ફાઉલર, વિલિયમ આલ્ફ્રેડ (જ. 9 ઑગસ્ટ 1911, પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 1995, પેન્સિલવેનિયા, યુ.એસ.) : અમેરિકન ન્યૂક્લિયર ખગોળભૌતિકવિજ્ઞાની. વિશ્વમાં રાસાયણિક તત્વોના નિર્માણમાં અતિ મહત્વનું સ્થાન ધરાવતી ન્યૂક્લિયર પ્રક્રિયાઓ(nuclear reactions)ના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અભ્યાસ બદલ ફાઉલરને, જન્મે ભારતીય પણ યુ.એસ. નાગરિક એવા સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર સાથે સંયુક્તપણે 1983નો ભૌતિકવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
તેમણે શાલેય શિક્ષણ લિમાની કેન્દ્રીય ઉચ્ચ શાળામાંથી લીધું. અભ્યાસકાળ દરમિયાન તેઓ ફૂટબૉલ અને બેઝબૉલના ઉત્તમ ખેલાડી હતા.
1929માં તેઓ ઉચ્ચતમ કક્ષા સાથે સ્નાતક થયા. ત્યારબાદ તેમણે યુ.એસ.ની ઓહાયો રાજ્યની યુનિવર્સિટીમાં જોડાઈ ઇજનેરી ભૌતિકવિજ્ઞાનનો વિશિષ્ટ અભ્યાસ પૂરો કરીને ઉચ્ચતમ કક્ષા પ્રાપ્ત કરી.
તેઓ આત્મનિર્ભરતાના પરમ આગ્રહી હતા. કૉલેજકાળ દરમિયાન પોતાની જાતને મદદરૂપ થવા માટે ભોજનાલયમાં વાસણો માંજતા અને ત્યાં વેઇટર તરીકે પણ કામ કરતા અચકાયા નહોતા.
1933માં ઇજનેરી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા. 1936માં ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાં જોડાયા. ત્યાં તેમણે ભૌતિકશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામગીરી શરૂ કરી. 1942માં તેમને સંલગ્ન (associate) પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી. તારકોના અંતર્ભાગ(core)માં ન્યૂક્લિયર પ્રક્રિયાઓ ચાલતી હોય છે અને તેના પરિણામે પ્રચંડ ઊર્જા પેદા થાય છે. આ હતું તેમના વૈજ્ઞાનિક રસનું મુખ્ય ક્ષેત્ર. 1957માં તેમણે બ્રિટિશ ખગોળશાસ્ત્રી ફ્રેડ હોઇલ, માર્ગારેટ બર્બિઝ અને જ્યૉફ્રી બર્બિઝના સહયોગથી તારાઓના અંતર્ભાગમાં પ્રવર્તતી ન્યૂક્લિયર ભઠ્ઠીનું રહસ્ય સમજાવવા સફળ પ્રયત્નો કર્યા. આવી તારક-ભઠ્ઠીમાં હાઇડ્રોજન જેવા હલકા તત્વનું સંલયન થઈને હીલિયમ અને અન્ય ભારે તત્વમાં રૂપાન્તર થતું હોય છે. આ ક્રમબદ્ધ ઘટનાની તેમણે વિગતવાર સમજૂતી આપી.
બીટા-ક્ષય દરમિયાન અને ન્યૂક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન વિદ્યુતભાર વિનાનો શૂન્યવત્ દળ ધરાવતો કણ ન્યૂટ્રિનો પેદા થાય છે. ન્યૂટ્રિનો દ્રવ્ય સાથે ભાગ્યે જ આંતરક્રિયા કરતા હોય છે. તેથી તેમની પરખ કરવી અતિ મુશ્કેલ હોય છે. ફાઉલર પાછળથી આ પ્રકારના ન્યૂટ્રિનો કણના અભ્યાસમાં લાગી ગયા અને તેમાં તેમણે ઘણો સમય વ્યતીત કર્યો.
ન્યૂટ્રિનોની પરખ કરવામાં ભારોભાર મુશ્કેલીઓ હોવા છતાં આ કણની વિગતવાર જાણકારી માટે તેમણે ભિન્ન ભિન્ન પ્રકારની કાર્યવિધિઓનો ઉપયોગ કર્યો છે.
હરગોવિંદ બે. પટેલ