પ્રીમિયમની ચુકવણી (payment of premium) : વીમાવિધાનમાં વીમાના કરાર એટલે કે પૉલિસીની મહત્વની શરતોમાંની એક. બે પક્ષો વચ્ચેની સમજૂતીને ઘણી વાર લેખિત સ્વરૂપ આપવામાં આવે છે. આવી લેખિત સમજૂતીને કરાર કહે છે. સામાન્ય કરારનાં છ કે સાત લક્ષણો છે : પ્રસ્તાવ, પ્રસ્તાવની સ્વીકૃતિ, પ્રતિદેય (consideration), વિષયવસ્તુની વૈધતા, સંજ્ઞાન (consensus) અને પક્ષકારોની કરાર સંબંધી ક્ષમતા. ઘણી વાર સાતમા લક્ષણની ગણના પણ કરાય છે. તે એ કે આવો કોઈ કરાર સટ્ટાના સ્વરૂપનો ન હોવો જોઈએ. ઉદા., ક્રિકેટ-સ્પર્ધામાં અમુક પક્ષ જીતે તો અમુક રમક ચૂકવવી એવો કરાર અવૈધ છે.
વીમાના કરારમાં વીમા કંપની વીમાધારકને અમુક દુર્ઘટના ઘટે તો કરારની શરતોને અધીન રહીને ક્ષતિપૂર્તિ કરવા બંધાય છે. આમ વીમાધારક સંભવિત ક્ષતિ કે હાનિ સામે રક્ષણની શાંતિ મેળવે છે. આ રક્ષણ ખરીદવા તે તેનું મૂલ્ય ચૂકવે છે. એ મૂલ્યનું નામ પ્રીમિયમ છે, જે વીમા કંપનીને ચૂકવવામાં આવે છે. વીમાકરારમાં પ્રીમિયમ પ્રતિદેય છે. વીમાની પૉલિસી આ કરારનું લેખિત સ્વરૂપ છે. તેનો આરંભ જ કંઈક આવા શબ્દોમાં થાય છે : ‘‘……….વીમા પ્રસ્તાવ કે પ્રતિદેય રૂપે (પ્રથમ) પ્રીમિયમ ભર્યું હોવાથી આ પૉલિસીની શરતો હેઠળ વીમા કંપની સૂચિત દુર્ઘટના (કે અવસાન) થાય તે સંજોગોમાં ક્ષતિપૂર્તિ કરવાનું સ્વીકારે છે……..’’
પ્રીમિયમ વિવિધ યોજના અને અવધિના કોઠા પ્રમાણે ગણવામાં આવે છે. મુખ્ય આધાર જોખમની માત્રા ઉપર છે. દુર્ઘટનાના પ્રસંગોમાં વીમાના વર્ગ પ્રમાણેના કોઠા પરથી ગણતરી કરવામાં આવે છે; જેમ કે ઉચાપત, ચોરી, આગ, અકસ્માત, પૂર, હુલ્લડ, ઇજનેરી દુર્ઘટના, પરિવહન સંબંધી દુર્ઘટના આદિ. વીમાનો ઇચ્છુક પ્રસ્તાવપત્ર ભરીને વીમા કંપનીને આપે છે. તેની ચકાસણી કરીને વીમા કંપની પ્રસ્તાવ સ્વીકારવો કે પાછો વાળવો, અને સ્વીકારવો તો તે જ રૂપે અથવા ફેરફાર સાથે તે નક્કી કરે છે. વીમાપ્રસ્તાવકને જે તે નિર્ણયની જાણ કરવામાં આવે છે. સ્વીકૃતિપત્ર મોકલીને કંપની ઠરાવેલું પ્રીમિયમ ચૂકવવા સૂચના આપે છે. પ્રતિપ્રસ્તાવના સંજોગોમાં સામા પક્ષની સ્વીકૃતિ ઇચ્છે છે. પ્રીમિયમ ચૂકવાયે વીમાનો કરાર બંધનકર્તા બને છે.
