પાતર, સુરજિત (જ.14 જાન્યુઆરી 1945, પાતર કલાં, જાલંધર, પંજાબ) : પંજાબના જાણીતા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હનેરે વિચ સુલગદી વર્ણમાલા’ (The Alphabet Smouldering in the Darkness) માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે અત્યાર સુધીમાં લખેલાં લગભગ 200 કાવ્યો 3 કાવ્યસંગ્રહોમાં પ્રગટ થયાં છે. તે છે : ‘હવા વિચ લિખે હરફ’, ‘બિરખ અર્જ કરે’ અને પુરસ્કૃત કૃતિ ‘હનેરે વિચ સુલગદી વર્ણમાલા’. માત્ર આ 3 કાવ્યગ્રંથો દ્વારા તેમને પંજાબીની ભવ્ય કાવ્યસર્જનપરંપરામાં પ્રતિષ્ઠા મળી છે. તેમણે લૉર્કા, બ્રેખ્ત અને ગિરીશ કર્નાડનાં નાટકોનો પંજાબીમાં અનુવાદ કર્યો છે.
તેઓ પંજાબ સાહિત્ય અકાદમી પુરસ્કાર, પાશ પુરસ્કાર અને દશાબ્દી કવિ સન્માનથી સન્માનિત કરાયા છે.
તેમનાં કાવ્યોમાં તાજી અને ભાવાત્મક કલ્પનાનું ઉડ્ડયન હોય છે. તેમાં સાંપ્રત વાસ્તવિકતાને સમકાલીન ભાષાપ્રયોગમાં રજૂ કરાઈ છે. સૂફી મત, ભક્તિમુખી રહસ્યવાદ અને ગુરુ નાનકથી શરૂ કરીને આધુનિકતાવાદ અને પ્રગતિશીલ વિચારધારા સુધીની વિભિન્ન અસરોનો તેમાં અનોખો સમન્વય પ્રગટ થાય છે.
પુરસ્કૃત કૃતિ તેમાં પ્રગટ થતી કવિની નૈતિક નીડરતા, વેદના પ્રત્યેની સહાનુભૂતિ તેમજ વતનપરસ્તીની સંવેદના, ચિંતનપરાયણતા અને સઘન ઊર્મિશીલતા તથા કલાવૈવિધ્ય તેમજ અલંકારનાવીન્યને કારણે ભારતીય સાહિત્યમાં અમૂલ્ય પ્રદાનરૂપ છે.
બળદેવભાઈ કનીજિયા