અધિકાર (વ્યાકરણશાસ્ત્ર) : સામાન્ય અર્થ ‘શાસન, કાર્યપ્રદેશ’. પાણિનિના-વ્યાકરણમાં ‘અધિકરણ-વિષયવિભાગ’ એ વિશિષ્ટ અર્થ. તેમાં અધિકારસૂત્રોને સ્વરિત સ્વરની નિશાની કરવામાં આવે છે. પ્રત્યેક અધિકારસૂત્રનો તે તે સ્થળે સ્વતંત્ર અર્થ હોતો નથી, પણ તેની અનુવૃત્તિનું ક્ષેત્ર તે તે વિષયની સમાપ્તિ સુધી વિસ્તૃત હોય છે. બીજું અધિકારસૂત્ર આવે ત્યારે આગલા અધિકારની નિવૃત્તિ થાય છે અને નવો વિષય-વિભાગ (અધિકરણ) શરૂ થાય છે મહાભાષ્ય(2.1.1)માં અધિકારસૂત્રનું લક્ષણ આપતાં લખ્યું છે કે – ‘‘अधिकारः प्रतियोगं तस्य अनिर्देशार्थ इति योगे योगे उपतिष्ठते । (પ્રત્યેક સૂત્રમાં અધિકારસૂત્રનો નિર્દેશ ન કરવો પડે છતાં દરેક પ્રયોગ વખતે તે પ્રવર્તે છે.)’’ અધિકારસૂત્ર એક જ સ્થાન પર રહીને પછીનાં સ્થાનોમાં ત્રણ રીતે કાર્ય કરે છે : 1. स्रियाम् (4.1.3), अंगस्य (6.4.1) વગેરે સ્થળોએ પ્રત્યેક સૂત્રમાં ઉપસ્થિત રહીને, 2. अपादाने (2.3.28) વગેરેમાં વિશેષ કાર્યો જણાવીને અને 3. પછીના બળવાન સૂત્રને તે કાર્ય પૂરતું નિર્બળ બનાવીને કાર્ય સાધે છે. આ સૂત્રના કાર્યની અસર પણ ત્રણ પ્રકારની હોય છે : 1. નદીની જેમ પ્રત્યેક સૂત્રમાં ક્રમવાર કાર્ય કરનારી, 2. મંડૂક(દેડકા)ની પ્લુતિ(કૂદકા)ની જેમ બેત્રણ સૂત્રો છોડી દેનારી અને 3. સિંહાવલોકિત – સિંહની દૃષ્ટિની જેમ આગલાં સૂત્રોમાં કાર્ય કરનારી અસરો હોય છે. અધિકારસૂત્રનું પ્રયોજન તે તે સૂત્રના પ્રક્રિયાપ્રદેશોમાં થતા ફેરફારોની નિશ્ચિત સીમા (મર્યાદા) બતાવવાનું છે. મુખ્ય અધિકારો નિપાત (1.4.56–97), પ્રત્યય (ત્રીજાથી પાંચમો અધ્યાય સંપૂર્ણ), સ્ત્રી (4.1.3–81), તદ્ધિત (4.1.76થી પાંચમો અધ્યાય સંપૂર્ણ) અને અંગાધિકાર (6.4.1.થી સાતમો અધ્યાય સંપૂર્ણ) છે.

તે સળંગ રીતે પ્રત્યેક સૂત્રમાં પ્રાપ્ત થાય છે. અનુવૃત્તિ પામનારાં પદો તે તે સૂત્રમાં તો પ્રયોજાય છે જ. ઉપરાંત પછીનાં સૂત્રોમાં પણ મિત્રની જેમ સાથે આવીને ઊભાં રહે છે. સમાન વિભક્તિયુક્ત પદ આવે ત્યારે તેની અનુવૃત્તિ ઘણું કરીને અટકી જાય છે. કેટલેક સ્થળે તે મંડૂકપ્લુતિ(દેડકાના કૂદકા)ની જેમ બેત્રણ સૂત્રો પછીના સૂત્રમાં પણ ઉપસ્થિત થાય છે, અને ક્યાંક અનુવૃત્તિના પ્રવાહને પાછો પણ વાળવામાં આવે છે. તેને અપકર્ષ અનુવૃત્તિ કહે છે. નદીપ્રવાહ જેવી અનુવૃત્તિ નિયમિત હોય છે; પરંતુ તે સિવાયની અનુવૃત્તિઓ કાલાન્તરે ઉપસ્થિત થઈ છે. તેનું કારણ ભાષાના જનસામાન્ય ઉપયોગને લીધે થતા ફેરફારો છે. ભાષાના શિષ્ટ પ્રયોગો અશાસ્ત્રીય – અવ્યાકરણીય ન ઠરે તે માટે મંડૂકપ્લુતિ અને અપકર્ષની અનુવૃત્તિઓનો સમાવેશ પાણિનાના વ્યાકરણની પરંપરામાં પાછળથી થયેલો જણાય છે.

જયદેવ જાની