ફરીદાબાદ

February, 2024

ફરીદાબાદ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો : ભૌ. સ્થાન : આ જિલ્લો 27° 51´ 15´´થી 28° 30´ 52´´ ઉ. અ. અને 77° 04´ 30´´થી 77° 32´ 50´´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 2,760 ચોકિમી. જેટલું છે. આ જિલ્લાની ઉત્તરે દિલ્હીનો કેન્દ્રશાસિત પ્રદેશ; ઈશાન, પૂર્વ, અગ્નિ અને દક્ષિણે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા; તથા નૈર્ઋત્ય અને પશ્ચિમે રાજ્યનો ગુરુગાંવ જિલ્લો આવેલા છે.

ભારતના હરિયાણા રાજ્યમાં ફરીદાબાદ જિલ્લા અને નગરનું ભૌગોલિક સ્થાન

પ્રાકૃતિક રચના–જળપરિવાહ-આબોહવા : આ જિલ્લો હરિયાણાનાં મેદાનોનો ભાગ આવરી લેતો હોવાથી તેનું લગભગ બધું જ ભૂપૃષ્ઠ સમતળ મેદાની પ્રકારનું બની રહેલું છે. યમુના નદી જિલ્લાની પૂર્વ સરહદ બનાવતી હોવાથી તે ઉત્તરપ્રદેશ રાજ્યથી જિલ્લાને અલગ પાડે છે. અહીંની આબોહવા ઉપઅયનવૃત્તીય, ખંડીય તથા મોસમી પ્રકારની છે. તાપમાન દિલ્હી, આગ્રા, મથુરાની સમકક્ષ રહે છે. વરસાદ માત્ર વર્ષાઋતુ દરમિયાન સંતોષકારક રીતે પડે છે, પરંતુ જિલ્લાની ભૂગર્ભીય જળસપાટી નીચી રહે છે. નહેરોની ગૂંથણી અહીં સારા પ્રમાણમાં જોવા મળે છે, જે જિલ્લાની સમૃદ્ધિ માટે આશીર્વાદરૂપ છે. આ ઉપરાંત સિંચાઈ માટે અહીં કૂવા-પાતાળકૂવાઓનો પણ ઉપયોગ થાય છે.

ખેતી : જમીન કાંપ-પંકનિર્મિત ગોરાડુ પ્રકારની છે. ઘઉં અને બાજરો મુખ્ય કૃષિપાકો છે. નહેરો અને પાતાળકૂવાઓ દ્વારા અનુક્રમે 38 હજાર અને 50 હજાર હેક્ટર જમીન સિંચાઈ મેળવે છે. ખેતીની સાથે ગાયો, ભેંસો અને બકરાંનું પશુપાલન થાય છે.

