બેરિશ, બેરી (Barish, Barry) (જ. 27 જાન્યુઆરી 1936, ઓમાહા, નેબ્રાસ્કા, યુ.એસ.એ.) : લિગો સંસૂચક- (detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. બેરિશને પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ કિપ થોર્ન તથા રેનર વેઇસ વચ્ચે વિભાજિત થયો હતો.
બેરિશનાં માતા-પિતા યહૂદી (Jewish) મૂળનાં હતાં. અને કુટુંબ પોલૅન્ડ (બેલારસ)માં વસતું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેમના કુટુંબે પોલૅન્ડથી અમેરિકા સ્થળાંતર કર્યું હતું. બેરિશે 1957માં સ્નાતકની પદવી તથા યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી ઉચ્ચ ઊર્જા ભૌતિકશાસ્ત્રમાં 1962માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં જોડાયા. હાલમાં તેઓ નિવૃત્ત પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વ્યાપક સાપેક્ષવાદના સિદ્ધાંતને પરિણામે ગુરુત્વાકર્ષણ-તરંગોના અસ્તિત્વની જાણકારી મળી. જ્યારે પણ અત્યંત દળદાર પદાર્થો પ્રવેગાત્મક ગતિ કરે છે ત્યારે આ તરંગો 4-પારિમાણિક અવકાશ-સમય(દિકકાલ)માં ઉદભવે છે, જેમને પરખવા માટે લિગો સંસૂચક (Laser Interferometer Gravitational-Wave Observatory – LIGO detector) વિકસાવવામાં આવ્યું. 1994થી બેરી બેરિશે લિગો સંસૂચકને વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. 2015માં પ્રથમ વખત ગુરુત્વાકર્ષણ-તરંગોનું નિરીક્ષણ થયું હતું. આ સંસૂચક દ્વારા ગુરુત્વાકર્ષણ-તરંગોને લીધે ઉદભવતા, લંબાઈમાં થતા ફેરફારોને લેસર તકનીકી વડે માપવામાં આવે છે.
બેરિશને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે, જેવા કે એન્રિકો ફર્મી ઇનામ, હેન્રી ડ્રેપર ચંદ્રક તથા પ્રિન્સેસ ઑવ્ ઍસ્ટુરિયાસ પારિતોષિક. 2017માં યુરોપિયન ફિઝિકલ સોસાયટી દ્વારા લિગો સંસૂચક વિકસાવવા માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે તેઓ સન્માનિત થયા.
પૂરવી ઝવેરી