પૂછવાલે, રાજાભૈયા

January, 1999

પૂછવાલે, રાજાભૈયા (. 12 ઑગસ્ટ 1882, લશ્કરગ્વાલિયર; . 1 એપ્રિલ 1956, લશ્કરગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત ગાયક. મૂળ નામ બાળકૃષ્ણ આનંદરાવ અષ્ટેકર.

રાજાભૈયા પૂછવાલે

રાજાભૈયાના પિતા આનંદરાવ સારા સિતારવાદક હતા તથા તેમના કાકા નિપુણ ગાયક હતા, જેને લીધે રાજાભૈયાને ગળથૂથીથી જ સંગીતનું શિક્ષણ મળ્યું હતું. તે જમાનાના વિખ્યાત સંગીતજ્ઞ મહેદી હુસેનખાંના શિષ્ય બળદેવજી પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. સાથોસાથ હાર્મોનિયમ વગાડવામાં પણ તેમણે નિપુણતા મેળવી, જેને પરિણામે શિંદે સરકારની નિશ્રામાં ગ્વાલિયરમાં ચાલતી સંગીત નાટક મંડળીમાં હાર્મોનિયમવાદક તરીકે તેઓ જોડાઈ શક્યા. નોકરીની સાથે સંગીતની તાલીમ તેમણે ચાલુ રાખી. સંગીતની ઉચ્ચ કક્ષાની તાલીમ તેમણે વિખ્યાત સંગીતજ્ઞ શંકરરાવ પંડિત પાસેથી મેળવી (1907-11). તે અરસામાં વિખ્યાત સંગીતશાસ્ત્રકાર  પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે (1860-1936) ગ્વાલિયરની મુલાકાતે ગયા હતા અને તેમણે ત્યાંના સાત સંગીતકારોની સ્વરલિપિના પ્રશિક્ષણ માટે પસંદગી કરી, જેમાં રાજાભૈયાનો પણ સમાવેશ થયો હતો. મુંબઈ ખાતે ત્રણ માસના આ પ્રશિક્ષણ માટે ગ્વાલિયરના મહારાજાએ તેમને શિષ્યવૃત્તિ આપી હતી. ત્યાંથી પાછા આવ્યા પછી ગ્વાલિયરમાં 1918માં સ્થપાયેલ માધવ મ્યુઝિક સ્કૂલમાં અધ્યાપક તરીકે તેમની નિયુક્તિ થઈ. 1941માં તેઓ તેના આચાર્ય બન્યા અને 1949માં આ પદ પરથી નિવૃત્ત થયા.

1956માં તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક તથા શ્રેષ્ઠ ગાયકના ખિતાબથી ભારત સરકાર દ્વારા સન્માનવામાં આવ્યા હતા.

શાસ્ત્રીય સંગીત પર તેમણે લખેલા સાત હિન્દી ગ્રંથોમાં (1) ‘તાનમાલિકા’ ભાગ 1, (2) ‘તાનમાલિકા’ ભાગ 2, (3) ‘તાનમાલિકા’ ભાગ 3 (પૂર્વાર્ધ), (4) ‘તાનમાલિકા’ ભાગ 3 (ઉત્તરાર્ધ), (5) ‘સંગીતોપાસના’, (6) `ઠૂમરી તરંગિણી’ અને (7) ‘ધ્રુવપદ ધમાર ગાયન’નો સમાવેશ થાય છે.

સતત પંદર કલાક સુધી એક જ બેઠકમાં ગાવાનો કીર્તિમાન તેમણે સ્થાપ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે