પ્રેસિડંસી બૅંક : સૌપ્રથમ પ્રેસિડંસી બૅંક બંગાળમાં કૉલકાતા ખાતે બૅંક ઑવ્ બૅંગોલના નામે 1 મે 1806ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેની મૂડી રૂ. 50 લાખની હતી ને તેનો 20% હિસ્સો સરકારે પૂરો પાડ્યો હતો. બીજી પ્રેસિડંસી બૅંક મુંબઈમાં બૅંક ઑવ્ બૉમ્બે તરીકે 1840માં રૂ. 52.25 લાખની મૂડીથી સ્થાપવામાં આવી હતી. તેમાં સરકારનો ફાળો રૂ. 3 લાખનો હતો. બૅંક ઑવ્ મદ્રાસ 1843માં રૂ. 30 લાખની મૂડી સાથે સ્થપાઈ હતી. તેમાં પણ સરકારે રૂ. 3 લાખનો ફાળો આપ્યો હતો.
આ બૅંકોની મૂડીમાં સરકારનો ફાળો હતો અને સરકારના બૅંકિંગ કામકાજનો તેઓ ઇજારો ધરાવતી હતી. આ વિશિષ્ટ લાભ સાથે તેઓએ સરકારે મૂકેલ કેટલાંક નિયમનોને આધીન રહીને પોતાનું કામકાજ કરવાનું હતું. સરકાર આ બૅંકોના સેક્રેટરી ને ટ્રેઝરર નીમતી હતી. કેટલાક ડિરેક્ટરની પણ તે નિમણૂક કરતી હતી. તેમની માગણી થાય કે તરત ચૂકવવી પડે તેવી દેણી રકમ તેમની પાસેનાં રોકડ અનામતના ત્રણગણા કરતાં (પાછળથી ચારગણા કરતાં) વધવી જોઈએ નહિ. વ્યક્તિઓને વધુમાં વધુ ત્રણ માસ માટે મહત્તમ રૂ. 3 લાખ સુધીની રકમ ધીરી શકાતી હતી. સરકાર માટે મહત્તમ મર્યાદા રૂ. 5 લાખ સુધીની હતી. તે વધુમાં વધુ 12 % વ્યાજ લઈ શકતી. ભારતમાં ચુકવણીપાત્ર હોય તેવાં વિનિમયપત્રોને જ તે વટાવી શકતી.
બીજી ખાનગી બૅંકોની માફક તે બેરર-નોટ બહાર પાડી શકતી હતી. આના પર પણ મહત્તમ મર્યાદા મૂકવામાં આવી હતી. આ નોટો સામે બૅંકોએ રોકડ અનામત કેટલી રાખવી તેય ઠરાવાયું હતું. આ કાગળ-નાણાં લોકોનો વ્યાપક સ્વીકાર પામી શક્યાં નહિ. તેમનું ચલણ મુંબઈ, ચેન્નાઈ ને કૉલકાતા શહેરો પૂરતું મર્યાદિત રહ્યું હતું. 1861માં પસાર કરાયેલા પેપર કરન્સી ઍક્ટ અનુસાર 1862માં પ્રેસિડંસી બૅંકો પાસેથી નોટો બહાર પાડવાનો અધિકાર સરકારે લઈ લીધો. આ અંગેનો ઇજારો સરકાર પાસે આવ્યો; પરંતુ સરકારના એજન્ટ તરીકે ચલણી નોટો બહાર પાડવાની કામગીરી તેને સોંપવામાં આવી હતી. 1866માં સરકારે જાતે જ નોટો છાપવાની ને બહાર પાડવાની કામગીરી સંભાળી લીધી ત્યારે સરકાર વતી આ કામ પ્રેસિડંસી બૅંકોએ કરવાનું રહ્યું નહિ.
નોટો અંગેના અધિકાર ઓછા થયા તેના વળતર રૂપે આ બૅંકોને સરકારી દેવાની ને વ્યાજમુક્ત સરકારનાં ભંડોળોની વ્યવસ્થા કરવાનું કામ સોંપાયું. વળી તેમની પ્રવૃત્તિ પર અગાઉ મુકાયેલાં નિયંત્રણો પણ હળવાં કરવામાં આવ્યાં. આ બૅંકો થાપણો સ્વીકારતી, આંતરિક વિનિમયપત્રો વટાવતી, અન્ય રીતેય ધિરાણ કરતી, અને હિંદના આંતરિક દેવાંનો વહીવટ કરતી. ત્રણે બૅંકો વચ્ચેના સંબંધ ગાઢ હતા. તેઓ સહકારથી કામ કરતી ને એકમેકને સહાયરૂપ બનતી. વળી મૂડી ને નિયામકમંડળમાં સરકારનો ફાળો હતો : સરકારની રહેમનજર ને સીધી સહાયને કારણે આ બૅંકોએ ભારતમાં કેટલીક બૅંકિંગ પ્રવૃત્તિમાં ઇજારાની સ્થિતિ પ્રાપ્ત કરી હતી. નફો રળવાનું ધ્યેય હોવાથી આ બૅંકોને 1839માં શાખાઓ ખોલવાનો અધિકાર અપાયો હતો, છતાં મોટાં નગરોમાં જ શાખાઓ ખોલવાનું રાખ્યું હતું.
બૅંક ઑવ્ બૉમ્બેએ અમેરિકન આંતરવિગ્રહ સમયે ભારતના રૂના ભાવોમાં આવેલી તેજી દરમિયાન રૂ–કપાસના વેપારીઓને સટ્ટાકીય ધિરાણ કરવાનું જોખમ વહોર્યું હતું. આંતરવિગ્રહ પૂરો થયો ને અમેરિકન રૂ ઇંગ્લૅન્ડના કાપડઉદ્યોગને મળવા માંડ્યું ત્યારે તેના ભાવો તૂટ્યા. પરિણામે બૅંક ઑવ્ બૉમ્બેને ભારે ખોટ ગઈ. 1868માં તેને બંધ કરવામાં આવી. ફરીથી તે જ વર્ષમાં પહેલાંના જ નામથી રૂ. 5.25 કરોડની મૂડી સાથે તેને શરૂ કરવામાં આવી હતી.
બૅંક ઑવ્ બૉમ્બેની નિષ્ફળતાને કારણે પ્રેસિડંસી બૅંકોની પ્રતિષ્ઠા ઘટી. સરકારે આ અંગેની વ્યાપક તપાસ માટે કમિશનની રચના કરી. તેણે બૅંક ઑવ્ બૉમ્બેની નિષ્ફળતા માટે નિયમનો હળવાં કરવાની નીતિને જવાબદાર લેખી ને પ્રેસિડંસી બૅંકો પર નવા અંકુશો મૂકવાની ભલામણ કરી.
આ ભલામણો અનુસાર સરકારે 1876માં પ્રેસિડંસીબૅંક ઍક્ટ પસાર કર્યો, ને પ્રેસિડંસી બૅંકોની પુનર્વ્યવસ્થા કરી. સરકારે આ બૅંકોમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લીધી ને ડિરેક્ટર, સેક્રેટરી, ટ્રેઝરર નીમવાના પોતાના અધિકાર જતા કર્યા. સરકાર પાસે બૅંકના હિસાબોનું ઑડિટ કરવાના ને જરૂરી માહિતી મેળવવાના અધિકાર રહ્યા. અઠવાડિક હિસાબી માહિતી બહાર પાડવાનું બૅંકો માટે ફરજિયાત બનાવાયું. બૅંકો વિદેશી મુદ્રાનું કામકાજ ન કરી શકે : પરદેશમાંથી નાણાં ઉછીનાં ન લઈ શકે. છ માસ કરતાં વધુ મુદત માટે ધિરાણ ન કરી શકે. (1907 સુધી આ મુદત ત્રણ માસની હતી.) સ્થાવર મિલકત કે અંગત શાખ (જામીનગીરી) પર તે ધિરાણ કરી શકે નહિ. સાથે સાથે સરકારી બૅંક તરીકેનું મોટાભાગનું કાર્ય સરકારે આ પ્રેસિડંસી બૅંકોને હસ્તક જ રહેવા દીધું. આમ સરકારે એક તરફ પ્રેસિડંસી બૅંકોને તેમની પ્રવૃત્તિમાં વધુ સ્વાયત્તતા આપી તો બીજી તરફ એમના પર અંકુશો પણ મૂકયા.
સરકાર સાથે સંકળાયેલી આ ત્રણેય બૅંકોનું એકીકરણ કરવાનું સૂચન સૌપ્રથમ વાર 1866માં થયું હતું ને ત્યારબાદ સમયાન્તરે એનું પુનરાવર્તન થતું રહ્યું હતું. છેવટે તેનો સ્વીકાર થયો ને પ્રેસિડંસી બૅંકોને એકત્ર કરી 27 જાન્યુઆરી 1921ના રોજ ઇમ્પીરિયલ બૅંક ઑવ્ ઇન્ડિયાની રચના કરવામાં આવી. પ્રેસિડંસી બૅંકોની કેટલીક મૂળભૂત ઊણપો દૂર કરવાનો ને દેશમાં એક મધ્યસ્થ બૅંક સ્થાપવાનો ઉદ્દેશ આ પગલા પાછળ હતો. પહેલાંની જે ઇમ્પીરિયલ બૅંક હતી તે હાલની સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા કહેવાય છે.
બદરીપ્રસાદ મ. ભટ્ટ