પેલ્ટોફૉરમ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ સિઝાલપિતીએસી ઉપકુળની એક નાનકડી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. તેની એક જાતિ Peltophorum ferrugineum Benth. syn. P. pterocarpum Backer ex K. Heyne. (અં. કૉપર પોડ, રસ્ટી શિલ્ડ બેરર; તે. કોન્ડાચિંટા; તા. ઇવાલ્વાગાઇ, પેરુન્ગોંડ્રાઇ; ગુ.મ.માં તામ્રશિંગી) છે. ભારતમાં ઉદ્યાનો કે રસ્તાની બંને બાજુએ, તેમજ કૉફી અને કોકોના બગીચાઓમાં ઉગાડાય છે.
તે 24.0 મી.ની ઊંચાઈ સુધી વધતું સુંદર વૃક્ષ છે. તે આંદામાનના ટાપુઓ અને દરિયાકિનારે આવેલાં જંગલોમાં થાય છે. તેની છાલ ભૂખરી અને લીસી હોય છે; પર્ણો દ્વિપીંછાકાર સંયુક્ત; પર્ણિકાઓ નાની, લંબચોરસ અને ઘેરા લીલા રંગની હોય છે. તે ગુલમહોરની જેમ સુશોભિત લાગે છે. તેની કૂંપળો અને તરુણ શાખાઓ કથ્થાઈ રંગની હોઈ આગવી ભાત પાડે છે. પુષ્પો લાંબાં, ટટ્ટાર અને અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ(panicle)માં ગોઠવાયેલાં, પીળાં અને સુગંધિત હોય છે. પુષ્પનિર્માણ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં, છતાં કેટલાંકમાં બારે માસ થાય છે. તેની લાલાશ પડતી બદામી રંગની લાંબી, લટકતી સિંગો પુષ્પોના રંગ સાથે વિરોધાભાસ ઉત્પન્ન કરી વૃક્ષની સુંદરતામાં વધારો કરે છે અને તેથી ઉષ્ણકટિબંધીય વૃક્ષોમાં સૌથી સુંદર પૈકીમાંનું એક વૃક્ષ ગણાય છે. તેનું પ્રસર્જન બીજ અને કટકારોપણ દ્વારા થાય છે.
તેની છાલમાં 20.8 % જેટલું કૅટેચોલ પ્રકારનું ટૅનિન હોય છે. તેનો ઉપયોગ ચર્મશોધન(tanning)માં થાય છે. હરડે સાથે તેની છાલને (1 : 6) મિશ્ર કરતાં વધુ સારું પરિણામ મળે છે. છાલ પીળાશ પડતો બદામી રંગ આપે છે. જાવામાં તેની છાલનો ઉપયોગ મરડામાં, કોગળા કરવા, દંતમંજન બનાવવા અને આંખની તકલીફોમાં, સ્નાયુના દુખાવામાં અને સોજામાં મલમ તરીકે કરવામાં આવે છે.
તેનું અંત:કાષ્ઠ (heartwood) લાલ રંગનું સખત અને મજબૂત હોય છે અને વાતાવરણથી રક્ષણ આપવામાં આવે તો તે ટકાઉ હોય છે. તેનો ઉપયોગ પાટિયાં, ઘોડાગાડી, રાચરચીલું અને અભરાઈવાળી પેટી (cabinet) બનાવવામાં થાય છે. જોકે રસકાષ્ઠ (sapwood) પોચું અને હલકું હોય છે. તેનો ખાસ ઉપયોગ થતો નથી.
તેનાં પર્ણો પ્રોટીનથી ભરપૂર (54.7 %) હોય છે અને ઢોરના ચારા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ હોય છે. તેમાં આર્જિનીન, હિસ્ટિડિન, લાઇસીન, ટાયરોસીન, ટ્રિપ્ટોફેન, ફેનિલઍલેનીન, સિસ્ટીન, મિથિયોનીન, પ્રિયોનીન અને વેલાઇન જેવા અગત્યના ઍમિનો-ઍસિડ હોય છે.
મ. ઝ. શાહ