પૅસિફિક અગ્નિવલય (Pacific Ring of Fire) : પૅસિફિક મહાસાગરને ફરતો જ્વાળામુખીનો પટ્ટો. દુનિયાના ઘણા ભાગોમાં જ્વાળામુખીઓ આવેલા છે, પરંતુ સમગ્ર પૃથ્વીના સંદર્ભમાં જોતાં તેમનું વિતરણ એકસરખી રીતે થયેલું જોવા મળતું નથી. પૅસિફિક મહાસાગર અને તેની આજુબાજુના વિસ્તારમાં તેઓ વધુ સંખ્યામાં અને અન્યત્ર ઓછી સંખ્યામાં જોવા મળે છે. કેટલાક જ્વાળામુખીઓ અમુક છૂટાછવાયા વિભાગો પૂરતા મર્યાદિત છે તો કેટલાક રેખીય પટ્ટાઓમાં વિતરણ પામેલા છે. આ પૈકીનો ઘણો જાણીતો પટ્ટો પૅસિફિક મહાસાગરને વીંટળાયેલો જોવા મળે છે, જેને પૅસિફિક અગ્નિવલય (Pacific Ring of Fire) તરીકે ઓળખવામાં આવે છે. આ વલયમાં સક્રિય જ્વાળામુખીનાં 80 % કેન્દ્રો આવેલાં છે (બાકીના મોટાભાગનાં કૅરિબિયન અને ભૂમધ્ય સમુદ્રોના વિસ્તારોમાં, એશિયા માઇનોર, રાતા સમુદ્રની નજીકના વિસ્તારો અને મધ્ય આફ્રિકાના વિસ્તારમાં વિતરણ પામેલા છે).
પૅસિફિક મહાસાગર-થાળાને લગભગ સંપૂર્ણપણે વીંટળાયેલો આ સાંકડો રેખીય પટ્ટો દ્વીપચાપની શ્રેણીઓથી બનેલો છે, જે પૈકીના કેટલાક એકમેક સાથે સંકળાયેલા છે તો કેટલાક છૂટાછવાયા પણ છે. ઉત્તર વિભાગમાં તે એલ્યુશિયન ટાપુઓથી બનેલો છે. અહીં તે અલાસ્કાના અખાતથી કામચાટકા સુધી વિસ્તરે છે. કામચાટકાથી આ ફાંટો ક્યુરાઇલ ટાપુઓ અને જાપાન થઈને નૈર્ઋત્ય તરફ લંબાય છે, ત્યાંથી તે રયુક્યુ (Ryukyu) તરફ અને બોનીન ટાપુઓ તરફ બે ભાગમાં ફંટાય છે, જે ફિલિપાઇન્સમાં ફરીથી જોડાઈ જાય છે. અહીંથી તે પૂર્વમાં કમાન આકારવાળી જટિલ શ્રેણી સ્વરૂપે ટોંગા સુધી વિસ્તરે છે અને ફરીને ત્યાંથી દક્ષિણ તરફ ન્યૂઝીલૅન્ડ સુધી જાય છે. પૅસિફિકની પૂર્વ કિનારી ઍન્ડિયન ચાપની બનેલી છે, જે દક્ષિણ ચિલીથી મધ્ય મેક્સિકો થઈ વાયવ્ય તરફ યુ.એસ.માં કાસ્કેડ હારમાળા સુધી વિસ્તરે છે.
આ સંદર્ભમાં એક બાબતનો નિર્દેશ કરી શકાય કે જ્વાળામુખીઓનો રેખીય પટ્ટો (ભૂકંપીય પટ્ટાની જેમ જ) મોટી અને નાની શિલાખંડ પ્રવહન તક્તીઓની કિનારીઓ પર સ્થિત છે. આવી કિનારીઓથી દૂર જતાં જ્વાળામુખી(અને ભૂકંપ)નું પ્રમાણ ઘટતું જાય છે. આ કિનારીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં તેમની સામસામી દીવાલો જ્યારે અથડાય છે, ઘસાય છે ત્યાં સંચલન દરમિયાન મુક્ત થતી ઘર્ષણજન્ય ઊર્જાથી જરૂરી ગરમી ઉદભવે છે, મૅગ્મા તૈયાર થઈ જ્વાળામુખીનું પ્રસ્ફુટન થાય છે – આમ પૅસિફિક અગ્નિવલયનું અસ્તિત્વ તકતીઓની અથડામણને આભારી છે. આવા વિસ્તારો સાથે સંકળાયેલા જ્વાળામુખીમાંથી પ્રસ્ફુટિત થતો લાવા ઍન્ડેસાઇટથી રહાયોલાઇટ બંધારણવાળો હોય છે, સાથે સાથે પાયરોક્લાસ્ટિક દ્રવ્યનું પણ વિસ્ફોટજન્ય પ્રસ્ફુટન થતું હોય છે. આ જ રીતે ભૂમધ્ય સમુદ્રના પટ્ટામાં પણ આ જ પ્રકારના બંધારણવાળી જ્વાળામુખી-પ્રક્રિયા થાય છે.
ગિરીશભાઈ પંડ્યા