પારેખ મંગળદાસ ગિરધરદાસ
January, 1999
પારેખ, મંગળદાસ ગિરધરદાસ (જ. 6 જૂન 1862, અમદાવાદ; અ. 6 ડિસેમ્બર 1930, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રજાપ્રિય પરોપકારી સજ્જન. તેમનો જન્મ સાધારણ આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં થયો હતો.
20 વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી સુતરાઉ કાપડની મિલમાં ટૂંકા પગારથી તેમણે નોકરીની શરૂઆત કરી હતી. નોકરી દરમિયાન કાપડ-મિલ-ઉદ્યોગની ખૂબીઓ અને ખામીઓ બરાબર સમજી લીધી ને નોકરી છોડી અને મિલ-સ્ટોર તથા રંગનો વેપાર શરૂ કર્યો. તેમાં સારી કમાણી થવાથી તથા કાપડ-મિલ-ઉદ્યોગનો અનુભવ હોવાથી અમદાવાદમાં 1893માં 8,000 ત્રાક(spindles)વાળી આર્યોદય મિલની સ્થાપના કરી.
દીર્ઘદૃષ્ટિ અને હોશિયારીના કારણે થોડાં વર્ષમાં તે મિલમાં 38,000 ત્રાક અને 1,200 સાળ (looms) નાખીને તેને ખૂબ સારા પાયા ઉપર મૂકી. ધીમે ધીમે આ ઉદ્યોગમાં આગળ વધીને અમદાવાદમાં બીજી રાજનગર મિલ, મુંબઈમાં વિક્ટોરિયા અને જ્યૂબિલી મિલ તથા વિરમગામ, કડી અને કલોલમાં કપાસ લોઢવાનાં જિન શરૂ કર્યાં. સ્વઉપાર્જિત અઢળક કમાણીમાંથી દવાખાનાં અને શિષ્યવૃત્તિઓ જેવાં લોકોપયોગી કામ શરૂ કરીને તથા મંદિરો અને પાંજરાપોળોમાં દાન આપીને તેમણે પરોપકારી સજ્જન તરીકે લોકચાહના સંપાદન કરી હતી. અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં તેમના નામનું નગરગૃહ (town-hall) છે, તે તેમની લોકપ્રિયતાનું પ્રતીક છે.
જયન્તિલાલ પો. જાની