પૅસોલિની, પિયેર પાવલો (જ. 5 માર્ચ, 1922, બૉલન્જ, ઇટાલી; અ. 2 નવેમ્બર, 1975, ઑસ્ટિયા, રોમ, ઇટાલી) : ઇટાલિયન ચલચિત્ર-નિર્દેશક. બીજા વિશ્વયુદ્ધ બાદ ઇટાલિયન ચલચિત્રોમાં નવયથાર્થવાદનો જે દોર શરૂ થયો તેનું પુનરુત્થાન 1960ના દાયકામાં થયું. એ ગાળામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર પ્રતિભાશાળી દિગ્દર્શકોમાં પૅસોલિની, કથાવસ્તુની પસંદગીથી માંડીને આગવી શૈલીમાં તેની રજૂઆત અને કૅથલિક સંપ્રદાયથી માંડીને કાર્લ માર્કસ અને સામ્યવાદ અંગેના વિચારો અને માન્યતાઓને કારણે સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. તેમનો અંત પણ એવો જ કરુણ આવ્યો હતો. 1975માં તેમની હત્યા કરાઈ હતી.
પૅસોલિનીનો ઉલ્લેખ એક બહુરંગી વ્યક્તિત્વ તરીકે થાય છે. ચિત્રસર્જન ક્ષેત્રે તેમણે ઝંપલાવ્યું. એ પહેલાં કવિ, નવલકથાકાર, નિબંધકાર, નાટ્યકાર અને સમીક્ષક તરીકે પણ નામના મેળવી ચૂક્યા હતા. 19 વર્ષની ઉંમરે તો તેઓ જાણીતા કવિ બની ગયા હતા અને 1954માં ચલચિત્રક્ષેત્રે પ્રવેશ કર્યો ત્યારે નવલકથાકાર અને નિબંધકાર તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. ખ્યાતનામ ઇટાલિયન સાહિત્યકાર આલ્બર્તો મોરાવિયાએ તો પૅસોલિનીને ‘વીસમી સદીના ઉત્તરાર્ધના મહાન ઇટાલિયન કવિ’ ગણાવ્યા હતા. પૅસોલિનીને સૌથી વધુ ખ્યાતિ ચિત્રસર્જક તરીકે મળી હતી. પોતાનાં સર્જનોમાં પ્રતીકો અને રૂપકોનો ખૂબ સુંદર ઉપયોગ કરીને નિર્દેશક તરીકે તેમણે પોતાની આગવી શૈલી વિકસાવી હતી.
1960ના દાયકાના પ્રારંભે ચિત્રસર્જન ક્ષેત્રે તેમણે ઝુકાવ્યું હતું. આ ક્ષેત્રે આમ તો તેમનો પ્રવેશ 1954માં ‘વુમન ઑવ્ ધ રિવર’ ચિત્રના પટકથાલેખક તરીકે થયો હતો અને પોતે પ્રથમ ચિત્ર બનાવ્યું એ પહેલાં ખાસ તો ખ્યાતનામ ઇટાલિયન દિગ્દર્શક ફેડરિકો ફેલીની સાથે મળીને ઘણાં ચિત્રો માટે તેમણે કામ કર્યું હતું.
પૅસોલિનીએ પ્રથમ ચિત્ર ‘એક્કેટોન’ 1961માં બનાવ્યું હતું. તેમાં તેમણે દક્ષિણ ઇટાલીની ઝૂંપડપટ્ટીમાં રહેતા વેશ્યાઓના એક દલાલ અને ચોરની જિંદગીનું નિરૂપણ કર્યું હતું, જે પોતાની જીવનશૈલી બદલવા ઇચ્છે છે. આ ચિત્ર તેમણે પોતાની જ એક નવલકથા પરથી બનાવ્યું હતું. આજના ખ્યાતનામ ઇટાલિયન નિર્દેશક બર્નાર્ડો બેર્તોલૂચી આ ચિત્રના સહાયક નિર્દેશક હતા.
શરૂઆતનાં વાસ્તવવાદી ચિત્રો પછી 1964માં બનાવેલા ‘ધ ગૉસ્પલ અકૉર્ડિંગ ટુ સેન્ટ મૅથ્યુ’માં તેમની શૈલી અને વિચારધારા બરાબર મુખર થઈ ઊઠી હતી. આ ચિત્ર ખૂબ વખણાયું અને વૅનિસ ચલચિત્ર મહોત્સવમાં તેને જૂરીનું ખાસ પારિતોષિક એનાયત કરાયું હતું. વધુ નોંધપાત્ર વાત એ છે કે આ ચિત્રમાં તેમણે તમામ બિનધંધાદારી કલાકારો લીધા હતા. 1970ના દાયકાના પ્રારંભે તેમણે ચિત્રત્રયીનું નિર્માણ કર્યું, જેમાં ‘ધ ડેકામેરૉન’ (1971), ‘ધ કૅન્ટરબરી ટેલ્સ’ (1972) અને ‘ધ અરેબિયન નાઇટ્સ’(1974)નો સમાવેશ થાય છે. નગ્નતા અને જાતીયતા પણ પૅસોલિનીનાં ચિત્રોનું એક મહત્ત્વનું પાસું બની રહેતું. આ ત્રણ ચિત્રોમાં તેનો ખૂબ ઉપયોગ કરાયો છે. 1975માં તેમણે અંતિમ ચિત્ર ‘સૅલો’ બનાવ્યું હતું. એ જ વર્ષે એક ચિત્રના શૂટિંગ વેળા એક યુવાને તેમના પર હુમલો કરીને તેમની હત્યા કરી હતી.
ઉપર્યુક્ત ચિત્રો ઉપરાંત પૅસોલિનીનાં નોંધપાત્ર ચલચિત્રો આ મુજબ છે : ‘મમ્મા રોમા’ (1962), ‘લવ મીટિંગ્ઝ’ (1964), ‘હૉક્સ ઍન્ડ સ્પૅરોઝ’ (1966), ‘નોટ્સ ફૉર ઍન આફ્રિકન ઑરેસ્ટિયા’ (1968), ‘ઇડિપસ રૅક્સ’ (1968), ‘પિગ્સ્ટી’ (1969) અને ‘મીડિયા’ (1970).
હરસુખ થાનકી