પ્રેસ, ફ્રૅન્ક (જ. 4 ડિસેમ્બર 1924, બ્રુકલીન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ભૂભૌતિકશાસ્ત્રી. પૃથ્વીના પોપડા અને ભૂમધ્યાવરણના રચનાવિષયક અન્વેષણો અને ભૂકંપીય ક્રિયાપદ્ધતિના અભ્યાસ માટે તેઓ જાણીતા બનેલા છે. તેમણે સમુદ્રશાસ્ત્રી મોરિસ ઇવિંગના હાથે નીચે અભ્યાસ કરેલો. 1949માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી, તે જ યુનિવર્સિટીમાં થોડાં વર્ષો સુધી અધ્યાપનકાર્ય કર્યું અને સાથે સાથે સંશોધનકાર્ય પણ ચાલુ રાખ્યું. 1955માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાં ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપકનો હોદ્દો સ્વીકાર્યો. 1957થી 1965 સુધી તે જ સંસ્થાની ભૂકંપીય પ્રયોગશાળામાં ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી. 1958માં તે રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમીમાં ચૂંટાઈ આવેલા. 1965માં તેઓ કૅમ્બ્રિજની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીના પૃથ્વી અને ગ્રહવિજ્ઞાન વિભાગમાં ભૂભૌતિકશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક અને ચૅરમૅન બન્યા. 1977 સુધી તેઓ ત્યાં રહ્યા. 1977થી 1981 સુધી યુ.એસ.ના તત્કાલીન પ્રમુખ જીમી કાર્ટરના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવાઓ આપી.
પ્રેસનાં મુખ્ય કાર્યોમાં પ્રાદેશિક અને અધોદરિયાઈ ભૂભૌતિકશાસ્ત્ર, ગ્રહીય પેટાળ, સ્થિતિસ્થાપક તરંગ-સંચારણનાં અન્વેષણો સહિતના ભૂકંપશાસ્ત્ર વગેરેના અભ્યાસનો સમાવેશ થાય છે. જુલાઈ 1957થી ડિસેમ્બર 1958ના દોઢ વર્ષ માટે ઊજવાયેલા આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષ દરમિયાન પૃથ્વીના પોપડાના અભ્યાસમાં તેમણે ભજવેલા ભાગથી એક નિષ્ણાત તરીકેની તેની ઓળખ સ્થાપિત થઈ. તેમણે અંદાજ કાઢી આપ્યો કે ઉત્તર અમેરિકા ખંડનો પોપડો સ્થાનભેદે 36.8થી 48 કિમી. જાડાઈવાળો છે. તે જ વર્ષમાં બીજું પણ એક ભૂભૌતિક અભિયાન યોજાયેલું, જેમાં તેમણે ઍન્ટાર્ક્ટિકા એક અલગ અને વાસ્તવિક ખંડ જ છે એવું પ્રસ્થાપિત કરી આપવામાં અગ્રિમ ભાગ ભજવ્યો.
1981માં તેઓ અકાદમીના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાઈ આવતાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ખાતે પાછા ફર્યા.
‘Elastic Waves in Layered Media’ (1957) અને ‘Earth’ (1974) પુસ્તકોના તેઓ સહલેખક હતા.
ગિરીશભાઈ પંડ્યા