 26 નવેમ્બર 1954, વેલુવેત્તીતુરાઈ, જાફના, શ્રીલંકા; અ. મે 2009) : શ્રીલંકાના ઈશાન દિશાના પ્રદેશમાં તમિળ નાગરિકોનું સ્વતંત્ર રાજ્ય પ્રસ્થાપિત કરવા માટે ઝઝૂમી રહેલા ‘આતંકવાદી’ અને લિબરેશન ટાઇગર્સ ઑવ્ તમિળ ઇલમ (LTTE) નામના સશસ્ત્ર સંગઠનના સર્વેસર્વા. લાડકું નામ ‘તમ્બી’. વૈશ્વિક ફલક પર આતંકવાદી તરીકે કુખ્યાત બનેલા મુસ્લિમ કટ્ટરવાદી ઓસામા બિન લાદેન પછી વિશ્વભરમાં આતંકવાદીઓમાં કદાચ પ્રભાકરનને બીજા ક્રમ પર મૂકી શકાય એવી ખૂંખાર કારકિર્દી પ્રભાકરનની છે. સોળમા વર્ષે 1960માં તેઓ સશસ્ત્ર સંઘર્ષમાં ઊતર્યા. તેમના નેતૃત્વ હેઠળ તેમણે જ 1972માં સ્થાપના કરેલ સંગઠન ‘તમિળ ન્યૂ ટાઇગર્સ’ના નેજા હેઠળ એલ.ટી.ટી.ઈ.એ ત્યાં ચાલતા આ ગૃહયુદ્ધમાં અત્યાર સુધી(2007)માં 70,000 માણસોને મોતને ઘાટ ઉતાર્યા છે, તેનાથી ઘણી મોટી સંખ્યાના માણસો ઘવાયા છે અને કરોડોની માલમત્તા નષ્ટ થઈ છે. શ્રીલંકામાં વસતા તમિળ લોકોની રાજકીય આકાંક્ષાઓ પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહેલા ‘તમિળ ન્યૂ ટાઇગર્સ’

