પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ

February, 1999

પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ

વનસ્પતિનાં મૂળ, પર્ણ વગેરેમાં કુદરતી રીતે મળી આવતાં સંયોજનોનું રાસાયણિક અન્વેષણ અને તેમની ઔષધીય ઉપયોગિતા. પ્રાચીન ભારતમાં વનસ્પતિના ઔષધીય ઉપયોગો પર આધારિત એક શ્રેષ્ઠ ચિકિત્સાપદ્ધતિ વિકસાવાઈ હતી, જે આયુર્વેદ તરીકે ઓળખાય છે. ચાર હજાર વર્ષ પુરાણી આ પદ્ધતિ વિશ્વવિખ્યાત છે. ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ વગેરેના પ્રદાનથી આયુર્વેદની અગત્ય ખૂબ વધી ગઈ. ભારતમાં દાખલ થયેલી યૂનાની ચિકિત્સાપદ્ધતિએ ઔષધીય ગુણો ધરાવતી અન્ય વનસ્પતિની પણ ભેટ આપી. બંને પદ્ધતિઓએ એકબીજાના ઔષધીય ગુણો ધરાવનાર ઔષધકોશ(pharma- copoeia)નો છૂટથી ઉપયોગ કર્યો. બંને કોશમાં 90% કરતાં વધુ છોડ લગભગ સમાન છે.

આધુનિક ચિકિત્સાપદ્ધતિનો છેલ્લાં પચાસેક વર્ષમાં વિકાસ થયો. તે પહેલાં વનસ્પતિ યા છોડનાં મૂળ, બીજ યા પર્ણોનાં ચૂર્ણ યા અર્કનો ઉપયોગ ચિકિત્સા અર્થે થતો હતો. પછી તેમાંથી ચિકિત્સાની ર્દષ્ટિએ અગત્યનાં મનાતાં દ્રવ્યો યા રસાયણો (active constituents) છૂટાં પાડવામાં આવ્યાં અથવા તેમને સંશ્લેષિત કરવાનો પ્રયત્ન થયો. જોકે આધુનિક પ્રતિજૈવિક ઔષધો (antibiotics) અને અન્ય સંશ્લેષિત ઔષધોએ સૂક્ષ્મ જીવાણુથી થતા ઘણા રોગોને અંકુશમાં લાવી દીધા છે તેમ છતાં વાનસ્પતિક સંયોજનો આજે પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

હાલમાં નવાં નવાં ઔષધો બનાવવા યા સંશ્લેષિત કરવાની શરૂઆત વાનસ્પતિક સંયોજનો યા રસાયણોથી કરવામાં આવે છે. કારણ સાવ સરળ છે. એક આધુનિક ઔષધ સંશ્લેષિત કરવા માટે ઘણે ભાગે ઘણાબધા પ્રયોગો અને ઘણા તબક્કા સંયોજવા પડે છે. આવા તબક્કા (steps) ઘણી વાર 25થી 30 જેટલા થવા જાય છે. પ્રત્યેક પ્રયોગમાં મળતું રસાયણ આગળના તબક્કા માટે વાપરવાનું હોય છે. પ્રત્યેક તબક્કામાં મળતું કે મધ્યવર્તી સંયોજન (intermediate) પૂરતા પ્રમાણમાં મળે તે જોવું પડે છે. આ બધા તબક્કામાં થતા ખર્ચને પ્રતિ કિલોગ્રામ મુજબ ગણી તેનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. વનસ્પતિમાંથી મેળવેલ રસાયણ આ પ્રયોગના તબક્કા ઘટાડી દેતું હોવાથી પ્રમાણમાં સસ્તું અને ફાયદાકારક બની રહે છે.

ફ્રાંસ્વર્થ તથા બિન્જેલના 1973ના સર્વેક્ષણ મુજબ અમેરિકા જેવા આધુનિક દેશમાં પણ લખાતાં પ્રિસ્ક્રિપ્શનોમાંનાં 25% એક યા વધુ વનસ્પતિમાંથી મળેલ ઔષધતત્વનાં હોય છે. ત્યાં આશરે 96 જેટલા છોડ ઔષધ પ્રાપ્ત કરવા માટે વપરાય છે. પછી તે વિવિધ સક્રિય તત્વો હોય યા પાણી યા અન્ય દ્રાવકમાં દ્રાવ્ય થયેલ તત્વો યા રસાયણોનો અપરિષ્કૃત અર્ક (crude extract) હોય !

વિશ્વમાં લગભગ બધા જ દેશોમાં આધુનિક ચિકિત્સા ઉપયોગમાં લેવાય છે. પણ એમ માલૂમ પડે છે કે સંશ્લેષિત ઔષધોની વિષાળુતા (toxictiy) યા આડઅસરો (side effects) વધતી જાય છે. આથી વિશ્વના દેશો હવે ઓછી અગર નહિવત્ આડઅસરો ધરાવતાં પ્રાકૃતિક ઔષધો અને આયુર્વેદ તરફ વળ્યા છે. પ્રકૃતિએ કુદરતી વનસ્પતિઓમાં રસાયણો યા સંયોજનોની સાથે સાથે તેનાં પ્રતિકારકો (antidotes) પણ તૈયાર રાખ્યાં હોય છે. લીંબુનો રસ પાણી સાથે મેળવીને પીવાથી ભરપૂર પ્રજીવક–ક (Vitamin-C) મળશે અને કોઈ આડઅસર નહિ થાય. પણ પ્રજીવક–કની ટેબ્લેટ લેવાથી પથરી થઈ શકે છે. આથી જ હવે ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિ તથા પ્રાકૃતિક સંયોજનોનાં રસાયણો ભારત તથા ચીનમાંથી અમેરિકા, જર્મની, જાપાન વગેરે દેશોમાં નિકાસ થાય છે.

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ વગેરે ખાતે આયુર્વેદ, સિદ્ધ તથા યૂનાની પદ્ધતિઓ વધુ વિકસી છે. વનસ્પતિમાંથી તે દેશો 90% ઔષધો મેળવે છે. છેલ્લાં દસેક વર્ષમાં ખાનગી તથા નાનાં સાહસો દ્વારા આવાં ઔષધોના ઉત્પાદનનું પ્રમાણ ઘણું વધી ગયું છે. ભારત આધુનિક તથા આયુર્વેદ એમ બંને ચિકિત્સામાં વપરાતાં ઔષધોનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવા સક્ષમ છે.

આધુનિક ચિકિત્સામાં આશરે સોએક જેટલી વનસ્પતિના છોડ વપરાય છે, જ્યારે આયુર્વેદિક ચિકિત્સામાં લગભગ 200 જેટલા છોડ વપરાય છે. આ બધા ઔષધ ધરાવતા છોડવાઓમાં ખરેખર પ્રકૃતિએ કયાં કયાં રાસાયણિક સંયોજનો મૂક્યાં છે, તેમની સંરચના શું છે અને તેમના ઔષધીય ઉપયોગો કયા છે તે સમજવા માટે થોડું રસાયણવિજ્ઞાનનું પ્રાથમિક જ્ઞાન જરૂરી છે. ઔષધોમાં વપરાતાં રસાયણો મુખ્યત્વે કાર્બનિક સંયોજનો હોય છે. જોકે આયુર્વેદમાં ઘણી વાર ચિકિત્સા અર્થે અકાર્બનિક રસાયણો પણ વપરાય છે.

પ્રાકૃતિક રીતે યા વનસ્પતિમાંથી મેળવાતાં રાસાયણિક સંયોજનોમાં ખાસ કરીને આલ્કેલૉઇડ્ઝ, ગ્લાઇકોસાઇડ્સ, સ્ટીરૉઇડ અંત:સ્રાવો તથા સ્ટીરૉઇડ સેપોજેનિન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ અણુઓની રાસાયણિક રચનાઓ ખૂબ જ જટિલ હોય છે અને આવાં રસાયણો પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવાં અઘરાં અને ખર્ચાળ છે. આથી માનવી વનસ્પતિ-પ્રકૃતિ તરફ વળ્યો છે. વળી વિશ્વ વ્યાપાર સંઘ (World Trade Organisation, WTO) હેઠળ હવે ભારતે પ્રોડક્ટ પેટન્ટનો કાયદો પાળવો પડશે. આ માટે ફરજિયાત મૂળભૂત સંશોધન (basic research) કરવું પડશે.

ડાયોસ્કોરિયા તથા સૉલેનમ (સ્ટીરૉઇડલ સેપોજેનિન્સ ધરાવતા છોડ) : આધુનિક ચિકિત્સામાં સ્ટીરૉઇડ પ્રકારનાં વ્યુત્પન્નો મોટી માત્રામાં વપરાય છે. માનવશરીરની આશરે 90 જેટલી વિવિધ બીમારીઓ માટે આ સ્ટીરોઇડ ઔષધો વપરાતાં જણાયાં છે. તેમનો મુખ્ય ઉપયોગ ગર્ભનિરોધક ઔષધ, જાતીય અંત:સ્રાવો તથા મુખ વાટે યા ઇંજેક્શન દ્વારા લેવાતાં કૉર્ટિકોસ્ટીરૉઇડ ઔષધોમાં થાય છે. એનાબોલિક સ્ટીરૉઇડ પણ ઔષધ તરીકે વપરાય છે. આ ઔષધોનાં રસાયણો કાં તો સંપૂર્ણ સંશ્લેષણ (synthesis) અથવા તો આંશિક સંશ્લેષણ (પ્રાણીજન્ય યા વાનસ્પતિક પદાર્થોમાંથી) વડે પ્રાપ્ત થાય છે. આ કાચાં દ્રવ્યો યા રસાયણો કૉલેસ્ટેરૉલ અને બાઇલ ઍસિડ (પ્રાણીજન્ય), સ્ટિગ્માસ્ટેરૉલ અને બીટાસ્ટેરૉલ (સોયાબીન તેલ દ્વારા) અને અન્ય વનસ્પતિ યા છોડમાંથી મળતા સ્ટીરૉઇડલ સેપોજેનિનમાંથી મેળવાય છે.

હાલમાં વાનસ્પતિક સેપોજેનિન રસાયણનો ઉપયોગ પ્રમાણમાં ઘટી જવા પામ્યો છે તેનું મુખ્ય કારણ છે આ પ્રકારનાં ઔષધોનો પ્રયોગશાળામાં સંપૂર્ણ સંશ્લેષણનો વિકાસ. આ માટે સ્ટીગ્માસ્ટેરૉલ નામક પદાર્થ વપરાય છે. જોકે આમ છતાં વાનસ્પતિક સેપોજેનિનનો સ્ટીરૉઇડલ ઔષધો બનાવવામાં છૂટથી ઉપયોગ થાય છે.

ઔષધોનાં સંશ્લેષણ માટે કાચાં દ્રવ્યોની ગરજ સારતાં જે વાનસ્પતિક સેપોજેનિન કુદરતમાંથી મેળવાય છે તેમાં ડાયોસ્જેનિન, હેકોજેનિન તથા સોલાસોડિન મુખ્ય છે. ડાયોસ્જેનિન ડાયોસ્કોરિયા નામના છોડની વિવિધ જાતોમાંથી મેળવાય છે, તે ખાસ અગત્યનું ગણાય છે કારણ કે ડેક્સામિથાસોન – ઔષધક્ષેત્રે હૃદયરોગ, આંખ વગેરે માટે ખૂબ જ ઉપયોગી – ડેક્સામિથાસોન નામનો અગત્યનો સ્ટીરૉઇડ તેમાંથી બનાવાય છે. જુદા જુદા દેશોમાં આ માટે વિવિધ જાતના ડાયોસ્કોરિયા છોડની જાતો ઉછેરવામાં આવે છે. દા.ત., મેક્સિકો અને મધ્ય અમેરિકાના દેશોમાં ડાયોસ્કોરિયા ફ્લોરીબન્દા માર્ટ અને ગાલ; ભારતમાં ડાયોસ્કોરિયા ડેલ્ટોઇડિયા વોલ; અને ચીનમાં ડાયોસ્કોરિયા નિપોનિકા માકિનો. ડાયોસ્જેનિનનો વપરાશ 1973માં 600 ટન જેટલો હતો જે આજે ઘટીને 200 ટન જેવો થઈ ગયો છે. આમ છતાં એ નિર્વિવાદ છે કે ડાયોસ્જેનિન આજે પણ વિશ્વમાં સ્ટીરૉઇડલ ઔષધના કાચા રસાયણ તરીકે વપરાય છે અને ભવિષ્યમાં એશિયા, આફ્રિકા તથા લૅટિન અમેરિકાના દેશોમાં પણ તે છૂટથી વપરાશે.

ભારતમાં ડાયોસ્કોરિયા ડેલ્ટોઇડિયામાંથી ડાયોસ્જેનિનનું ઉત્પાદન થાય છે. આ વનસ્પતિ ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં – ખાસ તો હિમાચલ પ્રદેશ, જમ્મુ તથા કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં થાય છે. પ્રતિવર્ષ આશરે 25થી 30 ટન ડાયોસ્જેનિન બનાવવામાં આવે છે. ડાયોસ્કોરિયા ફલોરિબન્દા તથા ડાયોસ્કોરિયા કોમ્પોસિટ અને ભારતીય જાત ડાયોસ્કોરિયા ડેલ્ટોઇડિયાને વૈજ્ઞાનિક રીતે ઉછેરવાની તકનીક દેશમાં જ વિકસાવવામાં આવી છે. કેટલીક ઔષધ-ઉત્પાદક કંપનીઓએ આવી જાતો ઉછેરી તેમાંથી ડાયોસ્જેનિન પ્રાપ્ત કરી સ્ટીરૉઇડ સંશ્લેષણ કરવામાં સફળતા મેળવી છે. પણ આ પદ્ધતિ ખર્ચાળ સાબિત થઈ છે. આથી તેમાં હજી વધુ સંશોધનની જરૂર છે જેથી ડાયોસ્જેનિન પ્રમાણમાં સસ્તું પડે છે.

જેમાંથી ડાયોસ્જેનિન ઉત્પાદિત થાય છે તેવો બીજો અગત્યનો છોડ છે સોલેનમ ખાસીએનમ ક્લાર્ક અને તેની બીજી જાત સોલેનમ લેસિનિએટમ એઇટ. પણ આ બંને છોડના ઉપયોગ પ્રમાણમાં મર્યાદિત છે, કારણ કે તેમાંથી મળતું કાચું દ્રવ્ય સોલાસોડીન 5%થી પણ ઓછું પ્રાપ્ત થાય છે આથી તે પણ સરવાળે મોંઘું પડે છે.

કોસ્ટસ સ્પેસિયોસસ સિમ્સ એ એક ત્રીજો અગત્યનો છોડ છે જે છેલ્લાં દસેક વર્ષથી વધુ જાણીતો બન્યો છે. આ છોડમાં 1.5થી 2% જેટલું ડાયોસ્જેનિન હોય છે. આ વનસ્પતિને ઉછેરીને તેનો વિકાસ કરવાની તકનીક ભારતમાં વિકસી ચૂકી છે. બાયોટૅકનૉલોજીનો ઉપયોગ કરી હવે પેશીસંવર્ધન (tissue culture) જેવી વિવિધ પદ્ધતિઓ દ્વારા વધુ ડાયોસ્જેનિન ધરાવતી જાતો વિકસાવવાનો અભિગમ શરૂ થઈ ચૂક્યો છે. તે સફળ થશે તો ડાયોસ્જેનિન અત્યંત સસ્તું બની જશે. સ્ટીરૉઇડ ઔષધો પણ ઉત્પન્ન કરવાં સસ્તાં પડશે. નહિ તો ડેક્સામિથાસોન જેવો સ્ટીરૉઇડ ઉત્પાદિત કરવો એ ઘણી મોંઘી પ્રક્રિયા છે. તેનો એક કિલોનો ભાવ રૂ. લાખથી સવાલાખ જેવો થવા જાય છે.

પાપાવર સોમ્નિફેરમ (અફીણ પ્રકારનાં આલ્કેલૉઇડ ધરાવતો છોડ) : ગુજરાતીમાં ખસખસ યા અફીણના છોડ તરીકે ઓળખાતા ઓપિયમ પોપી (વાનસ્પતિક નામ પાપાવર સોમ્નિફેરમ)માંથી અફીણ પ્રાપ્ત થાય છે. તે ઔષધક્ષેત્રે વર્ષોથી અગત્ય ધરાવે છે. આ વનસ્પતિમાંથી ઓપિયમ પ્રકારનાં આશરે બે ડઝન જેટલાં આલ્કેલૉઇડ મળે છે. તે પૈકી મૉર્ફીન, કોડીન, પાપાવરિન તથા નાસ્કોપિન વગેરેનો ઔષધક્ષેત્રે ખૂબ જ ઉપયોગ થાય છે. માત્ર પાપાવરિન જ એક એવું રસાયણ છે જે સીધું સંશ્લેષણથી પણ મેળવી શકાય છે, બાકીનાં ત્રણ રસાયણો યા તો ઓપિયમ વનસ્પતિના દૂધ(latex)માંથી અથવા ઘાસ જેવા ચળામણ યા છોડા(popy husk)માંથી કે પછી દાંડા(straw)માંથી અર્કીય પદ્ધતિ (extract) દ્વારા મેળવવામાં આવે છે.

ઓપિયમ પોપી ભારત, ઈરાન, તૂર્કી, બલ્ગેરિયા, રશિયા, યુગોસ્લાવિયા, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, પોલૅન્ડ, સ્પેન તથા બેલ્જિયમમાં વધુ ઊગે છે. આમાંથી એકલું ભારત જ અફીણ બનાવે છે જ્યારે બાકીનાં આ વનસ્પતિમાંથી અર્કીય પદ્ધતિથી આલ્કેલૉઇડ મેળવે છે. હવે અન્ય દેશોમાં પણ અફીણનું ઉત્પાદન વધી ગયું હોવાથી ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ વેચાણ કરી શકતું નથી. વળી કેટલાક દેશોમાં અફીણનું ગેરકાયદેસર ઉત્પાદન પણ વધી ગયું છે.

ઉપર્યુક્ત રસાયણો પ્રશામક (sedative), ઊલટીશામક (antitussive) તથા સ્નાયુદર્દશામક તરીકે વર્ષોથી ઔષધક્ષેત્રે વાપરવામાં આવે છે. આ ઔષધોની ટેવ પડતી હોવાથી વચ્ચે તેનો વપરાશ ઘટી ગયો હતો પણ હવે તેમના વિશે વધુ સંશોધન થઈ રહ્યું હોઈ આ ક્ષેત્રમાં ઘણા વિકાસને અવકાશ છે. પણ આ ઔષધો/રસાયણોના વિકાસ દરમિયાન નિયંત્રણો રાખવાં ખાસ જરૂરી હોય છે.

ક્વિનીન તથા ક્વિનિડીન [સિંકોના(cinchona)માંથી મળતાં ઔષધો)] : સિંકોના એ લગભગ સોએક વર્ષથી ભારતમાં ઉગાડાતું ખૂબ અગત્યનું ઝાડ ગણાય છે. તેની વિવિધ જાતો ઉગાડાય છે. દા.ત., સિંકોના ઓફિસીનાલીસ એલ; સિંકોના લેડગેરિયાના મોએન્સ; સિંકોના સક્સિરૂબ્રા પાવોન; સિંકોના કેલિસાયા વેડાલ વગેરે. આ ઝાડની છાલમાં 6%થી 7% જેટલાં આલ્કેલૉઇડ હોય છે જેમાં ક્વિનીન તથા ક્વિનિડીન એ બે આલ્કેલૉઇડ મુખ્ય છે. વર્ષોથી આ ઝાડની છાલ મલેરિયા રોગ માટે વપરાતી હતી.

ક્વિનીન મલેરિયામાં ઔષધ તરીકે વપરાય છે જ્યારે ક્વિનિડીન હૃદયના ધબકારા સમતુલિત કરવા માટે વાપરવામાં આવે છે. વચ્ચે થોડા સમય દરમિયાન આ ઔષધોનો વધુ ઉપયોગ થતો નહોતો પણ જ્યારથી મલેરિયાના જંતુઓમાં અમુક ઔષધો માટે પ્રતિરોધ (resistance) પેદા થયો છે ત્યારથી આ ઔષધોની ઉપયોગિતા ખાસ્સી વધી ગઈ છે અને એશિયા તથા આફ્રિકામાં તે વધુ વપરાવા લાગ્યાં છે. પ્રત્યેક વર્ષે રૂ. 1.4 કરોડની કિંમતનાં 15થી 20 ટન જેટલાં રસાયણો અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

ભારતમાં આ ઝાડની જે જાતો વિકસાવવામાં આવી છે તેના લીધે તેમાં રહેલ આલ્કેલૉઇડનું પ્રમાણ જે સામાન્ય રીતે 6% જેટલું હતું તે વધીને 10%થી 12% જેટલું થયું છે. આથી તેની નિકાસની તકો વધી છે. મલેરિયા માટે ચિકિત્સાક્ષેત્રે ઘણાં બધાં નવાં ઔષધો શોધાવા છતાં વર્ષોથી જાણીતાં આ બે રસાયણોને બાજુ પર ખસેડવામાં સહેજ પણ સફળતા મળી નથી, ઊલટું પ્રતિરોધને લઈને તેમની માંગ વધી જવા પામી છે.

સેના કાસિયા (Senna–Casia Anjustifolia Vahl. સિનોસાઇડ પ્રકારનાં ઔષધો) : આ વનસ્પતિ કાચા ઔષધ (crude drug) તરીકે ઓળખાય છે કારણ કે ઘણી વાર તેનાં પાંદડાં સીધાં જ વાપરવામાં આવે છે. તેની બે પ્રકારની જાતોની વધુ માંગ છે : (i) કાસિયા એન્ગ્યુસ્ટિફોલિયા જે સામાન્ય રીતે ઇન્ડિયન સેના તરીકે ઓળખાય છે, (ii) કાસિયા એલેકઝાન્ડ્રિયા. આ વનસ્પતિનાં પર્ણો અને જીંડવાં (pods) તરીકે ઓળખાતા ભાગોમાંથી ગ્લાઇકોસાઇડ પ્રકારનાં રસાયણો મેળવવામાં આવે છે. મુખ્યત્વે તેમાંથી સિનોસાઇડ એ, સિનોસાઇડ બી તથા સિનોસાઇડ સી પ્રકારનાં રસાયણો મળે છે જે કાચા ઔષધ તરીકે લેવાથી પેટ સાફ કરવાનું (laxative) કાર્ય કરે છે. રેચક તરીકે આ વનસ્પતિનાં પર્ણો ખૂબ જ ઉપયોગી છે.

ભારતમાં તે 300થી 400 હેક્ટર જમીનમાં ઉગાડવામાં આવે છે. તેમાંથી 2500 ટન પાંદડાં તથા 500 ટન જીંડવાં મળે છે. તેમાંથી પ્રતિ વર્ષે 1.2 કરોડની નિકાસ થાય છે. વિશ્વના બજારમાં સેના વનસ્પતિ મુખ્યત્વે ભારત દ્વારા જ પહોંચાડવામાં આવે છે. વળી, તેનાં ગ્લાઇકોસાઇડની યુરોપિયન બજારમાં પણ નિકાસ કરવામાં આવે છે. સંશ્લેષિત જુલાબનાં ઔષધો(synthetic laxatives)ની વિષાળુતા યા આડઅસરોને લક્ષમાં લેતાં આવનારાં વર્ષોમાં સેનાની ઉપયોગિતા વધી જવાનો સંભવ છે.

પ્લાન્ટેગો ઓવાટા ફોર્સ્ક (ઇસબગુલ યા પાઇસેલિયમ) : ઇસબગુલ અથવા પાઇસેલિયમ હસ્ક પ્લાન્ટેગો ઓવાટા ફોર્સ્કના પાકેલાં છોડાં છે, તેને બ્લોન્ડ પાઇસેલિયસ કે પ્લાન્ટેગો પાઇસેલિયમ ડેક્કન યા સ્પૅનિશ પાઇસેલિયમ કહે છે. ભારત વિશ્વનું મુખ્ય ઇસબગુલ ઉત્પાદક છે. આ છોડ મોટેભાગે ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ઉગાડાય છે. થોડાક પ્રમાણમાં તેને રાજસ્થાનમાં પણ ઉગાડવામાં આવે છે. આશરે 22,000 હેક્ટર જેટલી જમીનમાં તે ઉગાડાય છે અને 20થી 25 હજાર ટન જેટલા પાઇસેલિયમ બીજ તેમાંથી મળે છે.

ઔષધ તરીકે મોટેભાગે આ વનસ્પતિનાં બીજ વાપરવામાં આવે છે; જેમાંથી પોચો, ચીકણો પદાર્થ (mucilage) મળે છે જે પ્રકૃતિમાં કલિલી (colloidal) હોય છે. તેનાથી મળશુદ્ધિ સરળતાથી અને કોઈ પણ પ્રકારની આડઅસર વગર થાય છે. આ મુખ્ય ઔષધીય ઉપયોગ ઉપરાંત તે ફૂડ પ્રોસેસિંગમાં, કાપડ-ઉદ્યોગમાં સાઇઝિંગ માટે, કાગળના સાઇઝિંગ માટે તથા સૌંદર્યપ્રસાધનોમાં આધારદ્રવ્ય તરીકે વાપરવામાં આવે છે.

આજે આ રસાયણની માંગ વધી  રહી છે કારણ કે ઔષધ ઉપરાંત આઇસક્રીમ, ચૉકલેટ, કેન્ડી, સૌંદર્યપ્રસાધનો, ટેક્સ્ટાઇલ, કાગળ વગેરેમાં તેનો ઉપયોગ વધ્યો છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં આ છોડ પર ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ નામક સંસ્થાએ ઘણું કામ કર્યું છે અને છતાં હજી વધુ સંશોધનની જરૂર છે.

ધંતૂરા, હાયોસાઇએમસ વગેરે (ટ્રોપેન પ્રકારનાં આલ્કેલૉઇડ ધરાવતા છોડ) : ટ્રોપેન પ્રકારનાં આલ્કેલૉઇડ જેમાં હાયોસાયમીન, હાયોસીન અથવા સ્કોપૉલેમાઇન તથા ઍટ્રોપીનનો સમાવેશ થાય છે તે વિવિધ વનસ્પતિમાંથી મળતાં રસાયણો છે અને ઔષધ તરીકે તેમનો ઘણો ઉપયોગ થાય છે. તે ઉધરસ તથા કફને મટાડવાનો ગુણ ધરાવે છે. આથી તે શ્વાસનળી અને આંતરડાના ઘણા બધા રોગોના ઇલાજ માટે વપરાય છે.

ટ્રોપેન પ્રકારનાં આ આલ્કેલૉઇડ મેળવવા માટે વપરાતા છોડમાં (1) ધતૂરાની વિવિધ જાતો (Datura sp.) (2) હાયોસાઇમસ (sp.), (3) એટ્રોપા, (sp.) (4) દુબોઇસિયા, (sp.) (5) સ્કોપોલિયા તથા ફાયસોક્લેઇના વગેરેનો સમાવેશ થાય છે.

ધતૂરાની વિવિધ જાત (sp.) (Datura) : આ વનસ્પતિની જાતોમાં ધતૂરા મીલ; ડી. માટેલ લિનન; ડી. સ્ટ્રેમોનિયમ લિનન; ડી. સાન્ડવિનિયા સુઇઝ અને પાવ; વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં ઉપર દર્શાવેલ છોડમાંથી ટ્રોપેન આલ્કેલૉઇડ કાઢવામાં આવે છે. ધતુરા ઇન્નોક્સિયા મીલ નામક જાત સમગ્ર ભારતમાં ઊગે છે અને તેમાં 0.2%થી 0.3% આલ્કેલૉઇડ હોય છે જેમાં 90% સ્કોપૉલેમાઇન હોય છે.

ધતૂરા મેટલ લિન જાત દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવે છે. યુરોપના અમુક દેશોમાં તે ખાસ કરીને હાયોસીન પ્રાપ્ત કરવા જ ઉગાડાય છે તેમાં 0.5%થી 0.6% કુલ આલ્કેલૉઇડ આવેલાં છે અને 75%થી વધુ હાયોસીન તથા બાકીનું હાયોસાઇમીન હોય છે.

ધતૂરાની સ્ટ્રેમોનિયમ લિનન ભારતના ઉત્તરીય પર્વતો પર વધુ જોવા મળે છે. અમુક યુરોપીય દેશો પણ તે ઉગાડે છે. તેમાં 0.3%થી 0.4% કુલ આલ્કેલૉઇડ હોય છે, જેમાં 75% જેટલું હાયોસાયમીન અને બાકીનું હાયોસીન મળે છે. વિકસિત તથા અવિકસિત, એમ બંને પ્રકારના દેશોમાં, જ્યાં બીમારીમાં આ બંને આલ્કેલોઇડ જરૂરી હોય ત્યાં આ છોડને કાચા સ્વરૂપ(crude form)માં વાપરવામાં આવે છે. ભારતમાં તે મોટેભાગે જમ્મુ તથા કાશ્મીરમાંથી મળતા છોડમાંથી પ્રાપ્ત કરાય છે.

ધતુરા સાન્ડવિનિયા રૂઇઝ અને પાવ નામક જાતો ઉત્તર અમેરિકાના દેશોમાં વધુ થાય છે અને તેમાંથી 2% હાયોસીન મળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આ પ્રકારનો છોડ ઉછેરવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પણ તે નિષ્ફળ નીવડ્યા હતા.

બેલાડોના (એટ્રોપા જાત : Atropa) : બેલાડોના નામનું ઔષધ એટ્રોપાની વિવિધ જાતોનાં મૂળ તથા ટોચની ડાળીમાંથી મેળવવામાં આવે છે. આ વિવિધ જાતોમાં મુખ્યત્વે એટ્રોપા બેલાડોના લિનન તથા એટ્રોપા એક્યુમિનેટા રૉયલનો સમાવેશ થાય છે. અન્ય દેશોમાં તે એટ્રોપા બેલાડોનામાંથી જ્યારે ભારતમાં તે એટ્રોપા એક્યુમિનેટામાંથી મેળવાય છે. મૂળે તે યુરોપનો છોડ છે અને તેનું સંવર્ધન ઇંગ્લૅન્ડ, જર્મની, રશિયા, અમેરિકા તથા ભારતમાં કરવામાં આવ્યું છે.

પહેલાં તો આ ઔષધની માંગ વનમાંથી મળતી વનસ્પતિમાંથી પૂરી પડાતી હતી પણ તેના અમર્યાદિત ઉપયોગોને કારણે આ વનસ્પતિની જાત ભયમાં આવી પડી છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ ઍરોમૅટિક પ્લાન્ટ્સ, લખનૌ ખાતે આ છોડ પંદર વર્ષથી ઉગાડાય છે અને વાર્ષિક 25થી 30 ટન જેટલું ઔષધ-ઉત્પાદન કરવામાં આવે છે. જે દેશની જરૂરિયાત માટે પૂરતું બની રહે છે. બેલાડોનાના છોડના મૂળનું ચૂર્ણ આંતરડાં તથા તેના રોગો જેવા કે કોલિક પેઇન અને પેપ્ટિક અલ્સરમાં રાહત તરીકે વાપરવામાં આવે છે. પાર્કિન્સન જેવા રોગમાં પણ તેનો ઔષધ તરીકે બહોળો ઉપયોગ થાય છે. બેલાડોના હોમિયોપેથીમાં પણ ચિકિત્સા અર્થે વાપરવામાં આવે છે. આધુનિક ચિકિત્સામાં તેનો સંપૂર્ણ આલ્કેલૉઇડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સૉલેનસી કુટુંબનો આ એક એવો છોડ છે જેનો ઉપયોગ 4,000 કરતાં વધુ વર્ષથી થતો આવ્યો છે. તેનો વધુ ઉપયોગ સંભવિત છે કારણ કે તેના જે ખાસ ગુણધર્મો છે તે અન્ય સોલેનિયસ વનસ્પતિમાં નથી.

હેનબાન : હાયોસાયમસ મ્યુટિક્સ તથા હાયોસાઇમસ નાઇજર : કાળા હેનબાન (Black Henbane) તરીકે ઓળખાતા હાયોસાયમસ નાઇજર(Hyoscyanus niger L.)નાં પર્ણોમાંથી 0.01%થી 0.1% જેટલો કુલ આલ્કેલૉઇડ જેમાં 75% હાયોસાઇમીન તથા 25% જેટલું હાયોસીન હોય છે તે મળે છે. જોકે તે કાચા ઔષધ તરીકે જ વપરાય છે. તે સોલેનસી કુટુંબનો છોડ છે.

ઇજિપ્તનું રહેવાસી એવું ઇજિપ્શિયન હેનબાન હાયોસાઇમસ મ્યુટિક્સ એલ. તરીકે ઓળખાય છે. તેમાં ટ્રોપેન આલ્કલૉઇડ સારી માત્રામાં હોવાથી તે ઍટ્રોપીન તથા હાયોસાયમીન આલ્કેલૉઇડ સંશ્લેષિત કરવા માટે ખૂબ પ્રમાણમાં વપરાય છે. ઇજિપ્ત ખાતે તે જંગલી છોડોમાંથી મેળવાય છે જ્યારે અમેરિકામાં કૅલિફૉર્નિયા ખાતે તેને પદ્ધતિસર ઉગાડવામાં આવે છે. તેનાં પાંદડાંમાં 0.5%થી 1.5% કુલ આલ્કેલૉઇડ હોય છે જેમાં 70% થી 90% હાયોસાઇમીન અને બાકીનું હાયોસીન રસાયણ હોય છે. આ રસાયણો આંતરડાંના રોગો, ઝાડા વગેરેની ચિકિત્સા માટે વપરાય છે. હાયોસીન મધ્યવર્તી ચેતાતંત્ર પર પણ અસર કરે છે. પાર્કિન્સન રોગમાં પણ હાયોસાયમીન વાપરવામાં આવે છે.

આ છોડ ભારતમાં લખનૌ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ ઍરોમૅટિક પ્લાન્ટ્સ ખાતે સફળ રીતે પદ્ધતિસર ઉગાડાય છે અને તેનું મોટા પાયા પર ઔષધ માટે ઉત્પાદન થાય છે. અહીં આ છોડમાંથી ઍટ્રોપીન તથા હાયોસાયેમીન મેળવવાની તકનીક પણ વિકસાવવામાં આવી છે. દેશની જરૂરિયાત પૂરી કરવા માટે આ છોડ ગંગાનાં સપાટ મેદાનોમાં ઉગાડી શકાય તેમ છે.

દુબોઇસિયા જાત : દુબોઇસિયાની બે મુખ્ય જાતો છે જેમાંથી હાયોસીન, હાયોસાયમીન તથા ઍટ્રોપીન આલ્કેલૉઇડ મળે છે. મૂળ તો આ ઑસ્ટ્રેલિયાનું ઝાડ છે જેની બે જાત ધંધાકીય રીતે વિકસાવાઈ છે : દુબોઇસિયા માયોરોપોઇડ્સ આર. બ્રાઉન તથા ડી. લેઇચારડટીઆઇ એફ મોએલર.

ડી. માયોરોપોઇડ્સના પાંદડામાં 2%થી 3.5% કુલ આલ્કેલૉઇડ હોય છે જેમાં 60% હાયોસાયમીન તથા 30%થી વધુ હાયોસીન યા સ્કોપૉલેમાઇન હોય છે. ડી. લેઇચારડટીઆઇમાં 1.5%થી 3% જેટલાં કુલ આલ્કેલૉઇડ આવેલાં છે જેમાં 60%થી વધુ હાયોસાઇમીન અને 30% હાયોસીન હોય છે. ઑસ્ટ્રેલિયા તથા ક્વિન્સલૅન્ડમાં તે જંગલી અવસ્થામાં મળતા ઝાડમાંથી મેળવાય છે. તાજેતરમાં આ બંને જાતમાંથી એક સંકર જાત વિકસાવાઈ છે જેમાં આલ્કેલૉઇડ તથા નિકોટીનની માત્રા વધુ છે. હવેથી ઑસ્ટ્રેલિયા આવા સંકર ઝાડ જ આ માટે ઉગાડે છે.

તાજેતરમાં આ જાતને ઉછેરવા માટે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ ઍરોમૅટિક્સ પ્લાન્ટ્સ દ્વારા લખનૌ તથા બૅંગ્લોરમાં સફળ પ્રયત્ન થયો છે. લખનૌમાં જોકે આ ઝાડના છોડ અમુક જીવાતને કારણે નાશ પામ્યા પણ બૅંગ્લોરમાં તે સફળ રીતે ઊછરી રહેલ છે. તેનાં પર્ણોમાં 3%થી 4% (સરેરાશ 3.5%) આલ્કેલૉઇડની માત્રા પ્રાપ્ત થાય છે. ત્યાં આને લીધે ભારત હાયોસીન તથા હાયોસાઇમીનની નિકાસ કરી શકશે.

ફાયસોક્લેઇન પ્રેઇઆલ્ટા માઇર્સ (physochlaina praealta miers) : આ છોડ લડાખ, જમ્મુ તથા કાશ્મીરમાં વેરાન જગ્યાઓએ વધુ પ્રમાણમાં ઊગે છે. તેનાં પર્ણો 0.6%થી 0.7% જેટલાં કુલ આલ્કેલૉઇડ ધરાવે છે જેમાં મુખ્યત્વે હાયોસાયમીન હોય છે. આ આલ્કેલૉઇડની માંગ વધુ નથી એટલે ભારતમાં લખનૌના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ (CIMAP) ખાતે આ છોડનો ઉપયોગ થાય છે. રશિયાએ તાજેતરમાં સ્કોપૉલેમાઇન આલ્કેલૉઇડ મેળવવા માટે આ છોડનો વિકાસ કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

ક્લેવિસેપ્સ પરપ્યુરા ફ્ર-ટુલ યા અર્ગોટ : વર્ષોથી અર્ગોટ (ergot) આલ્કેલૉઇડ જાણીતો છે. આ રસાયણ ક્લેવિસેપ્સ પરપ્યુરા નામક ફૂગ(fungi)ના સૂકા ભૂકામાંથી મળે છે જેને રાય (secale cereale inn) પર ઉછેરવામાં આવે છે. અર્ગોટમાં આમ તો 24 જેટલા આલ્કેલૉઇડ છે પણ તેમાં મુખ્ય છે અર્ગોટામીન. અર્ગોટામીન અને અર્ગોટૉક્સિન જૂથનાં આલ્કેલૉઇડ ઔષધમાં વપરાય છે. મુખ્યત્વે આ રસાયણો મધ્યવર્તી ચેતાતંત્રને સતેજ કરવા, આંતરડાની બીમારીઓમાં કે કોથ (ઉતિનાશ), (gangrene) વગેરેમાં ખાસ વપરાય છે. આધાશીશી (migraine) જેવા માથાના દુખાવામાં પણ તેને વાપરવામાં આવે છે. આ આલ્કેલૉઇડની ઊલટી, અમૂંઝવણ વગેરે ઘણી આડઅસરો છે.

પહેલાંના સમયમાં આ બધાં રસાયણો તથા અર્ગોટ આલ્કેલૉઇડ પરોપજીવી સ્રોત યા ફૂગમાંથી જ મેળવાતાં હતાં. પણ હવે વિવિધ પદ્ધતિઓ વિકસવાને લઈને તેમનો મોટાભાગનો જથ્થો નિમગ્ન આથવણ (submerged fermentation) પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. આ પદ્ધતિથી પ્રથમ લાયસર્જિક ઍસિડ મેળવાય છે ત્યારબાદ તેને અર્ગોમેટ્રિન આલ્કેલૉઇડમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી અર્ગોટૉક્સિન વગેરે અન્ય આલ્કેલૉઇડ બનાવવામાં આવે છે.

અત્યાર સુધી આ ઔષધરસાયણોની જરૂરિયાત વિદેશથી આયાત કરીને પૂરી કરવામાં આવતી હતી. પણ હવે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ–લખનૌ ખાતે નવી તકનીકનો વિકાસ થવાથી છેલ્લાં પંદર વર્ષથી તે ભારતમાં 12થી 15 ટન જેટલું (આત્મનિર્ભર થવા જેટલું) બનાવવામાં આવે છે. આખાયે વિશ્વમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ ઍરોમૅટિક પ્લાન્ટ્સ–લખનૌએ અર્ગોટ આલ્કેલૉઇડ માટે શ્રેષ્ઠ જાત(strain)નાં બીજનો વિકાસ કર્યો છે. તે માટે ચાર જાત ઉપયોગમાં લેવાય છે. અર્ગોટામીન જાત આશરે 0.7% કુલ આલ્કેલૉઇડ ધરાવે છે જેમાં 70%થી 90% અર્ગોટામીન હોય છે. આલ્કેલૉઇડનો જથ્થો આબોહવાની સ્થિતિ પર આધાર રાખે છે. દા.ત., કાશ્મીરી આબોહવામાં આલ્કેલૉઇડનો જથ્થો 60%થી 70% જેટલો હોય છે પણ તામિલનાડુના પર્વતીય વિસ્તારમાં અર્ગોટામિનનો જથ્થો 90% જેટલો ઊંચો જાય છે. અર્ગોટૉક્સિન જાત 0.7% કુલ આલ્કેલૉઇડ અને તેમાં 70% જેટલું અર્ગોટૉક્સિન ધરાવે છે.

તાજેતરમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટે અર્ગોક્રિપ્ટિન આલ્કેલૉઇડ આપતી જાતનો વિકાસ કર્યો છે જે 0.7% કુલ આલ્કેલૉઇડ અને 55% કરતાં વધુ અર્ગોક્રિપ્ટિન ધરાવે છે.

રાઓલ્ફિયા સર્પેન્ટિના (સર્પગંધા; rauwolfia serpentina or serpent wood) : ચરક અને સુશ્રુતના જમાનાથી આયુર્વેદમાં ઊંચા રક્તદબાણ (blood pressure) ઘટાડવા માટે સર્પગંધા નામક છોડનાં મૂળિયાંનો અર્ક યા ચૂર્ણ અપાતું આવ્યું છે. વાનસ્પતિક વર્ગીકરણમાં રાઓલ્ફિયા સર્પેન્ટિના બેન્થ. એક્સ. કુર્ઝ તરીકે ઓળખાય છે. તેની અન્ય જાતો છે આર. વૉમિટૉરિયા અફઝલ.

આર. સર્પેન્ટિના ભારત, શ્રીલંકા, થાઇલૅન્ડ તથા બાંગ્લાદેશમાં ઘણે ઠેકાણે ઊગતી વનસ્પતિ છે. જ્યારે આર. વૉમિટૉરિયા ઝૅઇર જેવા પશ્ચિમી-આફ્રિકન દેશોમાં મળી આવે છે. રાઓલ્ફિયાના મૂળિયામાં ત્રણ ડઝન કરતાં પણ વધુ આલ્કેલૉઇડ મળી આવે છે પણ સામાન્ય રીતે ઔષધમાં વપરાતા ત્રણ મુખ્ય છે : રિસર્પીન, રિસ્સીનામીન તથા ડિસર્પીડીન. આ ત્રણેય રાઓલ્ફિયા સર્પન્ટિનામાંથી પ્રાપ્ત થાય છે જ્યારે રિસર્પીન તથા અજમેલીન આર. વૉમિટૉરિયામાંથી મળે છે. આ બંનેમાંથી મળતા ઉપર્યુક્ત આલ્કેલૉઇડ લોહીના ઊંચા દબાણને ઘટાડવા તથા પ્રશાંતક (tranquilizers) તરીકે વપરાય છે.

ભારતમાં આ વનસ્પતિ કોઈ ઉગાડતું નથી પણ કુદરતી રીતે જ મળતા જથ્થામાંથી તે મેળવાય છે. તેનાં સંપૂર્ણ અર્ક તથા મૂળિયાનાં ચૂર્ણની માંગ હજી પણ ખૂબ ઊંચી છે. આથી આ વનસ્પતિના છોડ પર વધુ સંશોધન કરી તેમાં આલ્કેલૉઇડનો જથ્થો વધે તેવી જાતો તૈયાર કરવી જરૂરી છે. આર. વૉમિટૉરિયા જે ભારતમાં બહુ ઉગાડાતો નથી તેને પણ ઉગાડવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

ઉપર્યુક્ત ઔષધો કુદરતી ચૂર્ણ યા અર્કનાં રૂપમાં કોઈ ખાસ આડઅસરો ધરાવતાં નથી; માટે તે વધુ ઉપયોગી સાબિત થયાં છે.

ડિજિટાલિસ : જેમાંથી કાર્ડિયાક ગ્લાઇકોસાઇડ મળે છે. એવા ઘણા છોડ છે. તેમાં અગત્યના છે : ડિજિટાલિસ પરપ્યુરિયા લિનન અને ડી લેનાટા અહર્થ. ડી. પરપ્યુરિયાનો હાલમાં પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય છે પણ ડી. લેનાટાનાં પર્ણોમાંથી ડિગૉક્સિન તથા લેનાટોસાઇડ સી જેવાં કાર્ડિયાક ગ્લાઇકોસાઇડ મેળવાય છે. આ ઔષધો હૃદયરોગમાં વાપરવામાં આવે છે. વિશ્વની કાર્ડિયાક ગ્લાઇકોસાઇડની જરૂરિયાત યુરોપ દ્વારા પૂરી કરવામાં આવે છે. તેની માંગ મર્યાદિત હોવાથી તે જલ્દીથી ઊગી શકે તેમ હોવા છતાં પણ ભારતમાં તે માટે પ્રયત્ન થતો નથી.

ગ્લિસરાઇઝા ગ્લાબ્રા યા લિકોરીસ. (glycyrrhiza glabra Linn) : જેઠીમધ લિકોરિસ વાનસ્પતિક નામ ગ્લિસરાઇઝા ગ્લાબ્રા). સૂકવેલાં મૂળ તથા પ્રકંદ (rhizome) પ્રકારનાં થડનો ભૂકો યા ચૂર્ણ હોય છે. તેની અન્ય જાતોમાં જી. ટાઇપિકા રજી. તથા હર્ડ (સ્પૅનિશ લિકોરિસ), જી. ગ્લેન્ડયુલિફેરા વાલ્ડસ્ટેઇન (રશિયન લોકોરિસ) તથા જી. વાયોલેસિયા બોઇસ્સ (ટર્કિશ લિકોરિસ) એ જાણીતા છોડ છે.

લિકોરિસ એ નાનો છોડ છે જે મોટેભાગે દક્ષિણ યુરોપમાં, એશિયા, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનમાં ઊગે છે. હાલમાં તેની જરૂરિયાત રશિયા, તુર્કી, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન દ્વારા પૂરી પડાય છે. તેનું મુખ્ય રસાયણ એક સેપોનિન પ્રકારનો ગ્લાઇકોસાઇડ છે જેને ગ્લિસીર્હિઝીન કહે છે. તેનું પ્રમાણ 5%થી 20% જેટલું હોય છે. કાચા અર્કનો ઉપયોગ ઉધરસમાં તથા સોજા મટાડવા માટે ખૂબ થાય છે. તદુપરાંત કેટલાંક ઔષધોના અણગમતા સ્વાદને સુધારવા પણ તે ઉમેરાય છે. વાયુથી થતા જઠરીય (gastric) વ્રણ (ulcer) તથા ગ્રહણી (duodenal) વ્રણમાં તેનો શુદ્ધ કરેલ અર્ક કાર્બિનોક્સોલોન ઔષધ સાથે વાપરવામાં આવે છે. પેટમાં કે નાના આંતરડાના અગ્રમાં (ગ્રહણીમાં) થતાં ચાંદાં તથા ચામડીના રોગો માટે ગ્લિસીર્હટિક ઍસિડ વાપરવામાં આવે છે.

ઔષધક્ષેત્ર ઉપરાંત પણ લિકોરિસ ટૂથપેસ્ટ તથા માઉથવૉશ, શ્વાસશુદ્ધિનાં દ્રાવણો વગેરેમાં છૂટથી વાપરવામાં આવે છે. ભારતમાં તેની માંગ 600થી 700 ટન જેટલી છે જે વિદેશી આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. આવતાં થોડાંક વર્ષોમાં તેની માંગ વાર્ષિક 1,000 ટન થવા વકી છે. આથી ગુજરાત, રાજસ્થાન વગેરેમાં રહેલ ફાજલ જમીનમાં જ્યાં ઓછો વરસાદ પણ માફક આવે ત્યાં ઉગાડવાની પ્રયત્નો થઈ શકે. આ રસાયણના નિકાસની તકો પણ ઉજ્જ્વળ છે કારણ કે તે નિર્દોષ ઔષધ હોઈ ચાંદાં/વ્રણ માટે નિ:સંકોચ વાપરી શકાય છે અને તેની કોઈ આડઅસરો નથી.

પેરિવિન્કલ યા કેથેરન્થસ રોસિયસ : પેરિવિન્કલ યા કેથેરન્થસ રોસિયસ એ આધુનિક ચિકિત્સાક્ષેત્રે છેલ્લાં 15–20 વર્ષથી જાણીતું બન્યું છે. આ ઔષધ પર્ણો તથા મૂળ બંનેમાંથી મેળવાય છે. તે સમગ્ર દેશમાં ઊગે છે પણ આડેધડ ભેગું કરવાથી અમુક ઠેકાણે તેનો સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો છે. દક્ષિણ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુમાં તે થોડા પ્રમાણમાં થાય છે.

આમ તો આ છોડમાં સો જેટલાં આલ્કેલૉઇડ હોય છે જેમાંનાં અજમેલિસીન યા રાઉબેસીન આધુનિક ચિકિત્સામાં વપરાય છે. આ રસાયણ હૃદયનાં સ્પંદનો નિયમિત કરવા માટે યા કર્ણક-ક્ષેપકનું આકુંચન-પ્રસરણ નિયમિત કરવા માટે વપરાય છે. તે ઓરિક્યુલર ફાઇબ્રિલેશન કંટ્રોલ કહેવાય છે. આ છોડનાં પર્ણો વિન્કિસ્ટ્રિન તથા વિન્બ્લાન્કિન નામનાં બે કૅન્સરપ્રતિરોધક આલ્કેલૉઇડ ધરાવે છે. આ છોડનાં પર્ણો, મૂળ તથા આલ્કેલૉઇડના અમુક ભાગની નિકાસ થાય છે. કેટલીક ભારતીય કંપનીઓ પેરિવિન્કલ યા બારમાસીમાંથી અજમેલિસીન ઉત્પાદન કરવાનો પ્રૉજેક્ટ હાથ પર લઈ રહી છે.

સીફાએલિસ જાત યા આઇપીકાક : આઇપીકાક રસાયણ સૂકવેલા મૂળ તથા પ્રકંદ પ્રકારના થડનું ચૂર્ણ છે જે સિફાએલિસ આઇપીકાકુ. આન્હા બ્રોટેરો તથા એ. રિચાર્ડ છોડમાંથી મળે. બીજી જાતને રિઓ અથવા બ્રાઝિલિયન આઇપીકાક કહે છે. અન્ય જાતોમાં સી. એક્યુમિનારા, કારસ્ટેઇન જેને કારટાજીના યા નિકારાગુઆ યા પનામા આઇપીકાક તરીકે ઓળખવામાં આવે છે.

મૂળે આ નાનો, પાતળો બ્રાઝિલનિવાસી છોડ છે. મર્યાદિત માત્રામાં તે ભારત તથા મલયેશિયામાં ઉગાડાય છે. આ સિવાય તે પનામા, નિકારાગુઆ તથા કોલંબિયામાં પણ થાય છે. તેના મૂળમાં ઘણાં આલ્કેલૉઇડ હોય છે, જેમાં ઇમેટીન અને સાયકોટ્રીન અગત્યનાં છે. મૂળમાં 2%થી 2.5% કુલ આલ્કેલૉઇડ હોય છે. જેમાં B ઇમેટીન હોય છે. આ ઔષધ તેના કાચા સ્વરૂપમાં ઊલટી તથા ઉધરસ માટે વપરાય છે. જોકે તેનો મુખ્ય ઉપયોગ ઇમેટીન મેળવવામાં થાય છે જે અમીબાથી થતા મરડા, ચૂંક માટેનું ખાસ ઔષધ છે.

અમી મજૂસ : આ ઔષધ અમી મજૂસ એલ. છોડનાં બીજમાંથી મેળવાય છે. તે મૂળ ઇજિપ્તનો છોડ છે અને તાજેતરમાં જ ભારતમાં તેનો પ્રવેશ થયો છે. મોટાભાગનું ઔષધ જમ્મુ તથા કાશ્મીરના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ ઍરૉમૅટિક પ્લાન્ટ્સ ખાતે અને થોડા પ્રમાણમાં ઉત્તર ભારતમાં ઉત્પાદિત થાય છે. છેલ્લાં 5–6 વર્ષથી તેનું ભારતમાં 50થી 60 ટન જેટલું ઉત્પાદન કરવામાં આવે છે. આમાં નિકાસને અવકાશ છે. આ છોડનાં બી ફ્યુરાનોકૂમારિન ધરાવે છે જે ઝાન્થોટૉક્સિન તરીકે ઓળખાય છે અને કોઢ(leucoderma)ની સારવારમાં વપરાય છે. તે સૂર્યસ્નાન (sun-bath) દરમિયાન લગાડાતા લોશન જેને સન-ટેન કહે છે તેમાં પણ વપરાય છે.

સ્ટ્રિક્નોસ નક્સ વૉમિકાલિન. : આ છોડનાં બીજનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં 1219 મીટરની ઊંચાઈએ આ છોડ ઠેર ઠેર મળે છે, ઉપરાંત તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ તથા ઉત્તર પ્રદેશ, ઓરિસા, ઉત્તર કાનડા તથા કોંકણમાં પણ ખૂબ ઊગે છે. મોટાભાગનું આ ઔષધ ઓરિસા, આંધ્રપ્રદેશ તથા તામિલનાડુથી આવે છે. વાર્ષિક લગભગ 1200 ટન જેટલાં બીજ એકઠાં કરવામાં આવે છે. સારાં વર્ષોમાં આ આંકડો 2000 ટન સુધી પહોંચી જાય છે.

આ બીજમાં આશરે 0.3%થી 0.4% આલ્કેલૉઇડ હોય છે. જેમાં 50% સ્ટ્રિકસિન હોય છે. આયુર્વેદિક સારવારમાં નક્સ વૉમિકા વપરાય છે પણ આધુનિક સારવારમાં તેનો ઉપયોગ બંધ થઈ ગયો છે. તે મધ્યવર્તી ચેતાતંત્રને ક્રિયાશીલ બનાવે છે અને મર્યાદિત રૂપમાં શ્વસનક્રિયાશીલતા બતાવે છે. કડવાશ તરીકે બ્રૂસિનનો મર્યાદિત ઉપયોગ થાય છે.

બરબેરિસ જાતો : આ ઔષધ બરબેરિસ તથા મેહોનિયાની વિવિધ જાતોમાંથી મેળવાય છે અને આ માટે તેનાં મૂળ તથા પ્રકંદનો ઉપયોગ થાય છે. આ વનસ્પતિ જમ્મુ તથા કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મર્યાદિત રીતે નીલગિરિ પર્વત પર ઊગે છે. ઉત્તર ભારતમાં સામાન્ય રીતે બરબેરિસ એરિસ્ટાટા રોક્સબ થાય છે. અન્ય જાતોમાં બી. એસિયાટિકા ડી.સી. અને બી. લાયસિયમ મુખ્ય છે. તેઓ 1%થી 2% બરબેરિન ધરાવે છે. આ છોડનાં વાર્ષિક આશરે 600થી 700 ટન જેટલાં મૂળની નિકાસ થાય છે.

બરબેરિન મુખ્યત્વે ઝાડા (tropical diarrhoea) બંધ કરવા માટે જાપાન તથા અન્ય દક્ષિણ-પૂર્વનાં દેશોમાં વપરાય છે. અમુક મર્યાદિત સંજોગોમાં તે આંખના રોગોમાં પણ વપરાય છે. જાપાનમાં તેનું માત્ર 2થી 7 ટન જેટલું ઉત્પાદન થાય છે.

પપાયા તથા પપૈઇન : પપૈયાનાં ઝાડ (વાનસ્પતિક નામ Carika papaya Linn)માંથી મોટાભાગનાં પેપ્ટોલિટિક ઉત્સેચકો (peptolytic enzymes) મળે છે તે સમગ્ર ભારતમાં ઉગાડવામાં આવે છે. આ પપૈયાનાં ફળમાંથી ઝરતા દૂધ(latex)માં પપૈઇન નામનો પ્રોટીન-અપઘટક (proteolytic) ઉત્સેચક હોય છે. પપૈઇનનું ઉત્પાદન કરનાર દેશોમાં ભારત, શ્રીલંકા, ઝૅઇર, યુગાન્ડા, કેન્યા, ફિલિપાઇન્સ, કેમરૂન તથા કેરેબિયન ટાપુઓનો સમાવેશ થાય છે. વિશ્વનાં બજારને કેન્યા તથા ઝઇર જેવા આફ્રિકન દેશો પપૈઇન પૂરું પાડે છે.

આંતરડાં તથા વાયુના રોગો, અજીર્ણ (dyspepsia) વગેરેમાં પપૈઇન પાચક ઉત્સેચક તરીકે બહોળી માત્રામાં વપરાય છે. ડિપ્થેરિયામાં તે ડિપ્થેરસ બૅક્ટેરિયાનાં ઉપરી પડને ઓગાળવામાં તથા જ્યાં થ્રોમ્બોપ્લાઝમા જરૂરી ન હોય તેવી વાઢકાપમાં લોહી જામી જતું અટકાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તે મુખ, શ્વાસનળી તથા અન્નનળીની અનિયમિતતામાં પણ વપરાય છે. હાલમાં તેના ઔષધીય ઉપયોગો પ્રમાણમાં ઓછા થઈ ગયા છે પરંતુ ખોરાક-ઉદ્યોગક્ષેત્રે તે વધુ વપરાય છે. તેના અન્ય પણ ઘણા ઉપયોગો છે.

પપૈઇનનું વાર્ષિક ઉત્પાદન 18થી 20 ટન જેટલું છે જે 100 ટન સુધી લઈ જઈ શકાય તેમ છે. વિકસિત દેશોમાં ઔષધ-ઉદ્યોગ તથા ખોરાક ઉદ્યોગ માટે તેનું ઉત્પાદન વધારવું આવશ્યક ગણાયું છે.

ઔષધીય તેલો ધરાવતાં છોડ/ઝાડ : એવી કેટલીક વનસ્પતિ છે જેમાં છોડ અથવા તો ઝાડ પોતાનાં પર્ણોમાં અમુક ખાસ તેલ (બાષ્પશીલ તેલ/સુગંધિત તેલ) (essential oils) ધરાવે છે. આ તેલો અર્કપદ્ધતિથી કાઢવામાં આવે છે અને તેનો ઔષધક્ષેત્રે ઉપયોગ થાય છે.

આકૃતિ 1 : વનસ્પતિમાંથી મળતાં રસાયણોની સંરચના

આકૃતિ 2 : વનસ્પતિમાંથી મળતાં રસાયણોની સંરચના

આકૃતિ 3 : વનસ્પતિમાંથી મળતાં રસાયણોની સંરચના

આવાં અગત્યનાં તેલોમાં પ્રથમ આવે છે નીલગિરિ યા યુકેલિપ્ટસનું તેલ જે ઝાડનાં પર્ણોમાંથી કાઢવામાં આવે છે. જાપાનીઝ મિન્ટ તેલ આવું બીજું અગત્યનું તેલ છે જેને મેન્થા એવેન્સીસ છોડમાંથી કઢાય છે. પીપરમિન્ટનું તેલ મેન્થા પાઇપેરિટા એલ.માંથી કાઢવામાં આવે છે. અન્ની બીજનું તેલ પાઇપિનેલા એનિસમમાંથી મેળવાય છે. કિલ તેલ એન્થેનમ ગ્રેવિઓલેન્સ લિન.માંથી પ્રાપ્ત થાય છે અને લવિંગનું તેલ (clove oil) યૂજેનિયા કેરીફાઇલાટામાંથી મળે છે.

ભારતમાં નીલગિરિનું તેલ વ્યાપક રીતે ઉત્પન્ન થાય છે જે યુકેલિપ્ટસ ગ્લોબ્યુલસ લેબિલ નામક ઝાડમાંથી મળે છે. આ બધાં તેલ વાનાં દર્દોમાં શરીર પર મસાજ કરવા માટે યા તો દાંતના દુખાવા વગેરેમાં વપરાય છે.

વનસ્પતિમાંથી મળતાં ક્રિયાશીલ રસાયણો અને તેની રાસાયણિક રચના આકૃતિ 1, આકૃતિ 2 તથા આકૃતિ 3માં દર્શાવવામાં આવ્યાં છે. અત્યારનો કોઈ ભયાનક રોગ હોય તો તે છે એઇડ્ઝ (AIDS). આ રોગમાં શરીરની પ્રતિકાર શક્તિ સંપૂર્ણ નષ્ટ થઈ મૃત્યુ નીપજે છે. આ રોગ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ(એચ.આઇ.વી.)થી થાય છે. વનસ્પતિમાંથી મળતાં કેટલાંક રસાયણો એચ.આઇ.વી. પ્રતિરોધક હોય છે. આ રસાયણો તથા તેની રચના આકૃતિ 3માં દર્શાવી છે. ઔષધક્ષેત્રે વપરાતાં વાનસ્પતિક રસાયણો અને તેના ઉપયોગો સારણી 1માં દર્શાવાયાં છે, જ્યારે ઔષધમાં અર્ક તરીકે વપરાતા છોડની યાદી સારણી 2માં આપવામાં આવી છે.

સારણી 1 : ઔષધમાં વપરાતા છોડનાં અગત્યનાં રસાયણો
ક્રિયાશીલ રસાયણો છોડ/વનસ્પતિનું કાચું દ્રવ્ય ઔષધીય ક્રિયાશીલતા
1. સ્ટીરૉઇડલ હોર્મોન્સ (ડાયોસ્જેનિન, હેકોજેનિન અથવા સોલોસેડિનમાંથી સંશ્લેષિત) ડાયોસ્કોરિયા (dioscorea sp.)

અગેવ (agave sp.)

સૉલેનમ (solanum sp.)

હરેક પ્રકારના સોજામાં (antiinflammatory) સંધિવા માટે (antiarthritic) હૉર્મોન તરીકે
2. મૉર્ફિન (morphine) કોડીન (codeine) પાપાવરિન (papaverine) પાપાવર સોમ્નિફેરમ એલ. (papaver somniperum L. /અફીણ યા ખસખસ) તણાવનાશક (sedative)

ઊલટીશામક (antitussive) સ્નાયુદર્દશામક (smooth muscle relaxant)

3. કેફેઇન કેમેલિયા સિનેન્સિસ એલ. (camellia sinensis L.) મધ્યવર્તી ચેતાતંત્ર ક્રિયાશીલ કરનાર

(cns stimulant)

4. ક્વિનીન

ક્વિનિડીન

સિન્કોના (cinchona sp.) સિન્કોના (cinchona sp.) મલેરિયામાં (antimalarial) હૃદયનાં અનિયમિત પ્રસરણ માટે (antiarrthric)
5. બરબેરિન (berberine) બરબેરિસ. (berberis sp.) ઝાડામાં (antidiarrrhoeal)
6. ગ્લિસીર્હીનિક ઍસિડ (glycyrrhenic acid) ગ્લિસીર્હિઝા ગ્લાબ્રા (glycyrrhiza glabra L. જેઠીમધ) હરેક પ્રકારના સોજામાં  (antiinflammatory)
7. વિન્ક્રિસ્ટીન (vincristine) વિન્બ્લાસ્ટીન (vinblastine) કેથેરમ્થસ રોઝીયસ. (એલ) (catharanthus roseus યા બારમાસી) ઁકૅન્સરવિરોધી ઔષધ (anticancer)
8. પ્સાઇલિયમ મ્યુસિલેજ (psyllium mucilage) ઇસબગુલ યા પ્લાન્ટેગો ઓવાટા (plantago ovata forsk) જુલાબકારી (laxative)
9. હાયોસાયમીન (hyoscyamine)

હાયોસીન (hyoscine)

 

એટ્રોપિન

ધતૂરાની જાતો (datura sp.)

હાયોસાયમસ મ્યુટિકસ (hyoscyamus

muticus L., Duboisia sp.)

પરાનુકમ્પીતંત્રિકારોધક (parasympatholytic)
10. કોકેન ઇરીથ્રોક્સીલમ કોકા લેમ. નિશ્ર્ચેતક (anesthetic)
11. સીનોસાઇડ કાસિયા એન્ગસ્ટિફોલિયા (મીઢીઆવળ સોનામુખી) કાસિયા એક્યૂટીફોલિયા (L. acutifolia) જુલાબકારક (laxative)
12. ડિગૉક્સિન લેનાટોસાઇડસ ડિજિટાલિસ લાનાટા અહર્હ. (Digitalis lanata ehrh) હૃદયનિયમિતતા (cardiotonic)
13. અર્ગોમેટ્રિન

અર્ગોટામિન

અર્ગોટોક્સિન

ક્લેવિસેપ્સ પરપ્યુરી (claviceps purpurea fr. Tul) હૃદયની વિવિધ તકલીફોમાં (oxytocic, vasoconstrictor, vasodialator)
14. રિસર્પીન

રેસિનામિન

ડિસરપિડીન

સર્પગંધા યા રાઓલ્ફિયા સર્પેન્ટિના (Rauwolfia serpentina Benth. ex kurz, R. Canescens L.) રાઓલ્ફિયા વૉમિટૉરિયા (R. vomitoria) રક્તચાપના ઊંચા દ્બાણના નિયમન માટે (Hypotensive)

વાસોડાયલેટર (vasodialator)

15. ઇફેડ્રીન

સ્યૂડોઇફેડ્રીન

ઇફેડ્રા જાત (Ephedra sp) અનુકમ્પી ચેતાતંતુ ક્રિયાશીલ કરવા માટે (sympathomimetic)

 

16. વિન્કામીન વિન્કા માઇનોર (vinca minor L., બારમાસી) વાસોડાયલેટર(vasodialator) – રક્તવાહિનીઓને લગતું
17. અજમેલિસિન કેથરેન્થસ રોઝીયસ (c. roseus) વાસોડાયલેટર
18. પિલોકાર્પીન પિલોકાર્પસ જાબોરાન્ડી હોમ્સ અનુકમ્પી ચેતાતંતુ ક્રિયાશીલ કરવા માટે.
19. ઇમેટિન સીફાલિસ આઇપેક કુઆના (c. Ipecacuanha, cephaelis acuminata) પેટનાં દર્દ માટે (antiamoebic)

સારણી 2 : ઔષધમાં કાચા અર્ક (crude extracts) તરીકે વપરાતા છોડ

  1. ગ્લિસીરહિઝા ગ્લાબ્રા
  2. એલોય (Aloe sp., કુમારપાઠુ)
  3. બેલાડોના (Atropa belladonna)
  4. ડિજિટાલિસ (Digitalis purpurea)
  5. રહુબાર્બ (Rheumofficinatle R. palmatum)
  6. આઇપીકાક (Cephaelis ipecacuanha)
  7. પોડોફોયલમ (Podophyllum peltatum; P. emodi)
  8. ઓપિયમ (Papaver Sommifrum)
  9. કેપ્સિરકમ ઓલિઓરેઝીન (Capsicum annum)
  10. હેનબેન (Hyoscyamus niger)
  11. વેલેરિઅન (Valeriana wallichii)
  12. સ્ટ્રેમોનિયમ (Datura stramonium)
  13. કાસ્કેરા સાગ્રેડા (Rhamus prushiana)

યોગેન્દ્ર કૃ. જાની

મૂકેશ પટેલ