પુલીકટ (સરોવર) : આંધ્રપ્રદેશમાં બંગાળના ઉપસાગર પર કોરોમાંડલ કિનારે આવેલું ખારા પાણીનું ખાડી સરોવર. ભૌગોલિક સ્થાન : 13o 40′ ઉ. અ. અને 80o 10′ પૂ. રે. પર આંધ્રપ્રદેશના નેલોર જિલ્લા અને તમિળનાડુના ચિંગલીપુટ જિલ્લાની સરહદે તે આવેલું છે. તેની લંબાઈ ઉત્તર-દક્ષિણ 50 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ સ્થાનભેદે 3થી 18 કિમી. વચ્ચેની છે. આંધ્રનાં મેદાનો પર તે કળણભૂમિ બનાવે છે. તેથી તેની આજુબાજુનો ભૂમિવિસ્તાર જૂજ વસ્તીવાળો છે. સરોવરના દક્ષિણ કિનારા તરફ નજીકમાં દુર્ગરાજુપટનમ્ અને પુલીકટ (13o 25′ ઉ. અ. અને 80o 19′ પૂ. રે.) નગરો વસેલાં છે.
ભૂસ્તરીય ભૂતકાળમાં આ સરોવરની જળસપાટી વારંવાર બદલાતી રહેલી છે, તેના પુરાવા નજીકના કંઠાર પ્રદેશના ટેકરાઓ પરથી મળી રહે છે. આ અવશિષ્ટ ટેકરાઓ પૈકી શ્રીહરિકોટાનો લાંબો ટાપુ આ સરોવરને બંગાળના ઉપસાગરથી અલગ પાડે છે. આ ટાપુના પશ્ચિમ કાંઠા પર થઈને બકિંગહામ નહેર પસાર થાય છે. ટાપુના દક્ષિણ ભાગ તરફ નાનો નીચાણવાળો ભાગ છે, જે આ સરોવરનો સમુદ્ર સાથેનો સંપર્ક જાળવી રાખે છે. ભરતી દરમિયાન સમુદ્રજળ સરોવરમાં ઠલવાય છે અને સરોવર ભરાઈ જાય છે; પરંતુ ઉનાળા દરમિયાન સરોવરના પાણીની ખારાશ પ્રમાણમાં થોડીક વધી જાય છે. પુલીકટ નગરનો ઉત્તર ભાગ આ સરોવર માટે એકમાત્ર સમુદ્રપ્રવેશમાર્ગ બની રહેલો છે. આ સરોવરમાંથી મીઠાનું અને જિંગાનું ઉત્પાદન થાય છે. શ્રીહરિકોટા ઉપરાંત અન્ય ટાપુઓ પણ છે.
ગિરીશભાઈ પંડ્યા