ફરજિયાત ભરતી (Conscription)

February, 1999

ફરજિયાત ભરતી (Conscription) : દેશના દરેક પુખ્ત ઉંમરના તથા શારીરિક તંદુરસ્તી ધરાવતા નાગરિકને ફરજિયાત લશ્કરી તાલીમ આપવા અંગેની ધારાકીય જોગવાઈ. અપવાદજનક કિસ્સાઓ બાદ કરતાં માત્ર પુરુષ નાગરિકોને જ ફરજિયાત લશ્કરી તાલીમ હેઠળ આવરી લેવામાં આવે છે. સામાન્ય રીતે તે યુદ્ધના સમયમાં દાખલ કરવામાં આવે છે, જોકે શાંતિના સમયમાં તે અમલમાં મુકાયાના કિસ્સાઓ પણ બન્યા છે. એક યા બીજા સમયે વિશ્વના લગભગ દરેક દેશે તે દાખલ કરેલ છે. આ પ્રકારની ભરતી આર્થિક ર્દષ્ટિએ દેશ માટે વધુ લાભકારક હોય છે, કારણ કે સ્વેચ્છાથી લશ્કરમાં જોડાનાર કાયમી સૈનિકોની તાલીમ પર તથા તેમનાં પગાર, ભથ્થાં અને અન્ય સગવડો પર સરકારને સતત જે ખર્ચ કરવો પડે છે તેની સરખામણીમાં ફરજિયાત ભરતી અંગેના કાયદા હેઠળ સૈનિકોને અપાતી તાલીમ પર ઓછો ખર્ચ કરવો પડે છે. આવા સૈનિકોને તાલીમના 1થી 2 વર્ષના સમય દરમિયાન માત્ર તાલીમાર્થીનું વેતન (stipend) ચૂકવવામાં આવે છે. તેનો અન્ય લાભ એ છે કે યુદ્ધના સમયમાં સૈનિકોની માગ એકાએક વધે છે ત્યારે ઓછામાં ઓછા સમયમાં આવા, અગાઉથી તાલીમ પામેલા સૈનિકોને હાજર થવાના આદેશ દ્વારા તે માંગ પૂરી કરી શકાય છે. આવા સૈનિકોના સંદર્ભમાં ‘અનામત લશ્કર’ (reserve army) – એવો શબ્દપ્રયોગ પણ થાય છે. દેશની યુવાપેઢીને લશ્કરી તાલીમ આપવાથી દેશના માનવ-સંસાધનની ગુણવત્તા તથા ઉત્પાદકતા વધે છે, જે લાંબે ગાળે દેશ માટે ખૂબ લાભદાયી નીવડે છે.

સામાન્ય રીતે આવી લશ્કરી તાલીમ શાળાનું શિક્ષણ પૂરું થયા પછીનાં 1થી 2 વર્ષ દરમિયાન આપવામાં આવે છે અને ત્યારબાદ આવા તાલીમાર્થીઓને પોતાની પસંદગીના વ્યવસાયમાં દાખલ થવાની છૂટ હોય છે. શરત માત્ર આટલી જ કે દેશને જ્યારે પણ તેમની જરૂર પડે ત્યારે લશ્કરની સેવા માટે તેમને ફરજિયાત હાજર થવાનું રહે છે. લશ્કરમાં જ્યારે નિયમિત સૈનિકોની સ્વૈચ્છિક ભરતી કરવામાં આવે છે ત્યારે આવી રીતે તાલીમ પામેલા ઉમેદવારોને, અન્યથા તે પાત્ર હોય તો પ્રથમ પસંદગી આપવામાં આવે છે.

