પ્રયુક્ત મનોવિજ્ઞાન
વાસ્તવિક જીવનના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયોજાતું મનોવિજ્ઞાન. સાચા વૈજ્ઞાનિક વિજ્ઞાનક્ષેત્રની શુદ્ધ પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત રહી નવા નવા સિદ્ધાંતો શોધીને વિજ્ઞાનને સમૃદ્ધ બનાવે છે; પણ આખરે આ બધું કોના માટે ? આવો પ્રશ્ન જેના મનમાં ઉત્પન્ન થયો તે વૈજ્ઞાનિકો માનવતાવાદી વૈજ્ઞાનિકો થયા.
છેલ્લાં વર્ષોમાં માનવતાવાદી ર્દષ્ટિબિંદુ વધુ ને વધુ સ્વીકારાતું જાય છે અને તદનુસાર શુદ્ધ વિજ્ઞાનમાં શોધાયેલા સિદ્ધાંતોનો માનવકલ્યાણ માટે ઉપયોગ કરવાની દિશામાં વૈજ્ઞાનિકો વળ્યા છે. મનોવિજ્ઞાનમાં પણ અન્ય વિજ્ઞાનોની જેમ સિદ્ધાંતોની વ્યવહારક્ષમતા અને માનવજીવનની સમસ્યાઓના નિરાકરણમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો વિનિયોગ કરવાનું વલણ વધ્યું છે. સિદ્ધાંતનું સિદ્ધાંત તરીકે જે મૂલ્ય હોય છે તે કરતાં જ્યારે તે જીવનની વ્યાવહારિક સમસ્યાના ઉકેલ માટે ઉપયોગમાં લેવાય છે ત્યારે તે સિદ્ધાંતોનું મૂલ્ય ઘણું વધી જાય છે. આ વાત અન્ય વિજ્ઞાનો કરતાંય મનોવિજ્ઞાનને વધારે સ્પર્શે છે, કારણ કે મનોવિજ્ઞાનનું ધ્યેય માનવવર્તનને સમજ્યા પછી તેને નિયંત્રિત કરી તે અંગે આગાહી કરવાનું છે. પ્રયુક્ત મનોવિજ્ઞાનના ઉદભવની ભૂમિકામાં મનોવિજ્ઞાનનું આ ધ્યેય રહેલું છે.
મનોવિજ્ઞાનને વ્યાવહારિક ઉપયોગોની દિશામાં વાળવાનું કામ નીચેનાં પરિબળોએ કર્યું.
(1) સમાજની જરૂરિયાતોને પહોંચી વળવું : બહુ જ મર્યાદિત સાધનસંપત્તિ સાથે વધતી જતી વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવું એ જરૂરત પરનું સૌથી મોટું સંકટ છે. માણસ માત્ર એક પ્રાણી તરીકે નહિ, પણ સામાજિક એકમ તરીકે જીવે છે. આ વાતને કેન્દ્રમાં રાખીએ તો સમાજની જરૂરિયાતોને સંતોષવી એ કેટલી મોટી સમસ્યા છે ! આ બાબતના આર્થિક પાસાને બાજુએ રાખીએ તોપણ જીવનમાંથી નિષ્પન્ન થતી અનેક સમસ્યાઓના ઉકેલના ફલસ્વરૂપે ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, સલાહ-મનોવિજ્ઞાન, ચિકિત્સા-મનોવિજ્ઞાન, ગ્રાહ્ય મનોવિજ્ઞાન, સમુદાય-મનોવિજ્ઞાન, પ્રત્યાય-મનોવિજ્ઞાન, ઇજનેરી મનોવિજ્ઞાન, તબીબી મનોવિજ્ઞાન, માનસિક સ્વાસ્થ્ય-મનોવિજ્ઞાન, આરોગ્ય-મનોવિજ્ઞાન, પર્યાવરણ-મનોવિજ્ઞાન, મિલિટરી-મનોવિજ્ઞાન, કાયદાશાસ્રીય મનોવિજ્ઞાન, ગુનાશાસ્રીય મનોવિજ્ઞાન જેવી અનેક શાખાઓ અને પ્રશાખાઓ વિકસી છે. એની યાદી એટલી બધી લાંબી થાય છે કે તેનો માત્ર ઉલ્લેખ કરવાનુંય મુશ્કેલ બને. અમેરિકન સાઇકોલૉજિકલ એસોસિયેશનના વાર્ષિક અધિવેશનમાં દરેક વર્ષે નવી ને નવી શાખાઓ અને ઉપશાખાઓ ઉમેરાતી જાય છે; પણ અભ્યાસની સરળતા ખાતર તેને મુખ્ય વિસ્તારોમાં વહેંચી દેવામાં આવે છે. આથી જ એમ કહેવું વધારે સાચું છે કે પ્રયુક્ત મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની કોઈ શાખા નહિ, પણ વિશાળ વિસ્તાર છે; જેના દ્વારા મનોવિજ્ઞાનીઓ સમાજજીવનના – માનવજીવનના ખૂણેખૂણાને આવરી લેવા પ્રયાસ કરે છે.
