ફળમાખી (fruit fly)

February, 1999

ફળમાખી (fruit fly) : ભારત અને બીજા દેશોમાં થતાં વેલાવાળાં શાકભાજી અને ફળોને ખૂબ જ નુકસાન કરતાં બહુભોજી નાનાં કીટકો. સફરજન અને તેને મળતાં આવતાં ફળોને લાગુ પડતી ફળમાખીઓને ડ્રોસોફિલીડી કુળમાં મૂકવામાં આવે છે. તે કોહવાટ પામતાં ફળો પર થતી ફૂગ(યીસ્ટ)માંથી પોષણ મેળવે છે. બાકીની ફળમાખીઓનો સમાવેશ ટેફ્રિટીડી કુળમાં કરવામાં આવે છે. તે ફળમાંથી સીધે સીધું પોષણ પ્રાપ્ત કરે છે. સફરજનનો કીડો (Rhogoletis pomonella), ચેહીની ફળમાખી (R. Congulata અને R. fausta) અને ભૂમધ્યસમુદ્રીય ફળમાખી (Ceratitus capitata) લીંબુ, મોસંબી, નારંગી વગેરેને નુકસાન કરતી જાતિ) ખૂબ જ વિનાશક અને ગંભીર કૃષિવિદ્યાકીય જીવાત ગણાય છે. વિનેગાર ફળમાખીની Drosophila melanogaster નામની જાતિનો આનુવંશિકતાના સિદ્ધાંતોના વિકાસમાં મહત્વનો ફાળો છે અને તેનો આધુનિક જનીનવિદ્યાકીય સંશોધનોમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.

ડ્રોસોફિલા ફેલ્ક્રાટા (Drosophila phalcrata) નામની ફળમાખીનું જીવનચક્ર : (અ) ઝાડ ઉપર જ વધુ પાકેલા ફળની છાલમાં પુખ્ત માદા ઈંડાં મૂકે છે; (આ) ઇયળ (Larvae) ઈંડામાંથી નીકળે છે અને ફળનું ભક્ષણ કરે છે. ફળ નીચે પડી જતાં ઈયળ સડતા ફળને છોડી દઈ જમીનમાં દાખલ થાય છે; (ઇ) ત્યાં તે કોશિતકરણ (pupation) બાદ પુખ્ત માખી તરીકે બહાર આવે છે.

માદા ફળમાખી બદામી રંગની પારદર્શક પાંખોવાળી હોય છે, જે ઘીલોડાં, કારેલાં, દૂધી, કેરી, ચીકુ, બોર તેમજ અન્ય શાકભાજી અને ફળોનાં કુમળાં ફળોમાં 2થી 15ના જથ્થામાં લગભગ 50 જેટલાં ઈંડાંઓનું પ્રક્ષેપણ કરે છે. પરિણામે ઈંડાં મુકાયેલી જગ્યાએથી ફળનો રસ ઝરે છે અને તેનો વિકાસ અટકી જાય છે. ઉનાળામાં અંડ-અવસ્થા 2થી 3 દિવસની અને શિયાળામાં લગભગ 10 દિવસની હોય છે. ઈંડાનું સેવન થતાં નીકળેલ ઇયળ નાની, ઝાંખા સફેદ રંગની, પગ વગરની અને આગળની બાજુએથી પાતળી હોય છે. તે ફળની અંદરનો ગર્ભ ખાય છે. ઇયળ-અવસ્થા 6થી 29 દિવસમાં પસાર કરી તે ફળમાંથી બહાર નીકળી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે સામૂહિક ધોરણે પગલાં લેવાય તે ખાસ જરૂરી હોય છે. વાડીની સ્વચ્છતા જાળવવી, કોહવાઈ ગયેલાં અને ખરી પડેલાં શાકભાજી કે ફળો દરરોજ ભેગાં કરી જમીનમાં દાટી દેવાં, ફળઝાડની ફરતે અવારનવાર ઊંડી ખેડ કરવી, શાકભાજી કે ફળ બેસવાનાં પાંચેક અઠવાડિયાં અગાઉ ફેન્થિઑન 1000 ઈસી. 5 મિલી. અથવા ડીડીવીપી 100 ઈસી. 5 મિલી., 450 ગ્રામ ગોળ ઓગાળેલ 10 લીટર પાણીમાં મિશ્ર કરી સાવરણીની મદદથી મોટા ફોરે વેલા પર અને ઝાડ તેમજ વાડમાં દર અઠવાડિયે છાંટવું પડે છે. એક લીટર પાણીમાં ડીડીવીપી 100 ઈસી. 2 મિલી. અને મિથાઇલ યુજિનોલ 20 મિલી. મેળવેલ પ્રવાહી મિશ્રણમાં વાદળીના ટુકડા બોળી બંને બાજુ કાણાંવાળા પ્લાસ્ટિકના ડબ્બામાં તે ટુકડા મૂકી આ ડબ્બા વેલાવાળાં શાકભાજીની વાડી કે ફળઝાડના બગીચામાં 125 સેમી. ઊંચાઈએ રહે તે રીતે હેક્ટરદીઠ 12ની સંખ્યામાં લટકાવવાથી નર ફળમાખી તેનાથી આકર્ષિત થઈને આ ઝેરી પ્રલોભિકાને ચૂસે છે અને નાશ પામે છે. આમ ફળમાખીના ઉપદ્રવને અટકાવી શકાય છે. ખેતરને ફરતે તુલસીનું વાવેતર કરી ફેન્થિઑન 1000 ઈસી. 0.05% પ્રવાહી મિશ્રણ છાંટવાથી, તુલસી તરફ આકર્ષાયેલ નર ફળમાખી નાશ પામતાં ફળમાખીનો ઉપદ્રવ ઘટે છે. 1981માં મેલાથિઓન(melathion)ના હવાઈ (aerial) છંટકાવ દ્વારા યુ.એસ.માં મિડ-ફળમાખી(medi-terranean fruit fly)ના ઉપદ્રવ પર નિયંત્રણ મેળવી શકાયું હતું.

પરબતભાઈ ખી. બોરડ