ગૂગલી : ક્રિકેટની રમતમાં થતી સ્પિન ગોલંદાજીનો એક વિલક્ષણ પ્રકાર. તે બહુ જ ઓછા સ્પિન ગોલંદાજોને ફાવ્યો છે.
કોઈ સ્પિન ગોલંદાજ ‘લેગ-બ્રેક’ ઍક્શન સાથે ગોલંદાજી કરે અને દડો આગળ વધતાં બૅટ્સમૅન પાસે પહોંચી ‘ઑફ-બ્રેક’ થઈ જાય તેવા દડાને ગૂગલી અને તેવા ગોલંદાજને ગૂગલી ગોલંદાજ કહેવામાં આવે છે.
1900માં ગૂગલી ગોલંદાજીની શોધ ઑક્સફર્ડ યુનિવર્સિટી, મિડલ- સેક્સ અને ઇંગ્લૅન્ડના સ્પિન ગોલંદાજ બી. જે. ટી. બોઝંકેટે કરી હતી. લૉર્ડ્ઝના મેદાન પર લિસ્ટર સામેની મૅચમાં બોઝંકેટે સૌપ્રથમ વાર ગૂગલી ગોલંદાજીનો પ્રયોગ કરીને લિસ્ટરશાયરના એસ. કોનીની વિકેટ ઝડપી હતી.
ભારતના ભૂતપૂર્વ સ્પિનરો સુભાષ ગુપ્તે તથા ભગવત ચંદ્રશેખર ગૂગલી ગોલંદાજ તરીકે ખ્યાતિ પામ્યા હતા.
પરંતુ 1903–04ના ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં બી. જે. ટી. બોઝંકેટે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટશ્રેણીમાં સાચા અર્થમાં ગૂગલી ગોલંદાજીનો ઉપયોગ કરીને 25.18ની સરેરાશથી 16 વિકેટો ઝડપી હતી. ચોથી ટેસ્ટમાં તેમણે ઑસ્ટ્રેલિયાના બીજા દાવમાં 51 રનમાં 6 વિકેટો ઝડપી હતી.
જગદીશ બિનીવાલે