(2) મનોવિજ્ઞાનને વધુ સંબંધિત અને અર્થપૂર્ણ બનાવવું : પ્રયુક્ત મનોવિજ્ઞાનના વિકાસને પોષતું બીજું પરિબળ એ છે કે મનોવૈજ્ઞાનિકો મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને વધુ અર્થપૂર્ણ બનાવવા મથે છે. માનવજીવનની સમસ્યાઓના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવવાથી મનોવિજ્ઞાનના સિદ્ધાંતો વધારે અર્થપૂર્ણ બને છે. તેનું નવું સંશોધન હવે એ દિશામાં વળ્યું છે, જેમાં સિદ્ધાંતો વધારે વ્યવહારક્ષમ હોય. કોઈ એક સત્ય કે હકીકત ત્યારે જ વધારે મહત્વની બને છે, જ્યારે તેનો કોઈ ઉપયોગ હોય. સંશોધનનું સુકાન હવે આ દિશા તરફ વળેલું છે. વ્યવહારમાં તેનો ઉપયોગ થવાથી, એ અનુભવની અસરથી ઉપયોગી થવાની ક્ષમતા બહુ ઝડપથી વધી રહી છે.
(3) પ્રયુક્ત મનોવિજ્ઞાનના વિકાસને પોષતું ત્રીજું પરિબળ એ છે કે તે શોધાયેલા સિદ્ધાંતોને વધારે પુષ્ટ કરે છે અને આધાર આપે છે. વ્યાપ્તિતર્કથી શોધેલી અનુભવવાદી હકીકતોને જેમ નિગમનતર્ક દ્વારા ચકાસવામાં આવે તેમ શુદ્ધ મનોવિજ્ઞાનને કે સૈદ્ધાંતિક મનોવિજ્ઞાનને વ્યવહારની એરણ પર કસોટીએ ચઢાવવાથી તેની ત્રુટિઓ, ખામીઓ, મર્યાદાઓ, અધૂરપો વગેરેની ખબર પડે છે અને તે નિવારી તેને વધુ ઉપયોગક્ષમ બનાવી શકાય છે. જો મૂળ સિદ્ધાંત સાચો લાગે તો તેનો વધારે આત્મવિશ્વાસથી ઉપયોગ થાય છે. કોઈ કચાશ હોય તો તેને સુધારી વધારે સંપૂર્ણ બનાવાય છે અને ખોખલા કે અર્ધવૈજ્ઞાનિક સિદ્ધાંતો નકામા જણાતાં ઉપયોગમાંથી તે રદ કરી શકાય છે. ક્યારેક એકથી વધુ સંશોધનમાં આવતાં વિરોધી પરિણામોથી સિદ્ધાંતનું પુનર્ઘડતર થાય છે.
પ્રયુક્ત મનોવૈજ્ઞાનિકની લાયકાત અને યોગ્યતા : પ્રયુક્ત મનોવૈજ્ઞાનિક એક વ્યાવસાયિક નિષ્ણાત હોય છે, જેની સલાહથી લોકો પોતાના જીવનની સમસ્યાઓ ઉકેલવાના હોય છે. તે બધી રીતે સક્ષમ હોય એ બહુ જ જરૂરી છે. સામાન્ય રીતે મનોવિજ્ઞાનના વિષયમાં જે તે શાખામાં તેણે ઓછામાં ઓછી સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ ઉપરાંત આ જ ક્ષેત્રમાં તેણે તે પછીની ડિપ્લોમા અથવા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. પોતાના ક્ષેત્રને લગતી ડિગ્રી ઉપરાંત સઘન તાલીમ પણ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. તે વ્યાવસાયકિ આચારસંહિતાનું પાલન કરી શકે તેટલો ‘નૉર્મલ’ હોવો જોઈએ. વારંવાર પુનરાવર્તન પામતી વ્યાવસાયિક આચારસંહિતાથી તે પરિચિત હોવો જોઈએ અને આચારસંહિતાનું પાલન કરતો હોવો જોઈએ. આ બાબતમાં તે મનોવિજ્ઞાનને અને પોતાના ગ્રાહકને વફાદાર હોવો જોઈએ અને કોઈ પણ રીતે વિશાળ જનસમુદાયને પણ નુકસાન ન કરતો હોવો જોઈએ.
જેમ કોઈ જ્ઞાનનો ઉપયોગ માનવકલ્યાણ માટે કરી શકે તેમ તેનો દુરુપયોગ લોકોના નુકસાન માટે પણ કરી શકે. આથી જ પ્રયુક્ત મનોવૈજ્ઞાનિક પૂરતી લાયકાત ધરાવતો, તાલીમ પામેલો અને વ્યાવસાયિક જવાબદારીને પૂરેપૂરી રીતે સમજતો હોવો જોઈએ.
પ્રયુક્ત મનોવૈજ્ઞાનિક પોતાના ક્ષેત્રમાં કામ કરવા માટે જે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે તે વિશે તેની પાસે પર્યાપ્ત જ્ઞાન અને ઉપયોગ વિશે સૂઝ હોવાં જોઈએ. તે પોતાના કાર્યનું દસ્તાવેજીકરણ અને સંશોધન કરતો હોવો જોઈએ અને પોતાના ક્ષેત્રમાં રોજબરોજ થતા વિકાસથી પરિચિત રહેતો હોવો જોઈએ.
આ રીતે જોતાં સૈદ્ધાંતિક મનોવિજ્ઞાન પ્રયુક્ત મનોવિજ્ઞાનને લીધે ક્ષેત્રવિકાસ સાધે છે. પ્રયુક્ત મનોવિજ્ઞાનનો ઝડપી વિકાસ માનવજાત માટે ઉપયોગી હોવા ઉપરાંત મનોવિજ્ઞાનના સમગ્ર વિકાસની ઝડપમાં પણ ઉપકારક છે.
વળી, એક બીજી પણ અગત્યની વાત એ છે કે શુદ્ધ વૈજ્ઞાનિક માત્ર મનોવિજ્ઞાનમાં જ પારંગત હોય છે, જ્યારે પ્રયુક્ત મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાન ઉપરાંત જે ક્ષેત્રમાં તેનો વિનિયોગ થાય છે તે ક્ષેત્રનો પણ જાણકાર બને છે. ઉદ્યોગો કે ઔદ્યોગિક એકમોથી પરિચિત થયા વિના ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક બની ન શકાય. તેને મનોવિજ્ઞાન પણ આવડવું જોઈએ અને ઔદ્યોગિક એકમ વિશે પણ જાણકારી હોવી જોઈએ. આ રીતે જે તે વિષયશાખાનો મનોવૈજ્ઞાનિક જે તે વિષયક્ષેત્રો સાથેનો સંપર્ક ઘનિષ્ઠ રીતે જાળવી પોતાના કાર્યને વધારે પુષ્ટ બનાવે છે.
પ્રયુક્ત મનોવૈજ્ઞાનિક આમાંથી કોઈ એક કે એકથી વધુ સિદ્ધાંતોનો પોતાનાં તાલીમ, કૌશલ્ય અને આંતરસૂઝ પ્રમાણે ઉપયોગ કરે છે. તેની મૂળ વફાદારી તેના ગ્રાહક પ્રત્યે છે; સૈદ્ધાંતિક શુદ્ધિ પ્રત્યે નહિ. વિવિધ સિદ્ધાંતોના ઉપયોગથી તે પોતાના ગ્રાહકને શક્ય એટલી જલદી સમસ્યાઓને હલ કરવામાં મદદ કરે છે.
અત્યારે ભારતમાં કયા ક્ષેત્રમાં કેટલા પ્રયુક્ત મનોવૈજ્ઞાનિકો કામ કરે છે તેની મોજણી કરવાની જરૂર છે. અમેરિકામાં થયેલી એક મોજણી અનુસાર વિવિધ ક્ષેત્રે કામ કરતા પીએચ.ડી. કક્ષાના નિષ્ણાતોની ટકાવારી નીચે પ્રમાણે છે :
ક્ષેત્ર | પ્રયુક્ત મનોવૈજ્ઞાનિકોની ટકાવારી |
પ્રયોગલક્ષી અને શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકો | 14% |
વિકાસાત્મક, સમાજલક્ષી અને વ્યક્તિત્વ મનોવૈજ્ઞાનિક | 17% |
ચિકિત્સા સલાહ મનોવૈજ્ઞાનિકો | 41% |
શાળા-મનોવૈજ્ઞાનિક-શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક | 14% |
ઔદ્યોગિક અને ઇજનેરી મનોવૈજ્ઞાનિક | 9% |
અન્ય | 5% |
કુલ | 100% |
આ આંકડાઓ દેશકાળ અને જનસમુદાય પ્રમાણે બદલાતા રહે છે. આમ છતાં સામાન્ય વલણ કેટલેક અંશે આ યાદીમાં પ્રતિબિંબિત થતું જોઈ શકાય છે. સ્વાભાવિક રીતે જ શુદ્ધ મનોવૈજ્ઞાનિકો કરતાં પ્રયુક્ત મનોવૈજ્ઞાનિકોની સંખ્યા ઘણી વધારે હોય છે. અમેરિકામાં જનસમુદાયમાં માનસિક સ્વાસ્થ્યની પ્રવૃત્તિ નીચે પ્રત્યેક નાગરિકને આવરી લેવાનું ધ્યેય છે. પ્રત્યેક માણસને જિંદગીમાં કોઈ ને કોઈ તબક્કે પોતાના અંગત જીવનની મૂંઝવણ ઉકેલવા નિષ્ણાત મનોવૈજ્ઞાનિકની જરૂર પડે જ છે. આથી જ ચિકિત્સા-સલાહ મનોવૈજ્ઞાનિકોની સૌથી વધારે જરૂર પડે છે. બીજા નંબરે વ્યાવહારિક સમાજલક્ષી અને સમુદાયલક્ષી મનોવૈજ્ઞાનિકોનો ક્રમ આવે છે. જ્યારે મિલિટરી, ન્યાયસંકુલ કે ખેલકૂદના ક્ષેત્રે બધા મળીને માત્ર 5% મનોવૈજ્ઞાનિકો કામ કરતા જણાય છે. આવનારા સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે આથી વધુ મનોવૈજ્ઞાનિકોની જરૂર ઊભી થવાની શક્યતા સ્પષ્ટ રીતે સ્વીકારાય છે.
(ક) જનસમુદાય-માળખામાં પ્રયુક્ત મનોવિજ્ઞાન : જે પ્રયુક્ત મનોવૈજ્ઞાનિકો લોકોના જીવનમાં વિવિધ પાસાંઓ સાથે સીધા સંકળાયેલા છે તેમને આ ક્ષેત્રમાં આવરી લેવામાં આવે છે.
(1) ચિકિત્સા-મનોવિજ્ઞાન : ચિકિત્સા-મનોવિજ્ઞાનમાં માનસિક અને વાર્તનિક સમસ્યાઓથી પીડાતી વ્યક્તિઓનું નિદાન, સારવાર, અટકાયત વગેરે કરવામાં આવે છે. આ ઉપરાંત આ માટે તાલીમ-વ્યવસ્થા, શિક્ષણ અને સમુદાયને જાગ્રત કરવાના કાર્યક્રમો અને તે સંબંધી સંશોધનો કરવામાં આવે છે.
અમેરિકા અને કૅનેડાની અનેક યુનિવર્સિટીમાં નોંધાયેલા પીએચ.ડી. વિદ્યાર્થીઓની મોજણી પ્રમાણે તાજેતરમાં જ લગભગ 20,000 જેટલા એટલે કે મનોવિજ્ઞાન ક્ષેત્રે ડૉક્ટરેટનો અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓના ત્રીજા ભાગ જેટલા વિદ્યાર્થીઓ ચિકિત્સા-મનોવિજ્ઞાનમાં પ્રવૃત્ત છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આ સૌથી લોકપ્રિય શાખા છે. જેટલી બેઠકો છે તેના કરતાં 100 ગણી વધારે અરજીઓ આ ક્ષેત્રમાં નિષ્ણાત થવાના અભ્યાસક્રમો માટે આવે છે. અમેરિકન સાઇકોલૉજિકલ એસોસિયશનના કુલ સભ્યોમાં સૌથી મોટું જૂથ – 46% જેટલું – ચિકિત્સા-મનોવૈજ્ઞાનિકોનું છે.
ચિકિત્સા-મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને અન્ય પદ્ધતિનો ઉપયોગ કરી માત્ર રોગનું જ નહિ પણ રોગીનું નિદાન કરે છે. તેનું વ્યક્તિત્વ, તેના સંઘર્ષો, તેના રોગની લાક્ષણિકતા, તે પાછળના જ્ઞાત અને અજ્ઞાત હેતુઓ વગેરેનો અભ્યાસ કરી તેની સારવાર કરે છે અને તેના રોગને વધતો અટકાવે છે. તે પોતાના કાર્યમાં દવાઓનો કે ઇલેક્ટ્રિક શૉકનો નહિ પણ વાતચીતનો ઉપયોગ કરે છે. તે વ્યક્તિગત ભૂમિકાએ સામૂહિક રીતે કે સમુદાયજૂથમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સારવાર આપે છે.
સલાહ-મનોવિજ્ઞાન : જે વ્યક્તિઓને કોઈ માનસિક કે વાર્તનિક રોગ ન હોય પણ કોઈક ને કોઈક ક્ષેત્રે સમાયોજનની સમસ્યા હોય તેવી વ્યક્તિઓને મનોવૈજ્ઞાનિક સલાહકાર વ્યાવસાયિક મદદ કરે છે. કૌટુંબિક ક્ષેત્રે કૌટુંબિક સલાહકાર (family counseller) તરીકે, લગ્નજીવનમાં લગ્નજીવન-સલાહકાર (marital counseller), તરીકે માતા-પિતાની ભૂમિકામાં પાછા પડતા લોકોને પેરેન્ટલ કાઉન્સિલર તરીકે – એમ વિવિધ ક્ષેત્રે વિવિધ રીતે સલાહ, પરામર્શન અને માર્ગદર્શન આપવામાં આવે છે. સંખ્યાની ર્દષ્ટિએ જનસમુદાયનો ઘણો મોટો ભાગ જીવનના એક યા બીજા ક્ષેત્રમાં અને ઉંમરના કોઈ તબક્કામાં આ સેવા લેવાની જરૂરવાળો હોવાથી વ્યાવસાયિક ક્ષેત્રે આની ઘણી મોટા પાયે જરૂર પડી રહી છે. હજુ સામાન્ય જનસમુદાય આ પ્રકારની મનોવૈજ્ઞાનિક સેવા વિશે સભાન નથી અને એ સેવાઓ લેતાં અચકાય છે; પણ આ ક્ષેત્રનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો છે એ હકીકત છે.
આ ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતોના આંકડાઓ સ્પષ્ટ રીતે સુલભ નથી; કારણ કે કેટલાક ચિકિત્સા-મનોવૈજ્ઞાનિકો આ ક્ષેત્રમાં કામ કરે છે તો કેટલાક દેશોમાં તેને ચિકિત્સાના ક્ષેત્રમાં જ આવરી લેવાય છે. ઘણાખરા દેશોમાં લોકો આવી વ્યાવસાયિક મદદ વગર ચલાવી લે છે અથવા ધાર્મિક કે વડીલ વ્યક્તિઓનું માર્ગદર્શન લે છે. કેટલીક મનોવિજ્ઞાનની ન હોય તેવી વ્યક્તિઓ પણ આ ક્ષેત્રે કામ કરતી હોય છે.
સમુદાય-મનોવિજ્ઞાન : સમુદાય-મનોવૈજ્ઞાનિક પણ અન્ય પ્રયુક્ત મનોવૈજ્ઞાનિકની જેમ જ વિવિધ સંકુલોમાં સેવાઓ આપે છે; શાળા, માનસિક સ્વાસ્થ્યકેન્દ્ર, કુટુંબ-સલાહકેન્દ્ર વગેરેમાં. આ ઉપરાંત તે વર્તનસુધારણાની સંસ્થાઓમાં, પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેમજ જ્ઞાતિમંડળો, સત્તામંડળો, વહીવટી મંડળો, ધાર્મિક મંડળો વગેરેમાં કામ કરે છે. જે તે જનસમુદાયની મૂળ લાક્ષણિકતાઓની વચ્ચે જ, તે માળખાને દેખીતી રીતે ડહોળ્યા વિના જ, તે જૂથ માટે હસ્તક્ષેપ કરવાનાં જુદાં જુદાં પરિરૂપ (intervention models) તૈયાર કરીને, ચોક્કસ આયોજન કરીને, તબક્કાવાર, પરંપરાગત માંદી રીતિઓને – રૂઢિઓને તોડે છે અને તેની જગ્યાએ માનસિક સ્વાસ્થ્યપોષક વ્યાપક રાષ્ટ્રીય કાર્યક્રમને પોષક નવી રીતિઓને વિકસાવવામાં જૂથને પ્રવૃત્ત કરે છે. આમ કરવામાં તે સમુદાયમાં ઉપલબ્ધ સાધનસંપત્તિ(resources)નો ઉપયોગ કરે છે. સામાજિક પરિવર્તનને ઇચ્છનીય દિશામાં વાળવા માટેનો આ અત્યંત વૈજ્ઞાનિક રસ્તો છે; જેનાં પરિણામો સમાજસુધારણાના અન્ય રસ્તાઓ કરતાં વધુ અર્થપૂર્ણ, મૂલ્યાંકનક્ષમ અને વાસ્તવિક હોય છે.
આ રીતે પ્રયુક્ત-મનોવૈજ્ઞાનિક જનસમુદાયનું માનસિક સ્વાસ્થ્ય ઊંચું લાવી સમાજને વધુ સર્જનાત્મક, સુખી અને પ્રગતિશીલ બનવામાં મદદ કરે છે. આ ક્ષેત્ર પ્રમાણમાં નવું છે. સ્વાસ્થ્ય-સેવાસંકુલ, માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ, કુટુંબજીવન, પુનર્વસન, સરકારી તંત્ર અને ખુદ સામાજિક પરિવર્તનનું કાર્ય કરતી સંસ્થાઓમાં પણ આધુનિકીકરણ અને પ્રગતિશીલ કાર્યપદ્ધતિ દાખલ કરવા માટેનું પરિરૂપ તે બનાવે છે.
પ્રદૂષણ, બેકારી, યુદ્ધ, હિંસાખોરી, ભ્રષ્ટાચાર જેવાં વિશ્વવ્યાપક દૂષણો દૂર કરવા માટે પણ આ શાખાનો વિકાસ ખૂબ આશા ઊભી કરે છે.
આ ત્રણ વ્યાપક ક્ષેત્રો ઉપરાંત સ્વાસ્થ્ય-મનોવિજ્ઞાન, કાયદાનું મનોવિજ્ઞાન, ગુજરાનનું મનોવિજ્ઞાન જેવી શાખાઓ છે. પણ તેને ઉપર વર્ણવેલી ત્રણે શાખાઓમાં સમાવેલી હોઈ તેના કાર્યક્ષેત્રની અલગ ચર્ચા નથી કરી.
(ખ) માનવવિકાસ સંબંધિત મનોવિજ્ઞાન : આ ક્ષેત્રમાં કોઈ સમસ્યાનો ઉકેલ કેન્દ્રમાં હોતો નથી પણ માનવના જીવનપર્યંતના વિવિધ વિકાસ-તબક્કાઓ અને વિકાસની વિવિધ દિશાઓ વિશેની વૈજ્ઞાનિક માહિતી અને વિકાસાત્મક સિદ્ધાંતોનો ઉપયોગ કરી વ્યક્તિના વિકાસને સરળ બનાવવા, તેના વિકાસ આડેના અંતરાયો દૂર કરવા અને વિકાસોચિત વર્તનને ઉત્તેજન આપી તેની ગતિ ઇચ્છનીય દિશામાં વધારવા માટે આયોજન કરવામાં આવે છે. તેમાં પ્રયોજિત શૈક્ષણિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન, પ્રયોજિત રમત-ગમત-મનોવિજ્ઞાન અને પ્રયોજિત વિકાસાત્મક મનોવિજ્ઞાનનો સમાવેશ થાય છે.
પ્રયુક્ત શૈક્ષણિક મનોવિજ્ઞાન : બાળકના વિકાસના વિવિધ તબક્કાઓને ખ્યાલમાં રાખી શિક્ષણના કાર્યક્રમોનું આયોજન કરવામાં વિદ્યાર્થીની શક્તિઓ, બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરુચિઓ, વ્યક્તિત્વ-અભિમુખતા, તેની મર્યાદાઓ વગેરે બાબતોનું મૂલ્યાંકન કરી તેનું જે તે શૈક્ષણિક સ્તર અને દિશા નક્કી કરવામાં આ મનોવિજ્ઞાન ઉપયોગી છે. વિદ્યાર્થીની કારકિર્દી પસંદ કરવાની આખી પ્રક્રિયા અને તેને માટે જરૂરી અભ્યાસક્રમો અને વિવિધ ડિગ્રીઓ માટેનું આયોજન પણ આ ક્ષેત્રે સમાવિષ્ટ છે. અસરકારક શિક્ષણ-કાર્યક્રમમાં સ્મરણ-પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણ, વિચારપ્રક્રિયા, બોધ-વિકાસ, સમસ્યાઉકેલશક્તિ, શિક્ષણપ્રક્રિયા વગેરે બાબતોને લગતા સિદ્ધાંતોનો વિનિયોગ કરવામાં આવે છે. વળી વિદ્યાર્થીની લાગણીઓની માવજત, તેમનામાં રહેલી સ્પર્ધાત્મકતાનો વિકાસ, વિધાયક રીતે સ્વ-ખ્યાલનો વિકાસ વગેરે બાબતોનું મહત્વ સ્વીકારી તેના વિકાસનું પણ આયોજન કરવામાં આવે છે. તેમાં શાળાકીય સલાહ, શૈક્ષણિક-વ્યાવસાયિક સલાહ, કારકિર્દી- માર્ગદર્શન જેવા કાર્યક્રમો અપાય છે. તે ઉપરાંત તરુણાવસ્થાની લાક્ષણિકતા, પ્રત્યેક વયકક્ષાએ આંતરવૈયક્તિક સંબંધોનો વિકાસ, વ્યક્તિત્વવિકાસ, પુખ્તાવસ્થાની ખાસિયતો અને તેનો આવિષ્કાર, મધ્ય-વયસ્કની લાક્ષણિકતાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ વગેરે બાબતોને પણ તેની પ્રત્યેક શાખા-પ્રશાખા દ્વારા આવરી લેવાય છે.
