પ્લુકર, જુલિયસ (જ. 16 જૂન 1801, જર્મનીમાં રાઇન નદીના જમણા કાંઠે ડ્યુફેલડૉર્ફ જિલ્લામાં આવેલા એલ્બરફેલ્ડમાં; અ. 22 મે 1868, બૉન, જર્મની) : જર્મન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી. તેમનાં કાર્યોએ દૂરગામી પરિણામવાળા દ્વિત્વ(duality)ના સિદ્ધાંતનું સૂચન કર્યું, જે અમુક સંબંધિત પ્રકારનાં પ્રમેયો વચ્ચે સામ્ય દર્શાવે છે. તેમણે એ પણ શોધી કાઢ્યું કે કૅથોડ કિરણો(શૂન્યાવકાશમાં ઉદભવતા ઇલેક્ટ્રૉન)નું ચુંબકીય ક્ષેત્ર વડે, તેમના માર્ગમાંથી વિચલન થાય છે. આ અસર દૂરદર્શન જેવી આધુનિક ઇલેક્ટ્રૉનિક યુક્તિઓ માટે એક પરમ આવશ્યક સિદ્ધાંત છે.
પ્લુકરે બર્લિનની હાઇડલબર્ગ યુનિવર્સિટી તથા પૅરિસની યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. ચાર વર્ષ સુધી અવેતન અધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ, 1829માં બૉનની યુનિવર્સિટીમાં સન્માન્ય પ્રાધ્યાપક થયા. અહીં તેમણે આપેલાં વ્યાખ્યાનોમાંથી તેમના મહાન પ્રાથમિક કાર્યસ્વરૂપે ‘ધ ડેવલપમેન્ટ ઑવ્ ઍનાલિટિક જ્યૉમેટ્રી’ ઉપર બે ગ્રંથ પ્રકાશિત થયા (1828–31), જેમાં તેમણે વૈશ્લેષિક ભૂમિતિ(analytical geometry)માં સંક્ષિપ્ત પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. [વૈશ્લેષિક ભૂમિતિ = ભૂમિતિ અને બીજગણિતનું સાયુજ્ય (co-relation)]. આમ, ભૂમિતિમાં એક નવી શાખા પલ્લવિત થઈ, જેમાં બીજગણિતનો ભૂમિતિમાં વિનિયોગ કરવામાં આવ્યો છે.
વૈશ્લેષિક ભૂમિતિમાં, મૂળભૂત ખ્યાલ તરીકે બિંદુને બદલે સુરેખાને લઈ શકાય એવો ક્રાંતિકારી વિચાર પ્લુકરે 1929માં રજૂ કર્યો. બે રેખાના છેદનથી બિંદુ મળી શકે અને બે બિંદુને જોડતાં રેખા મળે. આમ બિંદુ અને રેખા વિશે દ્વિત્વનો ખ્યાલ વિકાસ પામ્યો. 1834માં પ્લુકર હૉલ યુનિવર્સિટીમાં અને ત્યારબાદ બે વર્ષ પછી બૉનની યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપક થયા. 1835માં, વૈશ્લેષિક ભૂમિતિમાં ‘વૈશ્લેષિક ભૂમિતિની પ્રણાલી’ (સિસ્ટમ ઑવ્ ઍનાલિટિક જ્યૉમેટ્રી) ઉપરના ગ્રંથનું પ્રકાશન કર્યું. 1839માં ‘બૈજિક વક્રોનો સિદ્ધાંત’ (થિયરી ઑવ્ ઍલ્જિબ્રેક કર્વ્ઝ) નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો, જેમાં યામબિંદુઓને બદલે સુરેખ વિધેયો(linear functions)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
1847માં બૉન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થયા બાદ, પ્લુકરે ચુંબકીય ક્ષેત્રમાં સ્ફટિકના વર્તાવ ઉપર સંશોધન શરૂ કર્યું. ત્યારબાદ ચુંબકીય પિંડોના ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને ચુંબકત્વના જ્ઞાન માટે, આ પરિણામોનું સંકલન કર્યું. તેમણે કૅથોડ કિરણોના ચુંબકીય આવર્તનની શોધ કરીને તે અંગેની તપાસ આદરી. આમ તેમણે ઇલેક્ટ્રૉનિક્સ તથા પારમાણ્વિક ભૌતિકશાસ્ત્રમાં સંશોધનને પ્રોત્સાહિત કર્યું.
સૌપ્રથમ એકલા અને પાછળથી જર્મન વિજ્ઞાની જોહાન ડબ્લ્યૂ. હિટૉર્ફની સાથે પ્લુકરે સ્પેક્ટ્રમવિજ્ઞાન(spectroscopy)માં ઘણીબધી અગત્યની શોધો કરી. (સ્પેક્ટ્રમવિજ્ઞાન = વાયુ તેમજ અન્ય પદાર્થોના લાક્ષણિક પ્રકાશની તરંગલંબાઈઓના અભ્યાસનું શાસ્ત્ર) રૉબર્ટ બનસન અને ગુસ્તાવ આર. કિરકૉફ બંને જર્મન વિજ્ઞાનીઓએ દર્શાવ્યું કે પ્રત્યેક રાસાયણિક પદાર્થ માટે લાક્ષણિક વર્ણપટ-રેખાઓ મળે છે અને રાસાયણિક વિશ્લેષણ માટે આ શોધ અગત્યની હતી. પ્લુકરે તો આવો ખ્યાલ અગાઉથી બાંધ્યો જ હતો. હિટૉર્ફના મતે પ્લુકર પ્રથમ વ્યક્તિ હતી જેણે હાઇડ્રોજનના વર્ણપટની ત્રણ રેખાઓ જોઈ હતી, જે તેમના અવસાનના થોડા મહિનાઓ બાદ સૌર વર્ણપટમાં સહેલાઈથી જણાઈ હતી. આમ આધુનિક ખગોળશાસ્ત્રના એક રહસ્યનો ઉકેલ પણ ઉપલબ્ધ થયો. 1862માં તેમણે દર્શાવ્યું કે એક જ તત્વ જુદા જુદા તાપમાને જુદા જુદા વર્ણપટ પ્રદર્શિત કરે છે.
1865માં તેઓ ગણિતના અભ્યાસ તરફ પાછા વળ્યા અને પાછળથી અવકાશીય આધુનિક શુદ્ધ ભૂમિતિ ઉપરનું તેમનું કાર્ય ‘ધ ન્યૂ જ્યૉમેટ્રી ઑવ્ સ્પેસ ફાઉન્ડેડ ઇન ધી ઍક્સેપ્ટન્સ ઑવ્ સ્ટ્રેટ લાઇન્સ ઍઝ ધી એલિમેન્ટ્સ ઑવ્ સ્પેસ’ રૂપે 1868–69માં પ્રકાશિત થયું.
એરચ મા. બલસારા