વેલુપિલ્લાઈ પ્રભાકરન્

નામના મૂળ સંગઠનનું રૂપાંતર મે 1976માં ‘લિબરેશન ટાઇગર્સ ઑવ્ તમિળ ઇલમ’(LTTE)માં કરવામાં આવ્યું, જેના ઉમામહેશ્વરન્ નામના તમિળ રહેવાસીની સર્વપ્રથમ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી; પરંતુ પ્રભાકરનની કટ્ટરવાદી વિચારસરણી અને સશસ્ત્ર સંઘર્ષની પદ્ધતિઓ અંગે બેની વચ્ચે તીવ્ર મતભેદ ઊભા થતાં ઉમામહેશ્વરન્ પોતાના અનુયાયીઓ સાથે એલ.ટી.ટી.ઈ.માંથી બહાર નીકળ્યા. ત્યાર બાદ પ્રભાકરન્ પોતાના અનુયાયીઓને ગેરીલા યુદ્ધના પ્રશિક્ષણની તૈયારી કરાવવાના આશયથી ચેન્નાઈ આવ્યા અને ત્યાંથી તેમણે પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગનાઇઝેશન (PLO), દક્ષિણ અમેરિકાના અને ખાસ કરીને ક્યૂબાના ક્રાંતિકારીઓ ગુવેરા તથા આયર્લૅન્ડના ‘આઇરિશ રિપબ્લિકન આર્મી’ના નેતાઓ સાથે ગુપ્ત સંપર્ક સાધ્યો; એટલું જ નહિ, પરંતુ આત્મઘાતી ‘માનવી બૉમ્બ’નું પ્રશિક્ષણ લેવા માટે તેમણે ઇઝરાયલના ગુપ્તચર સંગઠન ‘મોસાદ’ની પણ મદદ લીધી. સમય જતાં એલ.ટી.ટી.ઈ. પર ક્રમશ: તેમની પકડ વધુમાં વધુ મજબૂત થવા લાગી. 1982માં તેમણે ઉમામહેશ્વરનને પોતાનો ‘દુશ્મન નંબર-1’ જાહેર કર્યો અને ચેન્નાઈના પાડીબજારમાં ધોળે દિવસે તેની હત્યા કરી. આ ગુના માટે તેમની ચેન્નાઈ પોલીસે ધરપકડ કરી ખરી; પરંતુ પ્રભાકરન્ જામીન પર છૂટવામાં સફળ થયા. ત્યાર બાદ તેઓ ગુપ્ત રાહે શ્રીલંકા પાછા ફર્યા અને શ્રીલંકામાંના અને ખાસ કરીને જાફના વિસ્તારના તમિળ જાતિના લોકોની રાજકીય આકાંક્ષાઓ સિદ્ધ કરવા માટે જે જે સંગઠનો ત્યાં એ અરસામાં કામ કરતાં હતાં તેમના પર પોતાનું વર્ચસ્ જમાવવા માટે સઘન પ્રયત્નો હાથ ધર્યા. તેમાં તેમને ઠીક ઠીક સફળતા મળી. આ સંગઠનોમાં ‘ઇલમ પીપલ્સ રેવલૂશનરી ઑર્ગનાઇઝેશન’, ‘તમિલ ઇલમ લિબરેશન આર્મી’, ‘ધ તમિળ ઇલમ આર્મી’ વગેરેનો સમાવેશ થતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે તેમણે સામ, દામ, ભેદ અને દંડ – આ ચારેય માર્ગોનો છૂટથી, કોઈ પણ જાતના સંકોચ વગર ઉપયોગ કર્યો. 1974–1983ના ગાળામાં શ્રીલંકાની સરકાર અને એલ.ટી.ટી.ઈ. વચ્ચે ભયંકર સશસ્ત્ર સંઘર્ષ ફાટી નીકળ્યો. આ સંઘર્ષ સમાપ્ત કરવાના શુદ્ધ ઇરાદાથી જાફના પ્રદેશમાં ભારતની શાંતિસેના (IPKF) દાખલ કરવામાં આવી, પણ તેને સફળતા મળવાને બદલે બદનામી મળી. ભારતને પાછા ફરવું પડ્યું. શાંતિ સેના મોકલવાના ભારત સરકારના ઉપર્યુક્ત નિર્ણયને કારણે ભારત સરકાર પ્રત્યે પ્રભાકરન્ અને તેમના નેતૃત્વ હેઠળનું સંગઠન એલ.ટી.ટી.ઈ. આ બંનેમાં ઊભી થયેલ નફરત પરાકાષ્ઠાએ પહોંચતાં 1991માં દક્ષિણ ભારતના શ્રીપેરામ્બદૂર ખાતે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની તેમના ચૂંટણી-પ્રચાર માટેની એક સભામાં એક માનવબૉમ્બ દ્વારા હત્યા કરવામાં આવી, જેની જવાબદારી લગભગ સોળ વર્ષ પછી 2007માં ઉપર્યુક્ત સંગઠને તેમની એક ભૂલ તરીકે સ્વીકારી છે. એલ.ટી.ટી.ઈ. અને શ્રીલંકાની સરકાર વચ્ચે ત્યાર બાદ આજદિન સુધી (2008) સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહ્યો છે અને નૉર્વેની સરકારની વારંવારની મધ્યસ્થતા છતાં શાંતિ યોજના સ્વીકારવાના બધા જ પ્રયત્નોનો પ્રભાકરને અસ્વીકાર કર્યો છે. એલ.ટી.ટી.ઈ.ના વિરોધીઓ ગમે તે હોય, તેમના ઇરાદા ભલે શુદ્ધ હોય, છતાં તેમને સદંતર સમાપ્ત કરવા એ જ એકમાત્ર કાર્યક્રમ પ્રભાકરને આદર્યો છે. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી શ્રીલંકાના એક પ્રમુખ (પ્રેમદાસા), બે પ્રધાનમંત્રીઓ, પાંચ મંત્રીઓ, એક સેનાધ્યક્ષ અને લશ્કરના સેંકડો સૈનિકો અને હજારો નાગરિકોએ પોતાના જાન ગુમાવ્યા છે.

વર્ષ 2007ના અંતિમ ચરણમાં ડિસેમ્બર માસમાં શ્રીલંકાના હવાઈદળે જાફના પ્રદેશ પર કરેલા હવાઈ હુમલામાં પ્રભાકરન્ ગંભીર રીતે ઘવાયા છે એવા બિનસત્તાવાર સમાચાર છે, જેને અધિકૃત સમર્થન મળેલ નથી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે