ફુગાવો (inflation) : દેશમાં વસ્તુઓ અને સેવાઓની કિંમતો સતત વધતી જતી હોય એટલે કે દેશના ચલણી નાણાની ખરીદશક્તિ પણ સતત ઘટતી જતી હોય ત્યારે દેશમાં ‘ફુગાવો’ પ્રવર્તે છે એમ કહી શકાય. ફુગાવો એ અસમતુલાની એવી સ્થિતિ છે, જેમાં ચલણી નાણાનાં જથ્થામાં સતત ઊંચા દરે વધારો થતો હોય છે, જે ભાવસપાટી વધવાનું કારણ બને છે અને પરિણામ પણ બને છે. આ મુદ્દાને આ રીતે સ્પષ્ટ કરી શકાય : સરકાર દ્વારા ચલણી નાણું સતત વધારવાથી ભાવસપાટી પણ સતત વધે અને તેથી મજૂરો, કર્મચારીઓ વધારે વેતન માગે; ઉત્પાદકો અને વ્યાપારીઓ ખર્ચ વધવાથી કિંમતો વધારે અને આ રીતે નાણાંની જરૂરિયાત વધવાથી સરકારને ફરીથી વધુ નાણાં બહાર પાડવાં પડે અને તેથી પ્રવર્તતા ફુગાવાને પ્રવેગ મળે.
ફુગાવાને માપવા માટે ભાવસૂચક આંક વપરાય છે. બધી વસ્તુ અને સેવાના ભાવોની સરેરાશને અમુક પાયાના વર્ષમાં પ્રવર્તતી તેની કિંમતોની સરેરાશ કરતાં તે કેટલી વધારે છે તે ભાવસૂચક આંક દ્વારા જાણી શકાય છે. આવા સૂચક આંક અનેક પ્રકારના હોય છે; પણ સામાન્ય રીતે ગ્રાહકોને વસ્તુઓ અને સેવાઓ માટે ચૂકવવી પડતી કિંમતોના આધારે ગ્રાહકીય કિંમતના સૂચક આંકથી ફુગાવાને માપવામાં આવે છે.
દેશમાં ભાવો વધવાના દરને આધારે તેમજ ભાવો વધવાના કારણના આધારે ફુગાવાના વિવિધ પ્રકારો પાડવામાં આવે છે; દા.ત., જો દેશમાં ભાવસપાટી દર વર્ષે 2 %થી 3 %ના દરે વધતી હોય તો તેને સરકતો ફુગાવો કહેવામાં આવે છે. ભાવસપાટીમાં વાર્ષિક 10 %થી 25 %ના દરે વધારો થતો હોય તો તેને દોડતો ફુગાવો કહેવામાં આવે છે. આજે દેશમાં ભાવવધારાનો વાર્ષિક દર 10 % કે તેથી વધુ છે તો તેને દ્વિઅંકી ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે અને તેને એક ગંભીર સમસ્યાના રૂપમાં પણ જોવામાં આવે છે.
દેશમાં ફુગાવો શરૂ થવાના કારણના આધારે પણ કેટલીક વખત ફુગાવાના પ્રકારો પાડવામાં આવે છે; દા.ત., અર્થતંત્રમાં સરકાર અને ઉત્પાદક દ્વારા થતા ખર્ચમાં વધારો થવાથી અર્થતંત્રમાં ચીજવસ્તુઓ માટેની માંગ, તેમના પુરવઠા કરતાં વધુ ઝડપથી વધે તો તેને માંગપ્રેરિત (demand pull) ફુગાવો કહેવામાં આવે છે. પેઢીઓના ઉત્પાદનખર્ચમાં કોઈક કારણે વધારો થાય અને તેના પરિણામે ભાવવધારો શરૂ થાય તો તેને ખર્ચપ્રેરિત ફુગાવો (cost push) કહેવામાં આવે છે.