ઉદ્યોગો : આ જિલ્લાનું અર્થતંત્ર ખેતી તથા ઉદ્યોગો પર નભતું મિશ્ર પ્રકારનું છે. જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું ફરીદાબાદ ઔદ્યોગિક સંકુલ (Faridabad Industrial Complex) ભારતમાં દસમા ક્રમે આવે છે. 1947 સુધી આ જિલ્લામાં ઉદ્યોગોનું અસ્તિત્વ જ ન હતું. 1947–48માં હિન્દુસ્તાનના ભાગલા થયા બાદ પશ્ચિમ પંજાબ (પાકિસ્તાન) અને વાયવ્ય સરહદી પ્રાંતમાંથી લગભગ 4,000 નિરાશ્રિતો અહીં આવ્યા. ઉત્તર ભારતમાં ફરીદાબાદ મોકાના સ્થાને આવેલું હોવાથી અહીં ઉદ્યોગનાં પગરણ મંડાયાં. આ સ્થળ મુંબઈ, દિલ્હી, હાવડા અને ચેન્નાઈ સાથે રેલ અને સડકમાર્ગે તથા ટેલિફોન-ટેલેક્સથી સંકળાયેલું હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતું ગયું. અહીં કુલ 834 કાર્યરત કારખાનાં આવેલાં છે, આ બાબતમાં હરિયાણા રાજ્યમાં તે પ્રથમ ક્રમે આવે છે. આ પૈકીનાં 143 કારખાનાં યંત્રસામગ્રી અને યાંત્રિક ઓજારો બનાવે છે, જ્યારે સુતરાઉ કાપડનાં 116 કારખાનાં છે. અહીં મોટર-સાઇકલો, સ્કૂટરો, વાહનોનાં પૈડાંની રિંગો, ચુંબકો, પિસ્ટનો, એંજિનો, બ્રેકનાં ઉપકરણો, ઊંટડા, રોજબરોજનાં જરૂરી હાથવગાં નાનાં ઓજારો, ટાયરો અને ટ્યૂબો, વીજળીની મોટરો, પંખા, ટ્રૅક્ટર માટેનાં ઉપકરણો અને સાધનો, એરકૉમ્પ્રેસરો, ડીઝલ-એંજિનો, છાપેલું કાપડ, રબરનાં પગરખાં વગેરે બનાવવાના નાના અને મધ્યમ કદનાં અનેક ઉત્પાદકીય એકમો વિકસ્યા છે. સ્થપાયેલાં ઔદ્યોગિક એકમોમાં એસ્કૉટ્ર્સ લિમિટેડ, ગેડૉર ટૂલ્સ ઇન્ડિયા લિમિટેડ, ગુડ ઇયર ઇન્ડિયા લિમિટેડ, ડીએલએફ (DLF) યુનિવર્સલ ઇલેક્ટ્રૉનિક પ્રા. લિમિટેડ, ઈસ્ટ ઇન્ડિયા કૉટન મૅન્યુફૅક્ચરિંગ કં. લિમિટેડ, હૈદરાબાદ ઍસ્બેસ્ટૉસ સિમેન્ટ પ્રા. લિમિટેડ, કેલ્વિનેટર ઑવ્ ઇન્ડિયા લિમિટેડ, કે. જી. ખોસલા ઍન્ડ કં. લિમિટેડ, બાટા ઇન્ડિયા, લક્ષ્મીરતન એંજિનિયરિંગ વર્ક્સ ઍન્ડ ઉષા સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલ્સ પ્રા. લિમિટેડ જેવા મોટા ઔદ્યોગિક એકમો પણ અહીં જ આવેલા છે. આ બધા ઉદ્યોગોને સહાયકારી એકમો પણ વિકસ્યા છે. વળી રસાયણો અને રાસાયણિક પેદાશો, કોલસા અને ખનિજતેલની પેદાશો, પ્લાસ્ટિક, રબર, લાકડાં, ખોરાકી ચીજો વગેરે ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ થાય છે. આ બધા જ નાના, મોટા કે મધ્યમ કદના ઉદ્યોગો કે એકમો રાજ્યને સારા પ્રમાણમાં ઊપજ કરાવી આપે છે.

વેપાર : આ જિલ્લામાં આ ઔદ્યોગિક પેદાશોનો તથા છિદ્રોવાળાં પતરાં, ટોપલા-ટોપલીઓ વગેરેનો વેપાર ચાલે છે. આ જિલ્લામાંથી પગરખાં, ગોળ, લાકડાં, છિદ્રોવાળાં પતરાં અને કઠોળની નિકાસ થાય છે તથા પગરખાં માટેનાં ચામડાં, ખાંડ, શાકભાજી, અનાજ અને લાકડાંની આયાત થાય છે.

પરિવહન : ફરીદાબાદમાં થઈને ઉત્તર-દક્ષિણ પસાર થતો દિલ્હી-આગ્રા ધોરીમાર્ગ જિલ્લાના પૂર્વ-પશ્ચિમ બે સરખા ભાગ પાડે છે. ફરીદાબાદ જિલ્લામથક હોવાથી જિલ્લાનાં લગભગ બધાં જ મુખ્ય નગરો તેમજ દિલ્હી અને આગ્રા જેવાં શહેરો સાથે સડકમાર્ગોથી તે સંકળાયેલું છે. ફરીદાબાદ, પાલવાલ, બલ્લબગઢ અહીંનાં મુખ્ય રેલમથકો છે.