લગભગ બે હજાર વર્ષ પૂર્વે યુરોપના કેટલાક દેશોમાં સૈનિકોની ભરતી ફરજિયાત ધોરણે કરવામાં આવતી એવા દાખલાઓ ટાંકવામાં આવ્યા છે. ગ્રીસ અને રોમનાં સામ્રાજ્યો વચ્ચે અવારનવાર ફાટી નીકળતાં યુદ્ધોને પહોંચી વળવા પોતપોતાની સેનામાં ફરજિયાત ધોરણે સૈનિકોની ભરતી કરવામાં આવતી હતી. મધ્યકાલીન યુગમાં ઇંગ્લૅન્ડ અને ફ્રાંસમાં કેટલાંક શહેરો પોતાના જાનમાલની રક્ષા કરવા માટે ફરજિયાત ભરતી દ્વારા રક્ષક સૈનિકોની ટુકડીઓ ઊભી કરતા હતા. સ્વિટ્ઝર્લૅન્ડમાં સોળમી સદીમાં, સ્વિડનમાં સત્તરમી સદીમાં તથા ફ્રાંસમાં અઢારમી સદીમાં મોટા પાયા પર ફરજિયાત ભરતીના ધોરણે સૈનિકો ઊભા કરવામાં આવતા હતા. ફ્રેન્ચ રાજ્યક્રાંતિ (1789 –99) તથા નેપોલિયનના નેતૃત્વ હેઠળનાં યુદ્ધો (1789–1815) દરમિયાન પણ સૈનિકોની ભરતી ફરજિયાત ધોરણે કરવામાં આવતી હતી. 1901–30ના ગાળા દરમ્યાન ન્યૂઝીલૅન્ડે સેનામાં થતી ભરતી માટે આ પ્રથા દાખલ કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)ના ગાળામાં જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રો-હંગેરી તથા બ્રિટને લશ્કરની ભરતી માટે આ પ્રથાનો અમલ કર્યો હતો. માર્ચ 1916માં બ્રિટને 18થી 47 વયજૂથના અપરિણીત નાગરિકો માટે લશ્કરી તાલીમ ફરજિયાત કરી હતી અને બે માસ પછી પરિણીત નાગરિકોને પણ તેમાં આવરી લેવાયા હતા. યુદ્ધની સમાપ્તિ (1918) પછી તેને લગતો કાયદો રદ કરવામાં આવ્યો હતો. બીજું વિશ્વયુદ્ધ (1939–45) ફાટી નીકળ્યું તે પૂર્વે જ એપ્રિલ 1939માં 20 વર્ષ કે તેનાથી મોટી ઉંમર ધરાવતા પુરુષ-નાગરિકો માટે છ માસની લશ્કરી તાલીમ ફરજિયાત બનાવાઈ હતી અને સપ્ટેમ્બર 1939માં 18થી 41 વયજૂથના પુરુષ-નાગરિકોને તે દ્વારા આવરી લેવા માટે નૅશનલ સર્વિસ ઍક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ 1941માં સ્ત્રી-નાગરિકો માટે પણ આવી તાલીમ ફરજિયાત બનાવવામાં આવી હતી. યુદ્ધ પૂરું થયા પછી (1945) છેક 1960 સુધી પુરુષ-નાગરિકો માટે આ જોગવાઈ ચાલુ રાખવામાં આવી હતી. યુદ્ધમાં સંડોવાયેલા અન્ય દેશોએ પણ તે માટેના જરૂરી કાયદાઓ પસાર કર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ 1957માં, ઇંગ્લૅન્ડે 1960માં તથા ન્યૂઝીલૅન્ડે 1973માં આ કાયદાઓ નિલંબિત કર્યા હતા.

અમેરિકામાં અમેરિકન ક્રાંતિ(1775–83)ના ગાળામાં, આંતરવિગ્રહ(1861–65)ના ગાળામાં તથા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના લશ્કરમાં ફરજિયાત લશ્કરી તાલીમના ધોરણે ભરતી કરવામાં આવી હતી. 1917માં ‘સિલેક્ટિવ સર્વિસ ઍક્ટ’ દ્વારા તેને ધારાકીય સ્વરૂપ આપ્યું હતું. 1918–39ના ગાળા દરમિયાન આ કાયદો સુપ્ત રહ્યો હતો, પરંતુ 1940માં તેને ફરી સક્રિય બનાવવામાં આવ્યો; એટલું જ નહિ, પરંતુ તેની કેટલીક જોગવાઈઓ વધુ સંગીન બનાવવામાં આવી હતી. વિશ્વશાંતિના પુરસ્કર્તાઓના વ્યાપક આંદોલનના દબાણ હેઠળ 1973માં અમેરિકાની સરકારે આ કાયદો રદ કર્યો હતો.

કોરિયાના યુદ્ધ (1950–53) દરમિયાન ઉત્તર અને દક્ષિણ કોરિયાએ તથા વિયેટનામના યુદ્ધ (1957–75) દરમિયાન ઉત્તર અને દક્ષિણ વિયેટનામે ફરજિયાત ભરતીના ધોરણે પોતપોતાનું સૈન્યબળ ઊભું કર્યું હતું. આફ્રિકાના કેટલાક દેશોમાં આજે પણ સૈનિકોની ભરતી ફરજિયાત ધોરણે કરવામાં આવે છે. 1949માં ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારથી તે દેશના પુખ્ત ઉંમરના દરેક સ્ત્રી-પુરુષ નાગરિક માટે લશ્કરની તાલીમ ફરજિયાત છે.

ભારતીય ઉપખંડના કોઈ પણ દેશે તેમની સ્વાધીનતા પછી અત્યાર સુધી(1999)માં ફરજિયાત ધોરણે લશ્કરમાં ભરતી કરવા માટે કાયદાઓ કરેલા નથી; પરંતુ 1962માં ભારત પર ચીને આક્રમણ કર્યું ત્યારબાદ ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અર્ધલશ્કરી દળ ગણાતા એન.સી.સી.(National Cadet Corps)ની તાલીમ ફરજિયાત કરી હતી, જે 1968માં પાછી ખેંચી લેવામાં આવી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે