પ્લાયસ્ટોસીન રચના

February, 1999

પ્લાયસ્ટોસીન રચના : ચતુર્થ જીવયુગના પૂર્વાર્ધ કાલખંડ દરમિયાન રચાયેલી ભૂસ્તર-શ્રેણીનો સમૂહ. તેમાંનાં મૃદુશરીરી પ્રાણીઓનાં પ્રમાણ, તેમાં રહેલાં સસ્તન પ્રાણીઓના અવશેષો અને ત્યારે પ્રવર્તેલી હિમજન્ય આબોહવા જેવી ભિન્ન ભિન્ન હકીકતોના સંદર્ભમાં સર ચાર્લ્સ લાયલે ‘પ્લાયસ્ટોસીન’ શબ્દ પ્રયોજેલો છે. જોકે આ પૈકીની એક પણ બાબત વ્યાપક રીતે બધા વિસ્તારો માટે સરખી રીતે લાગુ પાડી શકાતી નથી. મોટાભાગના યુરોપીય દેશોમાં અને યુ.એસ.માં કેટલાક નિષ્ણાત સ્તરવિદો દ્વારા થયેલી રજૂઆત પ્રમાણે, આ પર્યાય ખાસ કરીને હાથી, ઘોડા અને ઢોરના વિશિષ્ટ સંદર્ભમાં પ્રયોજાયેલો છે. યુ.એસ.ના ભૂસ્તરીય સર્વેક્ષણ મુજબ, પ્લાયસ્ટોસીન કાળ વિશાળ પાયા પરના હિમયુગ, આંતરહિમકાળ અને પૂર્વહિમકાળ વગેરેને આવરી લે છે.

ઊંડા સમુદ્રતળમાંથી ઊંચકાઈ આવેલા જળકૃત બંધારણવાળા કેન્દ્રીય ભાગોમાંની પ્લાયસ્ટોસીન શ્રેણીને, અનુમાનિત જળ-તાપમાનને આધારે, તો બીજા કેટલાક દરિયાઈ સૂક્ષ્મ જીવાવશેષોને આધારે તેને ઓળખી બતાવવાનું પસંદ કરે છે. તેમ છતાં, પ્લાયોસીન અને પ્લાયસ્ટોસીન રચનાઓ વચ્ચેની અલગ પડતી સરહદ આંકવાનું હજી સુધી નક્કી થઈ શકેલું નથી; તેથી અનિર્ણીત સરહદ વિભાગના નિક્ષેપો પ્લાયસ્ટોસીન સમયના ગણાય છે. એ જ રીતે અર્વાચીન રચનાનો પણ, પ્લાયસ્ટોસીનમાં જ સમાવેશ કરવો જોઈએ એમ કેટલાક માને છે. પ્લાયસ્ટોસીન કાલખંડને હિમયુગના પૂરા થવાની સાથે, એટલે કે આજથી ગણતાં 11,000 કે 10,000 વર્ષ અગાઉ પૂરો થયેલો હોવાનું ઘણા યોગ્ય સમજે છે, અર્થાત્ પ્લાયસ્ટોસીન સ્તરશ્રેણીની જમાવટ 20 લાખ વર્ષ (કેટલાકના મત પ્રમાણે 16 લાખ વર્ષ) અગાઉથી શરૂ થઈને 11,000 કે 10,000 વર્ષ અગાઉ સુધી ચાલેલી. જોકે પ્લાયસ્ટોસીન સમયગાળાનું નિર્ધારણ હજી સુધી ચોકસાઈભરી રીતે થઈ શક્યું નથી. જુદાં જુદાં મંતવ્યો પ્રમાણે તે 20 લાખ વર્ષથી, 16  લાખ વર્ષથી કે 10 લાખ વર્ષથી ચાલુ થયેલો મનાય છે. તેની નીચે પ્લાયોસીન રચના અને ઉપર અર્વાચીન રચના રહેલી છે.

પ્લાયસ્ટોસીન રચના ભિન્ન ભિન્ન સ્વરૂપોવાળી નિક્ષેપ-જમાવટનો સમાવેશ કરે છે, તે પૈકી મધ્ય અને ઉપલા અક્ષાંશોવાળા વિસ્તારોમાં હિમજન્ય નિક્ષેપો આગળ પડતા છે. ઘણાં સ્થાનોમાં નિક્ષેપો અર્ધ જામેલી કે જામ્યા વિનાની છૂટી સ્થિતિમાં નીચેના તળખડકો ઉપર આવરણ સ્વરૂપે રહેલા મળે છે.

આ સાથેની સારણીમાંથી ભૂસ્તરીય કાળક્રમમાં પ્લાયસ્ટોસીનની સ્થિતિ સ્પષ્ટ બની રહે છે. (વધુ માહિતી માટે જુઓ, ચતુર્થ જીવયુગ)

પ્લાયસ્ટોસીનની સ્થિતિ

ગિરીશભાઈ પંડ્યા