પ્રવાસન : જિલ્લામાં આવેલાં હોડલ, પાલીવાલ અને હાથીન પ્રવાસીઓ માટે મુલાકાતનાં કેન્દ્રો બની રહેલાં છે. હોડલ નજીકની જૂની ઐતિહાસિક ઇમારતો, ધર્મશાળાઓનાં ખંડિયેરો, રાધાકૃષ્ણનું મંદિર, પાંડુવન અને તળાવ હિન્દુઓનાં જાણીતાં સ્થળો છે. પાલીવાલ મહાભારતકાળના ઇન્દ્રપ્રસ્થની યાદ અપાવે છે. લાંબા કાળ સુધી ઉજ્જડ બની રહેલા આ સ્થળનો વિક્રમાદિત્યે પુનરુદ્ધાર કરાવેલો. અહીં આવેલો ટેકરો ત્યાંનો જૂનામાં જૂનો ભાગ ગણાય છે. લોકવાયકા મુજબ પાંડવો સાથે સંકળાયેલું પંચાયતી મંદિર, ખંડિયેર હાલતમાં મળતો મુઘલ સમયનો કિલ્લો, 1210ની જામા મસ્જિદ, 1211ની ખંડિયેર સ્થિતિમાં મળતી શિહાબ-ઉદ્-દ્દીનની દરગાહ, 1661ની રોશન ચિરાગની કબર પાલીવાલનાં જોવાલાયક સ્થળો ગણાય છે. ‘હાથીન’ એ ‘હસ્તિન્’નું અપભ્રંશ રૂપ છે. જૂના વખતમાં જ્યાં હાથીઓ વસતા હતા એવાં જંગલમાં ત્યાનાં રાજાએ જે નગર વસાવેલું તે આજનું હાથીન છે. અહીંથી 15 કિમી. દૂર અગ્નિ દિશામાં ઔથામાંથી ઉત્ખનન કરતાં હાથીનું હાડપિંજર તથા નજીકના સ્થળેથી વિકૃત બની ગયેલી ઘણી કલાત્મક ચીજવસ્તુઓ મળી આવેલી છે. ખેરા દેવતા તરીકે જેની આજે પૂજા થાય છે, તે શુંગ વંશનો એક સ્તંભ ત્યાંના તળાવની કોરે એક દીવાલમાં જડેલો મળી આવેલો. આ જ સ્થળેથી ઘણાં રાખોડી રંગથી રંગેલાં માટીનાં પાત્રો પણ મળેલાં છે. આ ઉપરાંત આ જિલ્લામાંથી કેટલાંક પુરાતત્ત્વીય સ્થળો મળ્યાં છે, જે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી), મથુરાની નજીક હોવાનો નિર્દેશ કરી જાય છે; કુરુક્ષેત્ર યુનિવર્સિટીના સંશોધકો અને નિષ્ણાતો તેને અંતિમ હરપ્પન(પ્રાગ્-ઐતિહાસિક કાળથી અંતિમ મધ્યકાલીન સમય સુધી)ની તવારીખ આપે છે; તેમાં અહરવન, સોંઘડ, છાઇન્સા, તિલપત અને સિહિ ગામડાંઓનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં આવનાર પ્રવાસીઓ માટે યોગ્ય સ્થાનો પર વિહારધામોની તથા ફરીદાબાદ ખાતે ત્રિતારક હોટલોની સુવિધા રાખવામાં આવેલી છે.

તહેવારો-મેળાઓ : જિલ્લામાં વસંત-પંચમી, હોળી, રામનવમી, ગોવર્ધન-પૂજા, ગંગા-દશેરા, જેઠ-દશેરા, દશેરા, જન્માષ્ટમી, રક્ષાબંધન, કડવા-ચોથ, બરસતી અમાસ, મોહરમ તેમજ અન્ય ઘણા તહેવારો તથા સૂરજકુંડ, બલદેવ છટ, રાખી, દશેરા, આહોઈ, ગોદડી, કોઠીવાળા, બાવા નારાયણનાથ અને હરિયાળી ત્રીજના મેળાઓ તેમજ ઉજવણી થતાં રહે છે.

