ફાર્બસવિરહ : દલપતરામે રચેલી, અર્વાચીન ગુજરાતી કવિતામાં ‘કરુણ-પ્રશસ્તિ’ (elegy) પ્રકારની પ્રથમ કૃતિ. અમદાવાદમાં મદદનીશ જજ તરીકે આવેલા, શિલ્પશાસ્ત્ર અને ઇતિહાસના અભ્યાસી, સાહિત્યપ્રેમી ફાર્બસે (ફૉર્બ્સે) દલપતરામની સહાયથી અમદાવાદ અને ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિની અનેકવિધ પ્રવૃત્તિઓ આદરી હતી અને દલપતરામના પરમ મિત્ર–સખા બન્યા હતા. એમના અવસાનથી મિત્ર દલપતરામના કવિહૃદયમાં પ્રગટેલી વિરહની વેદનાને આ કાવ્ય સબળતાથી વ્યક્ત કરે છે.
વિવિધ છંદોમાં, નાના-મોટા 94 શ્લોકો(કડીઓ)માં રચાયેલું આ કાવ્ય ‘રાગ પરજીઓ’માંની અંતિમ 24 કડીઓની ગેય રચનામાં પૂરું થાય છે અને ફાર્બસની જીવનસિદ્ધિઓને વર્ણવે છે. ફાર્બસના અવસાનથી ‘કવિતા-જહાજનો તે ભાંગી પડ્યો કૂવાથંભ’ અને ‘પંડિતોના પારેખની પ્રૌઢ પેઢી ભાંગી પડી’ જેવી રૂપકમઢી પંક્તિઓમાં કવિ ફાર્બસની કવિતાપ્રીતિને યાદ કરે છે. એ પછી ‘રે મુજ મિત્ર ગયો તદનંતર, અંતરદુ:ખ નિરંતર વ્યાપે’થી ઇંદ્રવિજય છંદમાં નાદઘોષ દ્વારા કવિહૃદયના વેદનાના ઊભરા પ્રત્યક્ષ થતા અનુભવાય છે. ફાર્બસની વિદાયથી મનુષ્યની જેમ શોકભાવ અનુભવતી પ્રકૃતિનું આરંભનું ચિત્રણ અને કાવ્યના ઉત્તરાર્ધમાં સમુદ્ર, મેઘરાજા, સાભ્રમતી નદી પ્રતિની કવિની ઉક્તિઓ દલપતરામની વેદનાને ર્દઢીભૂત કરે છે. કવિની વેદનાની પરાકાષ્ઠા ‘મિત્ર પ્રતિ ઉક્તિ’માં આવતા ‘વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે’થી આરંભાતા સોરઠાઓમાં પ્રગટ થાય છે. કવિનાં સચ્ચાઈભર્યાં સંવેદનો, કવિનું ઉરદર્દ જાણે કે ઘૂંટાઈ ઘૂંટાઈને એમાં આવતું અનુભવાય છે.
કાવ્યારંભે ‘પૂર્વાનુરાગસ્મરણ’માં કવિ અને ફાર્બસનાં સ્મરણોનું સરસ રીતે અંકન થયું છે. લાડનો લડાવનાર દિલદાર દોસ્ત પોતાને મૂકીને જતો રહેતાં કવિહૃદયમાં વ્યાપેલો શૂન્યાવકાશ, ‘પાઈ પાઈ પ્રેમ પાન પ્રથમ તેં પુષ્ટ કર્યો / પછી પીડા પમાડી વિજોગ પાન પાઈ પાઈ’ જેવી અનેક દ્વિરુક્તિની કાવ્યપ્રયુક્તિઓથી ચિત્રિત થયો છે.
આ કાવ્ય, આ રીતે, મિત્રના મૃત્યુની વેદનાના આઘાતને, મિત્રના ગુણકીર્તનને, વિયોગની વ્યથાના દર્દને સહજ ક્રમમાં નિરૂપીને કરુણપ્રશસ્તિ કાવ્યસ્વરૂપને અનુરૂપ ઉપશમમાં પરિણમે છે.
ચિમનલાલ ત્રિવેદી