પુંડલિક : કથાનકવાળું ભારતનું પ્રથમ ચલચિત્ર. નિર્માણવર્ષ : 1912. નિર્માતા : આર. જી. તોરણે, પી. આર. ટીપણીસ, એન. જી. ચિત્રે. દિગ્દર્શક : આર. જી. તોરણે. મુખ્ય કલાકારો : આર. બી. કીર્તિકર, એન. જી. ચિત્રે, પી. આર. ટીપણીસ, ડી. ડી. દાબકે. 1913માં દાદાસાહેબ ફાળકેએ પ્રદર્શિત કરેલું ચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’ ભારતનું પ્રથમ કથાચિત્ર ગણાય છે, પણ આર. જી. તોરણેએ અને તેમના મિત્રોએ બનાવેલું ‘પુંડલિક’ ફાળકેના ચિત્ર કરતાં એક વર્ષ અગાઉ 1912માં પ્રદર્શિત થયું હતું. કેટલાક જાણકારોના મતે ‘પુંડલિક’ એક નાટક પરથી જ સીધેસીધું બનાવાયું હોવાને કારણે અને તેના માટે ખાસ કથા કે પટકથા લખવામાં આવી ન હોવાને કારણે તેને કથાચિત્ર ગણવામાં આવતું નથી.
ખ્યાતનામ સંત પુંડલિકના જીવન પરથી બનેલું એક નાટક ‘શ્રી પુંડલિક’ નાશિકની શ્રીપાદ સંગીત-મંડળી સફળતાપૂર્વક ભજવતી હતી. એ દિવસોમાં ચલચિત્રોનો પ્રારંભ થઈ ચૂક્યો હોઈ અને ચલચિત્ર-નિર્માણના પ્રયાસો થવા માંડ્યા હોઈ રામચંદ્ર ગોપાલ તોરણેએ આ નાટક પરથી ચલચિત્ર બનાવવાનો વિચાર પોતાના મિત્રો અને સંગીત-મંડળીના સંચાલકો સમક્ષ મૂક્યો. ઘણી મથામણને અંતે ભારત-સ્થિત એક વિદેશી કંપની બર્ની ઍન્ડ શેફર્ડમાંથી ભાડે કૅમેરા લાવવામાં આવ્યો અને કંપનીના જ એક તસવીરકાર જૉનસનની સેવાઓ લઈ ‘શ્રી પુંડલિક’ – નાટકનું તસવીરાંકન કરાયું. આ ચિત્ર ‘પુંડલિક’ નામે મુંબઈના કૉરોનેશન છબીઘરમાં 18 મે, 1912ના રોજ પ્રદર્શિત કરાયું, જે સતત બે સપ્તાહ ચાલ્યું. ‘પુંડલિક’ના નિર્માણનો યશ મોટેભાગે આર. જી. તોરણેને અપાતો રહ્યો છે, પણ છેલ્લાં સંશોધનો મુજબ આર. જી. તોરણે આ ચિત્રના નિર્માણ સાથે આંશિક રીતે જ સંકળાયેલા હતા.
હરસુખ થાનકી