આ ઉપરાંત ભણવા પ્રત્યેનો વિરોધ, વિદ્યાર્થીઓને વધુ પડતો તણાવ, અતિસ્પર્ધાત્મકતા, સમાજીકરણ, સમાજ-અભિમુખતા જેવી બાબતોને પણ સમાવવામાં આવે છે. સમુદાય-મનોવૈજ્ઞાનિકો પણ શાળાકીય અને શૈક્ષણિક બાબતોને યોગ્ય દિશામાં વાળવા માટે ‘હસ્તક્ષેપ-પરિરૂપો’ તૈયાર કરે છે અને સમાજ અને સરકાર તરફથી પ્રોત્સાહન મળતાં આશ્ચર્યજનક પરિણામો લાવે છે.
પ્રયુક્ત રમતગમત-મનોવિજ્ઞાન : રમતગમત (sports) એ વિકસતી વયમાં વ્યક્તિત્વવિકાસનું બહુ જ અસરકારક માધ્યમ છે. આ દિશામાં હવે ઘણા આધુનિક વૈજ્ઞાનિક-મનોવૈજ્ઞાનિક પરિમાણોનો વિકાસ થયો છે. રમતગમતના ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું મહત્વ અપાતું જાય છે. રમતગમત-મનોવૈજ્ઞાનિક આ ક્ષેત્રનો વ્યક્તિના મનોવૈજ્ઞાનિક વિકાસ માટે ખૂબ ઉપયોગ કરે છે. વળી સ્પર્ધાત્મકતાનો વિનિમય, ખેલદિલીનો વિકાસ, સફળતાની કક્ષામાં વધારો, રમતના અનુભવોમાંથી સમાજીકરણ-પ્રત્યક્ષીકરણમાં વિકાસ, મજ્જાકીય કાર્યમાં વેગ, મજ્જા અને સ્નાયુઓનું સંયોજન, લાગણીઓનો વિકાસ, આક્રમકતાનો આવિષ્કાર અને ઊર્ધ્વીકરણ, જૂથભાવના, રાષ્ટ્રીય ભાવના અને સહનક્ષમતા જેવાં અનેક પાસાંઓને લગતાં સંશોધનો અને તેનો વિનિયોગ કરે છે.
વ્યક્તિત્વ પરનું નિયંત્રણ, જાત અને સમાજ પ્રત્યે ફરજભાન, રમતનો ‘મૂડ’ ટકાવી રાખવો, વ્યક્તિત્વ અને કર્તૃત્વમાં સુગ્રથિત થવું અને સિદ્ધિ-પ્રેરણાને ટકાવી રાખવી, પ્રેરણા-કક્ષા ઊંચી લાવવી જેવાં અનેક ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત તાલીમી કાર્યક્રમોનું આયોજન થાય છે. સ્થાનિક કક્ષાનો ખેલાડી ઑલિમ્પિક ખેલાડી બની શકે તે દિશામાં જરૂરી બધી જ બાબતોની સૂક્ષ્મમાં સૂક્ષ્મ કડી શોધી તેમાં સંશોધનો થયાં છે. જોકે હજુ ‘આત્મવિશ્વાસ’ જેવા શબ્દનો તળપદો અને ઉપરછલ્લો અર્થ ધરાવતા ખેલાડીઓ અને સામાન્ય લોકો માટે રમતગમતમાં માનસોપચારનું કે રમતગમતમાં મનોવૈજ્ઞાનિક સલાહ-માર્ગદર્શનનું મહત્વ સમજવું મુશ્કેલ છે. તેથી જોઈએ એવો એનો ઉપયોગ થતો નથી. પણ આ દિશા વિકાસમાં ઝડપી બની રહી છે એ ચોક્કસ વાત છે.
(ગ) વ્યાપાર-વાણિજ્યના ક્ષેત્રમાં મનોવિજ્ઞાન : જીવનનાં અન્ય ક્ષેત્રોની સરખામણીમાં વ્યાપાર-વાણિજ્યનું ક્ષેત્ર સ્પર્ધાત્મકતા, નિપુણતા અને વિશિષ્ટીકરણની બાબતમાં સૌથી ઝડપી ગતિ કરતું ક્ષેત્ર છે. મલ્ટીનૅશનલ કંપનીઓ અને રાક્ષસી કદનાં મકાનો, રહેઠાણો, ઉદ્યોગો વગેરેને કારણે ઇજનેરી અને વ્યાપારી ક્ષેત્રે તીવ્ર હરીફાઈનું લક્ષણ મુખ્ય બનતું જાય છે. આ ઉપરાંત કમ્પ્યૂટર-સાહિત્યના પ્રત્યાયન અને વિશ્લેષણના વધતા જતા ઉપયોગવાળું આ ક્ષેત્ર એવું છે કે જેમાં નફો-નુક્સાન જેવાં પરિણામો, અન્ય ક્ષેત્રોના પ્રમાણમાં નજરે ચઢે તેવાં અને જલદી પ્રાપ્ત થાય છે; તેથી તેમાં આધુનિકીકરણ પણ ઝડપથી થાય છે. તેમાં મનોવૈજ્ઞાનિકોની સેવાઓનો પણ સમાવેશ થઈ જાય છે.