વસ્તી-વસાહતો-લોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી 17,98,954 જેટલી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 51% અને 49% જેટલું છે તથા સ્ત્રીઓ કરતાં પુરુષોનું પ્રમાણ વધુ છે. લોકોની મુખ્ય ભાષા હિન્દી છે.

શિક્ષણ-સ્વાસ્થ્ય : જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ આશરે 50% જેટલું છે. મુખ્ય નગરો-શહેરો તેમજ અન્યત્ર પ્રાથમિક-માધ્યમિક શાળાઓની વ્યવસ્થા છે. ફરીદાબાદમાં કૉલેજો અને કેટલીક અન્ય ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ આવેલી છે. મુખ્ય શહેરો-નગરોમાં તેમજ 146 જેટલાં ગામડાંઓમાં સ્વાસ્થ્ય માટે દવાખાનાંની સગવડો છે.

વહીવટી વ્યવસ્થા : જિલ્લો ચાર તાલુકાઓ(ફરીદાબાદ, બલ્લબગઢ, પાલીવાલ, હાથીન)માં તથા પાંચ સમાજ-વિકાસઘટકો(ઉપર્યુક્ત ચાર અને હોડલ)માં વહેંચાયેલો છે. ફરીદાબાદ (વસ્તી 6,13,828) અહીંનું સૌથી મોટું શહેર છે, જ્યારે પાલીવાલ, હાથીન, હોડલ અને હસનપુર એક લાખથી ઓછી વસ્તીવાળાં છે; જિલ્લામાં 439 (જેમાં 25 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ફરીદાબાદ (શહેર) : ભૌ. સ્થાન : 28° 26´ ઉ. અ. અને 77° 19´ પૂ. રે. તે દિલ્હીથી દક્ષિણે 26 કિમી. અંતરે આવેલું છે. અહીંનો વિસ્તાર 741 ચોકિમી. જ્યારે વસ્તી 2022 મુજબ 18,09,733 જેટલી છે. આ શહેર ઉત્તરમાં દિલ્હી અને અગ્નિકોણ તરફ મથુરા સાથે સડકમાર્ગે જોડાયેલું છે. મુઘલ શહેનશાહ જહાંગીરના ખજાનચી શેખ ફરીદે 1607માં દિલ્હીઆગ્રા ધોરીમાર્ગના રક્ષણ માટે આ શહેર વસાવેલું. શહેર તરીકે તેનો વિકાસ થતાં 1867માં તેને મ્યુનિસિપાલિટીનો દરજ્જો મળ્યો. ભાગલા પડતાં પાકિસ્તાનમાંથી આવેલા 4,000 નિર્વાસિતોના પુનર્વસવાટ માટે તેમજ શહેરના ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી આયોજન કરવામાં આવેલું. અહીં એક વિશાળ ઔદ્યોગિક વસાહત ઊભી થયેલી છે. જુદી જુદી રાજ્ય-સરહદો નજીક આવેલી હોવાથી ત્યાંથી આવતા ઘઉં, શેરડી અને કપાસ તથા ઔદ્યોગિક સંકુલમાં ઉત્પન્ન થતી પેદાશોનું સ્થાનિક બજાર અહીં મોટા પાયા પર વિકસ્યું છે. આ શહેર શિક્ષણ તથા દવાખાનાંની સુવિધાઓ પણ ધરાવે છે.