ફુગાવાનાં પરિણામોના વિશ્લેષણના ર્દષ્ટિબિંદુથી તેના અંગે લોક-ધારણાના બે પ્રકારો પાડવામાં આવે છે : જો લોકો આગામી વર્ષ દરમિયાન ભાવસપાટી વધવાના દર અંગે સાચું અનુમાન કરીને તેના આધારે આર્થિક નિર્ણયો કરતા હોય, તો તેને અપેક્ષિત (anticipated) ફુગાવો કહેવાય છે. પણ લોકોના અનુમાન કરતાં ઊંચા દરે ભાવો વધે તો તેવા ફુગાવાને અનપેક્ષિત ફુગાવો (unanticipated inflation) કહેવામાં આવે છે.
ફુગાવાનાં કારણો વિશે અર્થશાસ્ત્રીઓમાં મતભેદ પ્રવર્તે છે. અર્થતંત્રમાં એવું શું બને છે કે જેથી ભાવો સતત વધ્યા કરે છે એ પ્રશ્નનો સર્વસંમત ઉત્તર હજુ સુધી સાંપડ્યો નથી; કેમ કે વિભિન્ન દેશોના અનુભવોનું સર્વસંમત અર્થઘટન થઈ શક્યું નથી. ઉપર ફુગાવાના જે પ્રકારો પાડ્યા છે તેમાં ફુગાવો થવાનાં બે કારણો અભિપ્રેત છે. ફુગાવાના સંદર્ભમાં એક બાબતમાં સર્વસંમતિ પ્રવર્તે છે. અર્થતંત્રમાં જો નાણાંના પુરવઠામાં ભાવવધારાના દરની તુલનામાં ઊંચા દરે વધારો થયા કરતો ન હોય તો ભાવવધારાની પ્રક્રિયા આગળ વધી શકે નહિ. આ અર્થમાં ફુગાવાને એક નાણાકીય ઘટના કહેવામાં આવે છે. નાણાવાદીઓ તરીકે ઓળખાતા અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે નાણાંના પુરવઠામાં વધારો પહેલાં થાય છે અને તેના પરિણામ રૂપે ભાવો વધે છે; જ્યારે કેઇન્સવાદી અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે પ્રથમ અર્થતંત્રમાં ભાવો વધવાની પ્રક્રિયા અસ્તિત્વમાં આવે છે અને પછી તેની જરૂરિયાત સંતોષવા માટે નાણાંના પુરવઠામાં વધારો થાય છે. ફુગાવાનાં કારણો અંગેનો આ મતભેદ ફુગાવાને રોકવાના ઉપાયો સુધી વિસ્તરેલો છે.
ફુગાવાની વિશ્વવ્યાપી ઘટના : બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના મોટાભાગના દેશોમાં ભાવો વત્તાઓછા દરે વધતા રહ્યા છે. આમાં દક્ષિણ અમેરિકાના કેટલાક દેશો કુખ્યાત છે. પ્રમાણમાં તાજેતરના વર્ષના આંકડાઓ જોઈએ તો 1980થી 1995ના દોઢ દસકા દરમિયાન બ્રાઝિલમાં ભાવો વાર્ષિક 875 %ના દરે અને આર્જેન્ટિનામાં વાર્ષિક
255 %ના દરે વધ્યા હતા. એ જ સમયગાળામાં ભારત, પાકિસ્તાન અને ચીનમાં ભાવો વાર્ષિક 9 %થી 10 %ના દરે વધ્યા હતા. તેની તુલનામાં કૅનેડા, અમેરિકા અને ઇંગ્લૅન્ડ જેવા કેટલાક વિકસિત દેશોમાં ભાવો વાર્ષિક 3 %થી 5%ના દરે વધ્યા હતા. દુનિયામાં ભાગ્યે જ એવો કોઈ દેશ છે, જ્યાં લાંબા સમય સુધી ભાવોને સ્થિર રાખી શકાયા હોય.
