ફિરમિયાના : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલું છે. ભારતમાં તેની બે જાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં પાવાગઢ, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં મળી આવતી તેની જાતિને કોદારો કે ખવાસ કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Firmiana colorata (Roxb.) R. Br. syn. Sterculia colorata Roxb. syn. Erythropsis colorata Burkill. (Scarlet sterculia) છે. તે પશ્ચિમ ભારત, પશ્ચિમ ઘાટ અને દક્ષિણ કોંકણમાં ખૂબ પ્રચલિત છે. મુંબઈમાં બોરીવલી-કાનેરી ગુફાઓ અને એલિફંટાની ટેકરીઓમાં મળી આવે છે.
તે 16થી 18 મી. ઊંચું, મધ્યમ કદનું અથવા વિશાળ, પર્ણપાતી વૃક્ષ છે. તેની છાલ રાખોડી કે ભૂખરા રંગની હોય છે. પર્ણો 15થી 20 સેમી. લાંબાં અને લગભગ તેટલાં જ પહોળાં; 3થી 5 ખંડી અને તલસ્થ ભાગેથી હૃદયાકાર હોય છે. પર્ણાગ્ર તીક્ષ્ણ અને ઉપપર્ણો ટટ્ટાર અને ભાલાકાર હોય છે. પુષ્પવિન્યાસ 2.5 સેમી. જેટલો લાંબો હોય છે અને સમૂહમાં ટૂંકા, અગ્રસ્થ, લઘુપુષ્પગુચ્છી (panicle) સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તે તારાકાર, રાળયુક્ત, પરવાળા જેવા નારંગી-લાલ રોમ વડે ગાઢ રીતે આચ્છાદિત હોય છે. પુષ્પો નિયમિત, દ્વિલિંગી, અધોજાયી, 2થી 3 સેમી. લાંબાં અને ઘેરાં નારંગી કે સિંદૂરી લાલ રંગનાં હોય છે. વસંત ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થતાં પુષ્પોને લીધે વૃક્ષ અતિ સુંદર લાગે છે. વજ્ર નિવાપાકારનું હોય છે. તેની વજ્રનલિકા ખૂબ લાંબી અને પાણીથી ભરેલી હોય છે. પુંકેસરો 10થી 30, અદંડી, પરાગાશયો પીળાં અને બીજાશયની નીચે આવેલા લાંબા જાયાંગધર (gynophore) પર એકત્રિત થયેલાં હોય છે. પરાગવાહિની પ્રતિવક્રિત (recurved) હોય છે. ફળ એકસ્ફોટી (follicle), બહારથી ઘેરાં નારંગી કે ગુલાબી અને અંદરથી પીળાં, 2.5થી 3.5 સેમી. લાંબાં, ભાલાકાર અને ત્વચીય હોય છે. બીજ લીસાં, અરોમિલ, આછાં બદામી, અંડાકાર અને ખરબચડાં હોય છે.
છાલમાંથી પ્રાપ્ત થતા નીચલી ગુણવત્તાવાળા રેસાઓ દોરડાં બનાવવામાં વપરાય છે. કાષ્ઠ ભૂખરા રંગનું, પોચું અને હલકું (384 કિગ્રા./ઘમી.) હોય છે. તે કાગળનો માવો બનાવવામાં વપરાય છે. પર્ણો અને શાખાઓ ઢોરોના ચારા તરીકે કામ આવે છે.
યોગેશ ડબગર