અતિપ્રસંગ : સંસ્કૃત ન્યાયશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. ‘અતિપ્રસંગ’ એટલે અતિસંબંધ, અર્થાત્ કોઈ એક સિદ્ધ હકીકત સમજાવવા અપાયેલા અયોગ્ય ખુલાસા દ્વારા અણધારી રીતે થતો અન્ય સિદ્ધ હકીકતોનો નિષેધ. એને ‘અતિવ્યાપ્તિ’ પણ કહે છે. આ એક તર્કદોષ છે. કોઈ સિદ્ધ હકીકતને સમજાવવા માટે તર્કથી રજૂ કરાયેલો સિદ્ધાંત/પદાર્થ જ્યારે પેલી હકીકતની સમજૂતી આપવા સાથે અન્ય અસત્ હકીકતને પણ સિદ્ધ કરી બેસે ત્યારે તે કલ્પના(તર્ક)માં અતિપ્રસંગદોષ આવે છે, તે કલ્પના ખંડિત થાય છે; દા. ત., ચક્ષુ આદિ દ્વારા રૂપાદિના જ્ઞાનનો ખુલાસો કરવા ઇન્દ્રિયના વિષય સાથેના સંન્નિકર્ષ(=સંયોગ)નો સિદ્ધાંત કલ્પીએ તો ચક્ષુના રસ (=સ્વાદ) સાથે પણ સન્નિકર્ષ હોવાથી ચક્ષુ દ્વારા રસજ્ઞાન પણ માનવું પડે, જોકે તેમ થતું નથી. આથી એ સિદ્ધાંતમાં અતિપ્રસંગદોષ આવે છે. તેને બદલે ઇન્દ્રિયના વિષયસન્નિકર્ષ ઉપરાંત ઇન્દ્રિયની વિષયગ્રહણયોગ્યતાને પણ જરૂરી માનતાં સિદ્ધાંત અતિપ્રસંગમુક્ત બનીને ઇષ્ટ ખુલાસો આપે છે.
નીતિન ર. દેસાઈ