1. ઇજનેરી મનોવિજ્ઞાન : મનોવિજ્ઞાનની આ શાખામાં માનવીનો માત્ર માનવી તરીકે નહિ, પણ એક તંત્ર અથવા માળખાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. અમુક મશીનરી, વાતાવરણ કે માનવ-સંદર્ભમાં માનવીની વિશિષ્ટ શક્તિઓ એવી વિશિષ્ટ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી તે તંત્ર કે માળખાનો શક્ય એટલી વધુ સલામત રીતે, કુનેહપૂર્વક અને આનંદપૂર્વક સહજતાથી ઉપયોગ થઈ શકે. તેમાં મશીનો, સાધનો અને તંત્રનું એવી રીતે આયોજન કરવામાં આવે છે કે જેથી માણસ તેનો શક્ય એટલો વધુ ને વધુ ઉપયોગ કરે અને લાભ મેળવી શકે. તંત્રની રચનામાં સગવડ અને લાભ વધવા ઉપરાંત તેમાં સ્થળ, સામગ્રી, સમય વગરેની સાધનસંપત્તિની શક્ય એટલી કરકસર કરવી અને જરૂર હોય ત્યાં સહેજ પણ કરકસર ન કરવી એ સિદ્ધાંતે કામ કરવામાં આવે છે. આ નવા અભિગમથી રચના, ઉપયોગિતા અને લાભદાયક પરિણામો મેળવવામાં ઘણો ફાયદો થયો છે.
આ ઉપરાંત તેમાં સેવાઓ આપતા નિષ્ણાતોને વિકાસ અને આધુનિકીકરણનું કામ પણ ઘણું વૈજ્ઞાનિક અને ટેકનિકલ પદ્ધતિથી કરવાનું રહે છે. કાર્ય-સ્થળના આયોજનમાં, તાલીમમાં અને ઇજનેરી ક્ષેત્રની કાર્યક્ષમતા અને સફળતામાં વખતોવખત સુધારો થતો જ રહે તેવાં સંશોધનો પણ થતાં રહે છે. ટૂંકમાં, વાતાવરણના સંદર્ભમાં માનવ અને મશીન વચ્ચેની આંતરક્રિયામાં સતત દરેક તબક્કે કરવામાં આવતા આયોજનમાં માનવીને કેન્દ્રમાં રાખીને જ રચનાની પ્રક્રિયા કરવામાં આવે છે.
ઔદ્યોગિક અને સંસ્થાકીય મનોવિજ્ઞાન : આ શાખામાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં અને સંસ્થાકીય માળખામાં કાર્ય કરતા કાર્યકરો અને નિષ્ણાતોનો જે તે તાંત્રિક સંદર્ભમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે અને તેનાં તારણોનો ઉપયોગ કરીને આ તાંત્રિક રચના અને કાર્યપદ્ધતિમાં જરૂરી પરિવર્તનો કરી તેને વધુ સફળ અને કાર્યક્ષમ બનાવવામાં આવે છે. કાર્યકર્તાઓ અને નિષ્ણાતોના આંતરવૈયક્તિક સંબંધો, તેમની જે તે ભૂમિકા વિશેની સમજ, તે ભૂમિકા સિદ્ધ કરવાની નિપુણતા, તેનો વિકાસ તથા પ્રત્યાયન અને નેતૃત્વ જેવી બાબતોને ખીલવવા અને અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવે છે.
પશ્ચિમી દેશોમાં થયેલી એક મોજણી અનુસાર પ્રયુક્ત મનોવિજ્ઞાનક્ષેત્રે કામ કરતા કુલ મનોવૈજ્ઞાનિકોમાંથી 25.6% જેટલા નિષ્ણાતો ખાનગી પ્રૅક્ટિસ કરે છે. 25.3% જેટલા નિષ્ણાતો ઔદ્યોગિક એકમોમાં કામ કરે છે. 6.9% જેટલા સરકારી કે અર્ધસરકારી ક્ષેત્રમાં છે. 32.6% જેટલા નિષ્ણાતો કૉલેજ અને યુનિવર્સિટીઓમાં અધ્યાપન, તાલીમ અને સંશોધનોમાં પ્રવૃત્ત છે અને 8.2% જેટલા અન્ય નાનામોટા એકમોમાં પ્રવૃત્ત છે.
આ રીતે આ ક્ષેત્રના નિષ્ણાતો હવે કાર્યના સ્વરૂપમાં થતાં પરિવર્તનો સાથે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને સાંકળી રહ્યા છે. કાર્યના સ્વરૂપનું આ પરિવર્તન બહુ ઝડપથી થઈ રહેલા ઔદ્યોગિકીકરણને કારણે આવેલું પરિણામ છે. અણઘડ કાર્યશૈલીની જગાએ અસરકારક આધુનિક કાર્યશૈલી વિકસી રહી છે. નવો આકાર લેતા સમાજનું માળખું આર્થિક સધ્ધરતાની આસપાસ ગૂંથાતું જાય છે અને તે આ શાખા-પ્રશાખાના વિકાસનું મહત્વનું કારણ ગણાય છે.
ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઉપરાંત સંસ્થાકીય મનોવિજ્ઞાન, સંસ્થાકીય વિકાસ, માનવસાધન વિકાસ, સંપૂર્ણ ગુણવત્તા વિકાસ જેવી વિશિષ્ટ પ્રશાખાઓ પણ વિકસી છે.
વ્યાપારી અને ગ્રાહક મનોવિજ્ઞાન : વ્યાપાર હવે માત્ર પરંપરાગત, પેઢી દર પેઢીનો વ્યવસાય નથી; પણ એક વ્યવસ્થિત વૈજ્ઞાનિક ઢબની પ્રક્રિયા બન્યો છે. સામગ્રી વેચનાર વેપારી અને ખરીદનાર ગ્રાહકની વચ્ચે ચાલતી સમગ્ર પ્રક્રિયાને વધારે વૈજ્ઞાનિક, અસરકારક અને સંતોષપ્રદ બનાવવાની પદ્ધતિમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો વિનિયોગ કરવામાં આવે છે. હવે ‘અભણ’ વેપારી તથા અણઘડ અને અભણ ગ્રાહક ચાલી શકે નહિ. વેપારી પણ પોતાના વ્યવસાયમાં સાક્ષર બની રહ્યો છે. ગ્રાહકે પણ ખરીદનાર તરીકે તૈયાર થવું પડે છે. કોઈ એક જ વસ્તુના બજારમાં એટલા બધા વિકલ્પો હોય છે કે તેમાંથી કઈ વસ્તુ ખરીદવી એ ખૂબ તૈયારી માંગી લે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, રાષ્ટ્રીય વ્યાપાર, પ્રાદેશિક અને નાના પાયાની હાટડીઓ – આ સમગ્ર કાર્યક્ષેત્રનું આધુનિકીકરણ થઈ રહ્યું છે.
‘a’ માંથી માહિતી મળે છે (જાહેરખબર વગેરે). સામાજિક, આર્થિક પરિબળો તેમાં ઉમેરાય, બીજાના અભિપ્રાયો ઉમેરાય એ રીતે બધી માહિતી ‘a’માં ગ્રહણ થાય. ‘b’માં તેનો સંગ્રહ થાય. ‘c’ના વ્યક્તિલક્ષી પરિબળોના સંદર્ભમાં વિચારણા થાય. આ બધાંને અંતે ‘B’માં વપરાશકારની નિર્ણયનપ્રક્રિયા શરૂ થાય. મારે આ વસ્તુની કેટલા પ્રમાણમાં જરૂર છે તેની સભાનતા આવે, માહિતીને આધારે વિવિધ વિકલ્પો વિચારી જોવાય. આ બધાંના સંયુક્ત પરિણામ રૂપે નિર્ણય શાબ્દિક રીતે અભિવ્યક્ત થાય ત્યારે નિર્ણયન-પ્રક્રિયા પૂરી થાય. પછી ખરીદી થાય. સંતોષ અને જરૂરિયાત-તૃપ્તિનો આનંદ સાચો બને અને વાસ્તવિક નિર્ણય વધુ સંતોષપ્રદ બને. મનોવૈજ્ઞાનિકો વેચનાર અને લેનારના નિર્ણયોને દરેક નાના નાના તબક્કે સિદ્ધાંતોત્તમ ઉપયોગથી તે પ્રક્રિયાને વધુ વૈજ્ઞાનિક અને અસરકારક બનાવે છે. વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનની આ શાખામાં સંશોધન ખૂબ થાય છે. જેમ કે કેવી રીતે જાહેરાત કરવાથી માહિતી અસરકારક રીતે ગ્રાહક સુધી પહોંચાડી શકાય, છાપાના કયા ભાગમાં જાહેરખબર હોય તો વધુ ધ્યાન આકર્ષે, સાબુની પસંદગીમાં લોકો સુગંધને મહત્વ આપે છે કે આકાર અને રંગને, વગેરે બાબતોમાં ખૂબ ઝડપી સંશોધનો થતાં રહે છે. બીજી બાજુ ગ્રાહક જે પૈસા ખર્ચે છે, તેનો મહત્તમ સંતોષ કઈ રીતે લઈ શકે તેમાં પણ ખૂબ સંશોધનો થાય છે.
પ્રયુક્ત મનોવિજ્ઞાન માનવજીવનના ખૂણે ખૂણે પહોંચે છે. માનવ-જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં અને પ્રત્યેક પાસામાં યુદ્ધથી શરૂ કરી શાંતિનું પુન:સ્થાપન, માનસિક સારવાર, સલાહ-પરામર્શન, શાળા, કુટુંબ, લગ્નજીવન, એન્જિનિયરિંગ, ઔદ્યોગિક ક્ષેત્ર, વ્યાપાર, વપરાશ જેવાં અનેક ક્ષેત્રોની અનેક શ્રેણીઓને આવરી લે છે. પરંપરાગત શૈલીમાં માત્ર આંતરસૂઝ અને જ્ઞાન-અનુભવથી કામ લેવામાં આવતું; જ્યારે હવે તે જ સમસ્યાઓ વ્યાવહારિક નિષ્ણાતોની મદદથી, સંશોધનનાં પરિણામોથી વધારે વૈજ્ઞાનિક રીતે, ચોકસાઈ અને પૂર્ણતાથી ઉકેલવામાં મનોવૈજ્ઞાનિકો વ્યસ્ત છે.
પ્રતીક્ષા રાવલ