પ્રીમિયમ આગોતરું લેવાય છે. એક વર્ષની અવધિની પૉલિસી માટે વાર્ષિક પ્રીમિયમનો એક હપ્તો ચુકવાય છે. લાંબી અવધિના જીવનવીમાની પૉલિસી હેઠળ હપ્તા રૂપે વાર્ષિક પ્રીમિયમ દર વર્ષે નિયત દિવસે આગોતરું ભરવામાં આવે છે. વીમાધારક ઇચ્છે તો તેને છમાસિક કે ત્રિમાસિક હપ્તાની સગવડ અપાય છે. વેતનબચત યોજના હેઠળ પ્રીમિયમનો માસિક હપ્તો વેતનમાંથી દર મહિને કપાય અને બારોબાર ચૂકવાય તેવી સગવડ પણ અપાય છે. પરંતુ, પ્રીમિયમ વાર્ષિક આગોતરા હપ્તા પ્રમાણે ચૂકવવાની શરત અન્વયે વર્ષમાં અધવચ્ચે દાવાની સ્થિતિ ઊભી થાય તો વર્ષના બાકીના સમયના પ્રીમિયમના હપ્તા દાવાની રકમમાંથી કાપી લેવાનો અધિકાર વીમાકંપની ધરાવે છે.
પ્રીમિયમ રોકડ નાણાંમાં ચૂકવવું પડે છે. સગવડ ખાતર ચેક સ્વીકારાય છે; પણ, ચેક વીમાધારકના ખાતાનો જ હોય તેવો આગ્રહ રખાય છે. ચેક સ્વીકારાશે એ શરતે પહોંચ અપાય છે. ત્યાં સુધી વીમાકંપની ઉત્તરદાયિત્વમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. વીમાના કરારનો આરંભ પ્રથમ પ્રીમિયમની ચુકવણીના દિવસથી જ થાય છે. વિશેષ પ્રસંગે વીમાધારકને ઓછી વયના ઓછા પ્રીમિયમનો લાભ આપવા કોઈ વાર તેની માગણીના અનુસંધાનમાં પૉલિસીની આરંભ-તારીખ વહેલી રાખી શકાય છે. નિયત તારીખે નિયત કાર્યાલયમાં નિયત પ્રીમિયમની રકમ ભરવી એ વીમાધારકનું કર્તવ્ય છે. વીમા કંપની મિત્રભાવે સ્મૃતિપત્ર મોકલે છે; પણ, સ્મૃતિપત્ર મોકલ્યો નથી કે મળ્યો નથી એવું કારણ ધરી પ્રીમિયમ-ચુકવણીમાં ચૂક કરવી એ વીમાકરારનો ભંગ છે. વીમા કંપની નિયત તારીખથી 15 કે 30 દિવસ જેવી છૂટની અવધિ આપે છે. વિશેષ સંજોગોમાં–વીમાધારકની અસ્વસ્થતા, યાત્રાપ્રવાસ, નાણાભીડ, વિસ્મરણ આદિ–વીમાધારકને હાનિથી ઉગારવા પૉલિસીમાં વિશેષ પ્રાવધાનની પ્રથા હોય છે. અમુક વર્ષ – જેમ કે, પાંચ વર્ષ સુધી પ્રીમિયમ નિયમિત ચૂકવાયા પછી સંજોગવશાત્ વીમાધારક આગલા વર્ષનું પ્રીમિયમ છ (કે બાર) મહિના સુધી ભરી શકે નહિ, તોપણ પૉલિસી ચાલુ રાખી વીમાધારકને પડેલું પ્રીમિયમ વ્યાજ સાથે ભરી દેવાનો અવસર અપાય છે. વચગાળામાં દાવો ઉપસ્થિત થાય તો આ રકમ કાપી લેવામાં આવે છે.
પ્રીમિયમનો હપ્તો વીમા-કંપનીની ચેતવણી નોટિસ(lapse notice)માં જણાવેલી અવધિમાં પણ ભરવામાં ના આવે તો પૉલિસી બંધ પડેલી ગણાય છે. વીમા કંપની બંધ પૉલિસી હેઠળ નાણાં ચૂકવવા બંધાતી નથી. લાંબી અવધિની પૉલિસીની બાબતમાં પૉલિસી બંધ પડે તે વીમાધારક તથા કંપની બંને પક્ષોને હાનિકર્તા છે. એટલે, વીમાકંપની બંધ પૉલિસી ચાલુ કરાવવા વીમાધારકને શરતી પ્રસ્તાવ મોકલે છે. તેમાં મોટેભાગે નવેસરથી દાકતરી તપાસનો આગ્રહ રખાય છે. દાક્તરીવૃત્તાંત સાનુકૂળ હોય અને ચડેલું પ્રીમિયમ વ્યાજ સાથે ભરી દેવાય તો પૉલિસી ચાલુ કરી વીમા કંપની પોતાની જવાબદારી નિભાવવા સંમત થાય છે.
અપવાદરૂપ પ્રસંગોમાં વિશેષ પૉલિસી પ્રાવધાન હેઠળ વીમાકંપની પ્રીમિયમોની પરત ચુકવણી પણ કરે છે.
બંસીધર શુક્લ