પોંગલ : દક્ષિણ ભારતમાં મુખ્તત્વે તમિળનાડુમાં ફસલની મોસમમાં ઊજવવામાં આવતો ઉત્સવ. આ ઉત્સવ સૂર્ય ધનરાશિમાં હોય અને મકર રાશિમાં જાય ત્યારે એટલે માગશર-પોષ માસમાં 14મી ડિસેમ્બરથી 14મી15મી જાન્યુઆરી દરમિયાન ઊજવાય છે. ધનરાશિમાં સૂર્ય નબળો, અશુભ અને રોગકારક હોય છે તેથી તે સમયે, અર્થાત્ ધનુર્માસમાં અશુભ અને રોગમાંથી બચવા માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. તેમાં શૈવો શિવની અને વૈષ્ણવો વિષ્ણુની પૂજા આખો ધનુર્માસ અભિષેક સાથે કરે છે. વળી ઘરના આંગણામાં સ્ત્રીઓ રંગોળી પૂરે છે તથા એક ખૂણામાં ગણપતિના પ્રતીક તરીકે ગાયના છાણના ગોળા મૂકી તેની ઉપર હજારી ગોટાનાં ફૂલ ચડાવી પૂજા કરવામાં આવે છે.

આખો ધનુર્માસ આ રીતે કરી મકરસંક્રાન્તિને આગલે દિવસે એટલે 13મી જાન્યુઆરીએ સવારે સાધુઓનો સમૂહ નાદસ્વરમ્ અને તવિલ એટલે ઢોલ વગાડતો આવે છે અને આંગણામાં મૂકેલા છાણના ગોળાઓને ઉપાડી જાય છે. ફરી આંગણું સ્વચ્છ કરી ગણપતિનાં બીજાં પ્રતીકો મૂકવામાં આવે છે. સંધ્યાકાળે ઘરનાં માણસો એ પ્રતીકોને એકત્ર કરી સરઘસ કાઢી ગામની બહાર જઈને તેનું વિસર્જન કરે છે. 13મી જાન્યુઆરી એ પોંગલનો પ્રથમ દિવસ છે અને તેનું નામ ભોગી પોંગલ છે. આ દિવસે કરવામાં આવતા ઉપર કહેલા ધાર્મિક વિધિઓનો અર્થ જૂના અનાજને ઘરમાંથી દૂર કરવાનો છે કે જેથી નવા અનાજને મૂકી શકાય. ભોગી પોંગલને દિવસે ઇન્દ્રની પૂજા કરવામાં આવે છે અને સગાંઓ સાથે મિષ્ટાન્નનું ભોજન લેવામાં આવે છે.

તમિળનાડુમાં પોંગલ ઉત્સવ ઊજવતી મહિલાઓ

14મી જાન્યુઆરીએ સૂર્યની મકરસંક્રાન્તિ થાય છે. તે પોંગલનો બીજો દિવસ હોય છે. તેને સૂર્ય પોંગલ કે પેરુમ પોંગલ કહે છે. એ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે સ્નાનાદિથી પરવારી આંગણામાં નવા માટીના પાત્રમાં ખીર રાંધે છે. એ ખીરમાં દૂધ ઊકળતાં નવા ચોખા ઉપર આવવા લાગે ત્યારે ‘પોંગલ ઓ પોંગલ’ એમ મોટેથી બૂમો પાડવામાં આવે છે. નવા ચોખા પહેલી વાર રંધાય અને તે દૂધમાં ઉપર આવે તે નવા ધાન્યના સ્વાગતનું અને ઉન્નતિનું દ્યોતક છે. આથી ‘પોંગલ’ શબ્દનો એક અર્થ ‘ખીરની વાનગી’ એવો થાય છે. આ ખીર સર્વપ્રથમ ગણપતિ અને સૂર્યને અને પછી ગાયને નૈવેદ્ય તરીકે આપવામાં આવે છે. એ પછી ઘરનાં માણસો પ્રસાદી તરીકે તે લે છે.

મકરસંક્રાન્તિનો બીજો દિવસ એટલે 15મી જાન્યુઆરી તે પોંગલનો ત્રીજો દિવસ. સામાન્ય રીતે કાનુ કે ખાનુ પોંગલ તરીકે લોકો તેને ઓળખે છે; પરંતુ પશુપાલનનો વ્યવસાય કરનારા તેને માટ્ટ કે મુટ્ટુ પોંગલ કહે છે. આ દિવસે નાનીમોટી બહેનો પોતાના ભાઈની રક્ષા માટે કાગડા અને અન્ય પક્ષીઓને બલિ આપે છે. એક પતરાળા પર શેરડી, પાન, સોપારી, હળદરનો ગાંઠિયો અને ગળી વાનગી જેમ કાગડા માટે તેમ અન્ય પક્ષીઓ માટે જુદા જુદા બલિ બોલીને મૂકવામાં આવે છે. એ પછી બ્રાહ્મણ કુટુંબના પુરુષો મકરસંક્રમણનું તર્પણ કરે છે. ગામના મુખી ગ્રામદેવતાને ખીરનું નૈવેદ્ય ધરે છે. તમામ લોકો એકબીજાને ઘેર જઈ ‘પોંગલ પોંગલ’ એમ બોલે છે અને તે દ્વારા તેમને સમૃદ્ધિ અને ઉન્નતિ મળે એવી શુભેચ્છા વ્યક્ત કરે છે.

જ્યારે પશુપાલન કરતા ખેડૂતો ખેતીનું કામ બંધ રાખી ગાયની પૂજા કરે છે ત્યારે તેને માટ્ટ કે મુટ્ટુ પોંગલ એવા નામે ઓળખવામાં આવે છે. સંધ્યાકાળે કેસરના સુગંધિત પાણીથી ગાય અને બળદને નવડાવી ગળામાં હજારી ગોટાના ફૂલની માળા પહેરાવાય છે. ગાયને તથા બળદને શિંગડાં પર કીમતી માળા કે ઘરેણું પહેરાવાય છે. જે બંને શિંગડાં પકડીને તાકાતથી બળદને નિયંત્રણમાં રાખી શકે તેને તે કીમતી માળા કે ઘરેણું ઇનામમાં મળે છે. કેટલાક ગાય અને બળદને ખાદ્ય પદાર્થની માળા પણ પહેરાવે છે. કેટલાક પોતાના ઘોડાઓને નવું જીન અને નવી લગામ પહેરાવીને આખો દિવસ છૂટા મૂકે છે. એ પછી સાંજે દેવ સાથે ઘોડાઓને પણ સરઘસાકારે ગામમાં ઇષ્ટ સ્થળે લઈ જવામાં આવે છે. એ સ્થળે રાત્રીએ નૃત્ય અને ગીતનો કાર્યક્રમ થાય છે અને પોંગલના અંતિમ દિવસનો ઉત્સવ સમાપ્ત થાય છે. એ દિવસે આખા ગામને તેનો મુખી જમાડે છે. દક્ષિણ ભારતમાં શૈવો અને વૈષ્ણવો આ ઉત્સવમાં કેટલાક જુદા જુદા વિધિઓ કરે છે એટલે તેમની ઉજવણીમાં થોડોક તફાવત રહે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી