પેરિપ્લૉકેસી (Periplocaceae Sehltn) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ એસ્ક્લેપિયેડેસી કુળમાંથી છૂટું પડાયું છે. એસ્ક્લેપિયેડેસીમાં પરાગરજ પરાગપિંડ (pollinium) નામના અંગમાં સંકલિત થઈ હોય છે. જ્યારે પેરિપ્લૉકેસીમાં પુંકેસરો મુક્ત હોય છે અને પરાગરજ સ્વતંત્ર કણસ્વરૂપે હોય છે. પરાગનયન વિશિષ્ટ સ્વરૂપનું હોય છે. પરાગરજ એક ચમચી આકારના સ્થાનાંતરક (translator) નામના અંગ પર ભેગી થાય છે. પુષ્પની મુલાકાતે આવતાં જંતુઓના શરીરે તે ચોંટી જઈ બીજા પુષ્પ પર પહોંચે છે. આ સ્થાનાંતરક માતૃછોડ પર હોય ત્યારે તેના પુષ્પના પરાગાસનને એવી રીતે ઢાંકી રાખે છે કે પોતાની પરાગરજના સંસર્ગમાં પરાગાસન આવે નહિ અને આમ ફક્ત પરપરાગનયન જ શક્ય બને.
આ કુળ આશરે 50 પ્રજાતિ અને 200 જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. બહુવર્ષાયુ, શાકીય કે ક્ષુપ અથવા આરોહી, કેટલીક જાતિ કાષ્ઠમય વેલાના સ્વરૂપે; ભૂમિગત પ્રકાંડ કાષ્ઠમય, ગાંઠામૂળીના સ્વરૂપે; ક્ષીરરસની હાજરી; પર્ણો સાદાં, સમ્મુખ, રેખાકાર અથવા પહોળાં; અનુપપર્ણીય છતાં કેટલાંકમાં ઉપપર્ણીય વલય મોટું બની વિવિધ રીતે વિભાજિત થાય; પુષ્પવિન્યાસ અગ્રીય કે કક્ષીય, દ્વિશાખી કે એકશાખી પરિમિત અથવા અપરિમિત કે છત્રાકાર; પુષ્પો ત્રિજ્યાસમમિત, નાનાં, દ્વિલિંગી, કેટલીક વાર કાર્યાત્મક રીતે એકલિંગી અને દ્વિગૃહી, અધોજાયી, નિપત્રી, નિપત્રિકાઓની હાજરી; વજ્રપત્રો-5, વજ્રનલિકા નાની, ધારાસ્પર્શી (valvate) કે કોરછાદી (imbricate); દલપત્રો-5, યુક્ત, વ્યાવૃત અથવા કેટલીક વાર ધારાસ્પર્શી, દલપુંજનલિકા ટૂંકી કે દલપત્રઘટક જેટલી લાંબી; પુંકેસરો-5, તંતુમુક્ત, દલપુંજનલિકાની ગ્રીવાના ભાગોથી જોડાયેલાં; પરાગાસન સાથે પણ અભિલાગ પામી પુંવર્તિકાગ્રછત્ર (gynostegium) બનાવે; પુંકેસરના તલસ્થ ભાગેથી પાંચ પાંખડીઓ સ્વરૂપે પુષ્પમુકુટ ઉદભવે, ક્યારેક આ પુષ્પમુકુટ ગેરહાજર અથવા નાનકડી ગ્રંથિના સ્વરૂપે, પરાગરજ ચતુષ્કના સ્વરૂપે વિકિરણ પામે, તે પરાગાસન પરથી ઉત્પન્ન થતા સ્થાનાંતરક પર એકત્રિત થાય; દ્વિસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ, મુક્ત બીજાશયો, પરાગવાહિનીઓ ટોચેથી જોડાયેલી, પ્રત્યેક બીજાશય એકકોટરીય ભિત્તિસ્થ (parictal), અસંખ્ય અંડકો; એકસ્ફોટી યુગ્મફળ; બીજ ચપટાં, સપક્ષ, રેશમી બહિરુદભેદવાળાં.
આ કુળની ગુજરાતમાં થતી જાણીતી જાતિઓમાં Cryptolepis buchanani (L.) R. & S.; Cryptostegia grandiflora R. Br. (રબરવેલ), Hemidesmus indicus (L.) R. Br. (દૂધવેલ, દુધાલી, અનંતમૂળ) અને Periploca aphylla Decne(સીંગડિયો, રાતી ખીપ, દુધાલી ખીપ)નો સમાવેશ થાય છે.
દીનાઝ પરબિયા
મીનુ પરબિયા