પ્લીમથ (કૉલોની) : યુ.એસ.ના ઈશાન છેડે આવેલા મેસેચ્યુસેટ્સ રાજ્યમાં બોસ્ટનથી આશરે 60 કિમી.ને અંતરે અગ્નિદિશામાં આવેલા કોડની ભૂશિરના ઉપસાગર પરનું નગર. તેનું ભૌ. સ્થાન : 41° 57´ ઉ. અ. અને 70° 40´ પ. રે. છે. આ પ્લીમથને સંભવત: પ્રથમ યુરોપીય વસાહતનું સ્થળ માનવામાં આવે છે. પોતાની ધાર્મિક વિચારસરણી અને સ્વતંત્રતા જાળવી રાખવાના હેતુથી ઇંગ્લૅન્ડના ચર્ચમાંથી અલગ પડેલા યાત્રિક ધર્માચાર્યો(Pilgrim Fathers)એ અહીં આવીને પોતાની અલગ વસાહત સ્થાપેલી. શરૂઆતમાં તેઓ નેધરલૅન્ડ ગયેલા, પરંતુ પછીથી ઇંગ્લૅન્ડના પ્લીમથ બંદરેથી મે ફ્લાવર (I) વહાણમાં 65 દિવસની સફર ખેડીને, 1620ના નવેમ્બરની 20મી તારીખે કોડની ભૂશિર પર ઊતરેલા. અનુકૂળ સ્થાનોની ખોજ કરતાં કરતાં ડિસેમ્બરની 21મી તારીખે ગ્રૅનાઇટ ખડકના એક ગચ્ચા (Granite boulder) પર પસંદગી ઊતરી. આ સ્થળને ‘પ્લીમથ રૉક’ નામ આપ્યું. આજે પણ અહીંના વસાહતીઓ આ દિવસને ‘પૂર્વજ-દિન’ (Forefathers’ Day) તરીકે યાદ કરે છે અને ઊજવે છે. 1620ના ડિસેમ્બરની 26મી તારીખે અહીંની ટેકરી પર કિલ્લો અને રક્ષક-ચોકી તૈયાર કર્યાં. અહીંના પ્રથમ શિયાળામાં તેમના જૂથના લગભગ અડધા યાત્રિકો ગવર્નર સહિત અવસાન પામેલા, તેમની લાશોને ટેકરીમાં દાટી દેવામાં આવેલી. પોતાની વસ્તી ઓછી થઈ ગઈ છે એવો અણસાર ત્યાંના મૂળ ઇન્ડિયનોને ન આવી જાય તે માટે તે ટેકરીને સપાટ બનાવી દેવાયેલી. 1614માં જૉન સ્મિથે તૈયાર કરેલા નકશામાં વસાહતના સ્થળને ‘પ્લીમથ’ નામથી દર્શાવેલું. 1633માં આ સ્થળને આજુબાજુના વિસ્તાર માટેનું વડું મથક બનાવાયું. 1691 સુધી તે સ્વતંત્ર વસાહત તરીકે રહ્યું. 1691માં તેને મેસેચ્યુસેટ્સની ઉપસાગર-વસાહતોમાં ભેળવી દેવાયું.

તેના વિશિષ્ટ દરિયાઈ સ્થાન અને ઐતિહાસિક મહત્વને કારણે પ્લીમથને ઉનાળા માટેનું મનોરંજક સ્થળ બનાવવામાં આવેલું છે અને આજે તે યાત્રિકો – પ્રવાસીઓ પર નભે છે. અહીં પ્રવાસીઓ માટેની સુવિધાઓ તેમજ તેમને માટે ઐતિહાસિક આકર્ષણો ઊભાં કરવામાં આવેલાં છે. સત્તરમી સદીની  સ્ત્રીઓની ઘરઘરાઉ વ્યાવસાયિક ચીજવસ્તુઓનો સમાવેશ કરતું સંગ્રહાલય, 1957માં 53 દિવસમાં આટલાન્ટિકને પાર કરીને આવેલું ઇંગ્લૅન્ડનું વહાણ ‘મેફ્લાવર II’, તેમજ પિલગ્રિમ હૉલ મ્યુઝિયમનો આ આકર્ષણોમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, જૂની વસાહતોનાં ઘણાં મકાનો આ શહેરમાં જાળવી રખાયાં છે. આ શહેરની દક્ષિણે મૂળ વસાહતની પ્રતિકૃતિ પણ છે. જૂની ઇમારતો પૈકી ઍડવર્ડ વિન્સ્લો હાઉસ છે, જેને હવે મેફ્લાવર સોસાયટીનું મુખ્ય મથક બનાવ્યું છે. પ્લીમથ રૉકને 1741માં પહેલી વાર મહત્વ અપાયું અને 1774થી  તેને સ્વાતંત્ર્યનું પ્રતીક બનાવાયું છે. શહેરની પાછળના ભાગમાં આવેલી ટેકરી પર 25 મીટરની ઊંચાઈવાળું રાષ્ટ્રીય સ્મારક 1889માં પૂર્વજોની સ્મૃતિમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે. રાજ્ય-વનવિભાગનો કેટલોક ભાગ પણ અહીં આવેલો છે.

આ ઉપરાંત પ્લીમથ નામનાં અન્ય તેર સ્થાનો યુ.એસ.નાં જુદાં જુદાં રાજ્યોમાં તેમજ ત્રિનિદાદમાં પણ આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા