પૈકારા : તમિળનાડુ રાજ્યમાં આવેલું મહત્ત્વનું જળવિદ્યુતમથક. નીલગિરિ જિલ્લામાં ઉટાકામંડથી વાયવ્યમાં આશરે 20 કિમી. અંતરે તે આવેલું છે. તમિળનાડુ અને કર્ણાટકની સરહદ પર વહેતી મોયાર નદીના ઉપરવાસના પ્રવાહ પર પૈકારા આવેલું છે. આ જળવિદ્યુતમથકનું કામ 1932માં પૂર્ણ કરવામાં આવેલું. તેની ઉત્પાદનક્ષમતા 70 મેગાવૉટ જેટલી છે. મોયાર નદીના વિસ્તારમાં સરેરાશ 2,000 મિમી. જેટલો વરસાદ પડે છે, તેમાંથી જળવિદ્યુતનિર્માણ માટે પાણીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ થાય છે.
કોઇમ્બતુર અને મદુરાઈનો વસ્ત્રઉદ્યોગ, રેશમઉદ્યોગ, સિમેન્ટનાં કારખાનાં માટે અને નીલગિરિક્ષેત્રમાં ચાની પ્રક્રિયા માટે જરૂરી વીજઊર્જા અહીંથી પૂરી પાડવામાં આવે છે. આજુબાજુના વિસ્તારોના ખેડૂતોને પણ જરૂરી વીજળી અહીંથી પૂરી પડાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે