પીટીટ, દીનશા માણેકજી (સર) (જ. 30 જૂન 1823, મુંબઈ; અ. 5 મે, 1901 મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને લોકહિતૈષી દાનવીર. સૂરતથી સ્થળાંતર કરીને મુંબઈ આવેલા સમૃદ્ધ પારસી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. 14 વર્ષની વયે અભ્યાસ છોડીને તેમણે નોકરી સ્વીકારી; પરંતુ તેમની રુચિ વેપાર અને ઉદ્યોગ તરફ હોવાથી નોકરી છોડીને તેમણે વેપાર શરૂ કર્યો અને થોડાં વર્ષોમાં કાપડમિલની સ્થાપના કરી, મુંબઈમાં 1858થી 1898 દરમિયાન વિકસેલા કાપડ-ઉદ્યોગના તેઓ એક પ્રણેતા બની રહ્યા. બ્રિટિશ બનાવટના કાપડની સામે ભારતમાં ઉત્પાદિત થયેલું કાપડ ગુણવત્તાની હરીફાઈમાં વિદેશી બજારમાં ટકી શકે તે રીતે તેમણે કાપડ-ઉદ્યોગનું ચીવટપૂર્વક આયોજન કર્યું. સાથોસાથ કામદારોના કલ્યાણની પણ કાળજી રાખી. 1875માં મુંબઈ મિલમાલિક મંડળની સ્થાપના કરી અને 1879થી 1894 સુધી તેના તેઓ પ્રમુખ રહ્યા. તેમની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન મુંબઈ શૅરબજાર, મુંબઈ વેપારી મહામંડળ, મુંબઈ મ્યુનિસિપાલિટી અને મુંબઈ યુનિવર્સિટીના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી અને મુંબઈના શેરિફ બન્યા. 1887માં વાઇસરૉયની કાઉન્સિલમાં તેઓ સભ્ય તરીકે નિમાયા.
ઉદ્યોગપતિ ઉપરાંત તેઓ તેમની સામાજિક સેવાઓ અને દાનપ્રવૃત્તિ વડે જાણીતા બન્યા હતા. વળી મુંબઈમાં વિક્ટોરિયા જ્યુબિલી ટૅક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે, મુંબઈ અને પુણેમાંની કન્યાશાળાઓ માટે, મહારાષ્ટ્રના અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં કુમારશાળાઓ, ગ્રંથાલયો, સંગ્રહસ્થાનો, દવાખાનાં, કુષ્ઠરોગીઓ માટેનાં આશ્રયસ્થાનો, પશુપક્ષીઓ માટેની પાંજરાપોળો, સામાન્ય જનસમૂહ માટેની ધર્મશાળાઓ, ગુજરાત-મહારાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ પારસી અગિયારીઓ અને ભારત તથા ઈરાનમાં દખમૂ (પારસી સ્મશાનગૃહો) વગેરેના નિર્માણ માટે તેમણે પારાવાર દાન કર્યાં.
ઉદારતા અને પરોપકારવૃત્તિ જેવા સદગુણોના કારણે તેઓ તત્કાલીન ભારતીય પ્રજામાં અત્યંત પ્રિય હતા.
જયન્તિલાલ પો. જાની