પૅલેડિયો, આંદ્રે (જ. 30 નવેમ્બર 1508, Padua, Republic of Venice; અ. 19 ઑગસ્ટ, 1580, Maserm near Treviso, Repubik of venice) : ઇટાલિયન સ્થપતિ. સોળમી સદીના ઉન્નત રેનેસાંસ તથા રીતિવાદી પરંપરાના અગ્રેસર પ્રણેતા. માઇકલ ઍન્જેલોના આ સમકાલીને રેનેસાં સ્થાપત્યકલાને ધાર્મિક સિવાયની ઇમારતોમાં લોકભોગ્ય બનાવી.
તેઓ પથ્થરના કારીગર તરીકે કામ કરતા હતા. રોમનાં મહાન સ્થાપત્યો જોઈને તેમને સ્થાપત્યકલામાં રસ જાગ્યો. તેમની શરૂઆતની કૃતિઓમાં વિન્સેટાઇન શૈલીનાં મહેલો અને વિલાનો સમાવેશ થાય છે; પણ 1555થી તેમણે વૅનિસ માટે સર્જન શરૂ કર્યું. સરળ, સંવાદી, પ્રમાણમાપ; મહદંશે શ્રેણીબદ્ધ પ્રાચીન આકાર-આકૃતિઓ; પદ્ધતિસર સંયોજન જેવી લાક્ષણિકતાઓના સુમેળથી તેમની કૃતિઓ આજે પણ યુરોપનાં સ્થાપત્યોમાં ઉત્કૃષ્ટ નમૂનારૂપ લેખાય છે. પ્રાચીન સ્થાપત્યનો તેમનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ, આયોજન પ્રત્યેનો સુસંકલિત અભિગમ અને મર્યાદિત જોગવાઈમાં સ્થાનિક સામગ્રીનું પરંપરાગત શૈલીમાં પણ ભવ્ય અને અનોખું આયોજન કરવાની તેમની ક્ષમતા – આ તેમની કળાની વિશેષતાઓ છે. આ જ કારણોથી તેમનાં સ્થાપત્યો સ્થાપત્યકલાના ઇતિહાસમાં પાયારૂપ લેખાય છે.
1715 પછીના આંગ્લ સ્થાપત્યને પૅલેડિયન શૈલીના સ્થાપત્ય તરીકે ઓળખાવાય છે; એ અરસામાં પૅલેડિયોનાં તથા તેમના અનુગામીઓનાં વિચારો તથા ડિઝાઇનમાં નવેસર રસ જાગવા માંડેલો. ‘ધ ફોર બુક્સ ઑવ્ આર્કિટેક્ચર’ નામના પુસ્તકે પૅલેડિયન આંગ્લ ઝુંબેશ તેમજ તેમના અનુગામીઓ પર મુખ્ય પ્રભાવ પાડ્યો હતો.
રૂપલ ચૌહાણ