પ્રિયદર્શિની : દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની વનસ્પતિની એક પ્રજાતિ. તેની એક શોભન-જાતિનું વૈજ્ઞાનિક નામ Petunia violacea Lindl. (ગુ. પ્રિયદર્શિની) છે.
તે એકવર્ષાયુ 30થી 35 સેમી. ઊંચી શાકીય જાતિ છે અને જમીન પર ફેલાય છે. શરૂઆતમાં ઉપરની ટોચ કાપી નાખવામાં આવે તો છોડ વધારે ભરાવદાર બને છે. પર્ણો એકાંતરિક અથવા ઉપરના ભાગે સમ્મુખ મધ્યમ કદનાં અંડાકાર અને ટોચેથી અણીવાળાં હોય છે. તેના પર વિવિધ રંગોનાં નિવાપાકારનાં પુષ્પો બેસે છે. તેની પહોળાઈ લગભગ 5.0થી 7.0 સેમી જેટલી હોય છે. પુષ્પનો રંગ બહુ ઘેરો હોતો નથી. તેની એક જાત ‘ડબલ’ તરીકે ઓળખાવાય છે. તેનાં દલપત્રો સંખ્યામાં બેગણાં, બહારની બાજુએ ઝાલરદાર અને રંગે પ્રમાણમાં ઘેરાં હોય છે. તેથી તે ખૂબ આકર્ષક લાગે છે.
બગીચામાં તેને મોસમી શિયાળુ જાત તરીકે વાવવામાં આવે છે. આમ છતાં ઓછા વરસાદવાળી અને પ્રમાણમાં ઠંડકવાળી જગાઓએ ચોમાસુ જાત તરીકે પણ વાવવામાં આવે છે. તેનાં બીજ અત્યંત નાનાં હોય છે તેથી તેના ધરુ કરવા પડે છે. ધરુ કરતી વખતે બીજ તદ્દન નજીક ન પડી જાય અને પાણી પણ જોરથી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. બીજ રોપાયા પછી 25થી 30 દિવસે ધરુ તૈયાર થાય છે. આ ધરુને કાયમના ક્યારામાં 20થી 25 સેમી.ના અંતરે રોપવામાં આવે છે. તેના પર એકાદ માસમાં પુષ્પનિર્માણ થાય છે. આ ક્રિયા 2થી 3 માસ સુધી થાય છે.
વધારે પાણી કે કમોસમના વરસાદથી આ છોડ કોહવાઈ જાય છે. તેથી તેની નજીક વધારે પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવામાં આવે છે.
મ. ઝ. શાહ