પ્રાણ, કિશોર (જ. 1926, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી રંગમંચના જાણીતા કલાકાર અને નવલકથાકાર. તેમની ખૂબ જાણીતી નવલકથા ‘શીન તે વતપોદ’ માટે તેમને 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. લાહોર ખાતેની પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ. તેમણે 30થી વધુ વર્ષો સુધી આકાશવાણીમાં કામગીરી સંભાળેલી. કાશ્મીરી, ઉર્દૂ અને હિંદી ભાષામાં સંખ્યાબંધ નાટકો અને વૃત્તચિત્રો (documentaries) આપ્યાં, તેમાં અભિનય કર્યો અને નિર્માણ કર્યું. તે માટે તેમને બે વખત રાષ્ટ્રીય પ્રસારણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમનાં નાટકો તથા તેમણે રંગમંચમાં આપેલા યોગદાન બદલ રાજ્ય દ્વારા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન થયું છે. કાશ્મીરી રંગમંચ સંઘના અધ્યક્ષ તરીકે તેમણે 9 વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યો. આ ઉપરાંત તેમણે ચિત્રકાર અને ફિલ્મ-નિર્દેશક તરીકે પણ પોતાની પ્રતિભા દાખવી છે.

કિશોર પ્રાણ

તેમણે 5 નવલકથાઓ લખી છે, જેમાં 3 કાશ્મીરી અને 2 ઉર્દૂમાં છે. તે પૈકી ‘મશાલ’ (ઉર્દૂ) પરથી દૂરદર્શને ફિલ્મનું નિર્માણ કર્યું છે અને ‘ગુલ, ગુલશન, ગુલફામ’ (કાશ્મીરી) ધારાવાહિક પણ તૈયાર કરેલ છે. ‘મુખ્તિયાર’(ઉર્દૂ)ને ફિલ્મનું નિર્માણ કરવા માટે દૂરદર્શને પસંદ કરી છે.

તેમની કૃતિ ‘શીન તે વતપોદ’માં માનવ-પ્રકૃતિનું આંતરદર્શન તથા પરિષ્કૃત શૈલી ધ્યાન ખેંચે છે. કાશ્મીરી સાહિત્યની તે અનુપમ ઉપલબ્ધિ મનાઈ છે. તે કૃતિમાં ગુજ્જર કોમમાંના પ્રેમનું, તેમના જીવન તથા મૃત્યુપ્રસંગોનું આકર્ષક વર્ણન છે.

બળદેવભાઈ કનીજિયા