પેરિયાર (નદી, સરોવર) : દક્ષિણ ભારતના નૈર્ઋત્ય ભાગમાં કેરળ રાજ્યમાં આવેલાં નદી અને સરોવર. પેરિયાર નદી તમિળનાડુ-કેરળની સરહદ પરના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને ત્યાંથી ઉત્તર તરફ વહીને પેરિયાર સરોવરને મળે છે. આ નદી સરોવરના પૂર્વ ભાગમાંથી ફરીથી નીકળે છે અને પર્વતોમાં થઈને વાયવ્ય તરફ વહે છે. કોટ્ટાયમ્ તથા એર્નાકુલમ્ જિલ્લાઓમાંથી પસાર થાય છે અને અલ્વાયે થઈને પશ્ચિમ કિનારાના મેદાનને વીંધીને પારુળ નજીક તે અરબી સમુદ્રને મળે છે. નદીની લંબાઈ 225 કિમી. જેટલી છે. આ નદી મારફતે જંગલોમાંથી કાપેલાં વૃક્ષોનાં થડ વહાવીને જરૂરિયાતના સ્થળે પહોંચાડાય છે.
નદીના ઉપરવાસમાં સર્જાયેલા અવરોધને કારણે આ બે રાજ્યોની સરહદ નજીક કેરળમાં પેરિયાર સરોવર તૈયાર થયેલું છે. તે 31 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. લગભગ બધી બાજુએ પર્વત-શિખરોથી ઘેરાયેલું આ સરોવર સમુદ્ર-સપાટીથી 850 મીટરની ઊંચાઈ પર આવેલું છે. સરોવરની ફરતે વન્ય પ્રાણીઓ માટે અભયારણ્ય તૈયાર કરવામાં આવ્યું છે. ઊંચાઈ પર આવેલા આ સરોવરમાંથી પર્વતોમાં બનાવેલા બુગદા મારફતે તેનું પાણી પૂર્વ તરફ તમિળનાડુની વૈગાઈ નદીમાં પહોંચાડીને ત્યાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. વીસમી સદીના છેલ્લા ગાળામાં નદીના બંધ પર જળવિદ્યુત-મથક તેમજ બીજો એક સિંચાઈ માટેનો બંધ પણ બાંધવામાં આવેલાં છે. આજે આ સરોવર પ્રવાસીઓ માટેનું પર્યટન-સ્થળ બન્યું છે.
ગિરીશભાઈ પંડ્યા