ફુગાવાની અસરો સમજવા માટે તે અપેક્ષિત છે કે અનપેક્ષિત તે મુદ્દો મહત્વનો બને છે. ફુગાવો જો અનપેક્ષિત હોય તો સમાજમાં કેટલાક વર્ગોની વાસ્તવિક આવક ઘટે છે, કારણ કે ભાવોના વધારાના પ્રમાણમાં તેમની નાણાકીય આવક ઓછી વધે છે. આ વર્ગોમાં ખેતમજૂરો જેવા અસંગઠિત કામદારો, વ્યાજની આવક ઉપર જીવતા નિવૃત્ત માણસો વગેરેનો સમાવેશ થાય છે. અનપેક્ષિત ફુગાવાની પ્રક્રિયામાં ધિરાણ લેનારાઓને લાભ થાય છે; કેમ કે તેમણે જ્યારે નાણાં વ્યાજે લીધાં હોય છે ત્યારે તેની જે ખરીદશક્તિ હોય છે તેની તુલનામાં તેઓ જ્યારે નાણાં પરત કરે છે ત્યારે તેની ખરીદશક્તિ ઘટી ગઈ હોય છે. એ જ રીતે વ્યાજનો વાસ્તવિક દર પણ ફુગાવાને કારણે ઘટી જાય છે. આમાંથી એ સ્પષ્ટ થાય છે કે નાણાં ધીરનારાઓને અનપેક્ષિત ફુગાવાને કારણે નુકસાન જાય છે. અનપેક્ષિત ફુગાવાને પરિણામે દેશમાં આવકની અસમાનતા વધે છે. દેશમાં ચાલતા ફુગાવાની સાથે જો દેશના હૂંડિયામણના દરમાં વધારો ન થયા કરતો હોય તો દેશના લેણદેણના સરવૈયા પર ખાધ ઉપસ્થિત થાય છે. અલબત્ત, લાંબો સમય ચાલુ રહે તો ફુગાવો અપેક્ષિત બની જતો હોય છે. અર્થતંત્રની કામગીરી પર આવા અપેક્ષિત ફુગાવાની કોઈ નોંધપાત્ર પ્રતિકૂળ અસર પડતી નથી. આવા અર્થતંત્રમાં વ્યાજનો દર, વેતનનો દર વગેરે કિંમતો ભાવવધારાની અપેક્ષા પ્રમાણે વધતી રહે છે. આવો અપેક્ષિત ફુગાવો ઊંચા દરે થતો હોય કે નીચા દરે થતો હોય, લાંબા ગાળામાં તેની દેશના આર્થિક વિકાસ પર, બચત અને મૂડીરોકાણ પર તથા આવકની વહેંચણી પર કોઈ નોંધપાત્ર અસર પડેલી જણાતી નથી; દા.ત., કૅનેડા અને અમેરિકામાં 1980થી 1995ના સમયગાળામાં ફુગાવાનો દર 3 % જેટલો હતો અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 2.5 % જેટલો હતો. એ જ સમયગાળામાં ભારત અને પાકિસ્તાનમાં ભાવવધારાનો દર 9 %થી અધિક હતો અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 5 %થી અધિક હતો.
ફુગાવો સર્જાવાનાં કારણો વિશે મતભેદો પ્રવર્તે છે, પરંતુ ફુગાવાને નિયંત્રિત કરવાના માર્ગોની બાબતમાં ઝાઝો મતભેદ નથી. નાણાંના પુરવઠામાં ઊંચા દરે વધારો થયા ન કરે તો ફુગાવાની પ્રક્રિયા લાંબો સમય ચાલુ રહી શકતી નથી. તેથી દેશની મધ્યસ્થ બૅંકે નાણાંના પુરવઠામાં થઈ રહેલા વધારાના દરને ઘટાડવા માટેનાં નાણાકીય પગલાં ભરવાં જોઈએ. મધ્યસ્થ બૅંકને તેની આ કામગીરીમાં સફળતા મળે તે માટે દેશની સરકારે અંદાજપત્ર પરની તેની ખાધને સીમિત રાખવી જોઈએ. સરકારો માટે તેમની અંદાજપત્રીય ખાધ ઘટાડવાનું મુશ્કેલ હોવાથી ફુગાવાને ડામવાનું પણ મુશ્કેલ બની જાય છે. વળી ફુગાવાના દરને ઘટાડવા જતાં ટૂંકા ગાળામાં અર્થતંત્રમાં બેકારી વધવાનું જોખમ ઊભું થાય છે. ફુગાવાના ઊંચા દર અને બેકારી – એ બે અનિષ્ટોમાંથી સરકારને ફુગાવો ઓછો અનિષ્ટ જણાતો હોવાથી અમુક હદ સુધીનો ફુગાવો તે સહી લેવાનું પસંદ કરે છે.
શાંતિલાલ બ. મહેતા