ઇતિહાસ : જિલ્લાનું નામ ફરીદાબાદ શહેરના નામ પરથી પડેલું છે. જહાંગીરના ખજાનચી શેખ ફરીદે આ સ્થળ, તેની ફરતે કિલ્લો, તળાવ તથા મસ્જિદ બંધાવેલાં, પછીથી અહીંના પરગણાનું તે કેન્દ્ર બની રહેલું, જેનો જાગીર તરીકે બલ્લબગઢના શાસકે ભોગવટો કરેલો. ફરીદાબાદ નજીક આવેલું બલ્લબગઢ રાજા બનેલા ગરીબ ખેડૂતના દીકરા બલરામે (બલ્લબે) વસાવેલું. તેની માતા તેના ખેડૂત પિતા માટે રોજ બપોરે સૂકો રોટલો અને ડુંગળીનું ભાતું લઈને જતી ત્યારે તેના આ દીકરાને ઝાડના છાંયામાં રાખતી. એક દિવસે એક કાળા નાગને ફેણ ચઢાવીને આ બાળકની નજીક બેઠેલો જોતાં તેનો પિતા નાગને મારી નાખવા જતો હતો ત્યારે ત્યાંથી પસાર થતા એક સાધુએ તેને અટકાવીને કહ્યું કે આ બાળક એક દિવસ રાજા થશે. આ બાળક મોટો થયો ત્યારે પીઠ પર સોનામહોરો ભરેલા થેલાઓથી લદાયેલાં બે ખચ્ચરો આ ખેતરોમાં આવી ચઢેલાં અને તે ખેતરમાં થેલાઓ નાખીને જતાં રહેલાં. ધીમે ધીમે આ કુટુંબની ચડતી થતાં મોટી ઉંમરે તે રાજા બન્યો અને ભવિષ્યવાણી સાચી ઠરી. તેણે અને તેના અનુગામીઓએ અહીંનાં 200 જેટલાં ગામડાં પર સાત પેઢી સુધી મુઘલ સામ્રાજ્ય હેઠળ શાસન કરેલું. અહીં જે કિલ્લો છે તે આ બલરામે બાંધેલો હોવાનું કહેવાય છે. આજનું બલ્લબગઢ બલરામગઢનું અપભ્રંશ પણ હોય. કિલ્લાની બહારની નગરરચના અહીંના એક રાજા બહાદુરસિંહે તૈયાર કરાવેલી, તે બાબત અહીંના બજારનો ચતુષ્કોણીય ચોક, માર્ગજોડાણો નજીકના કૂવા તથા દિલખુશ બાગ જેવાં સ્થાનોનું નિરીક્ષણ કરવાથી જાણવા મળે છે. 1818 સુધી અહીં શાસન કરેલું તે અનિરુદ્ધ સિંહની છત્રી અને પાકું તળાવ તેના મૃત્યુ બાદ તેની વિધવાએ પતિની સ્મૃતિમાં બંધાવેલાં છે. કિલ્લો, છત્રી અને તળાવ હજી આજે પણ જોવા મળે છે. આજે આ કિલ્લાની અંદર તરફ તાલુકા-કચેરીઓ અને પોલીસમથક આવેલાં છે. આ વંશનો છેલ્લો રાજા નહારસિંહ હતો, જે 1857ના બળવા વખતે શહીદ થયેલો. તેની એકસોમી જયંતી વખતે અહીંની મ્યુનિસિપાલિટી તરફથી તેનું સ્મારક તથા નહારસિંહ મેમૉરિયલ પાર્ક નગર બહાર તૈયાર કરવામાં આવેલાં છે.

1971ની વસ્તીગણતરી થઈ ત્યારથી બલ્લબગઢ અને પાલીવાલના બંને તાલુકા, જે ગુરગાંવ જિલ્લામાં હતા તે ફરીદાબાદ જિલ્લામાં મૂક્યા. ફરીદાબાદ જિલ્લાની રચના કરતી વખતે ગુરગાંવ જિલ્લાના નૂહ તાલુકાનાં 98 ગામો પાલીવાલ તાલુકામાં મૂકવામાં આવ્યાં છે. બલ્લબગઢ તાલુકામાં 210 ગામો છે, તે પૈકીનાં 4 ગામો ઉત્તરપ્રદેશમાંથી ઉમેરાયેલાં છે. 1972ના જાન્યુઆરીમાં બલ્લબગઢનું નગર, જૂનું અને નવું ફરીદાબાદ બધાંનો ફરીદાબાદ વહીવટી સંકુલમાં સમાવેશ કરવામાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા