પંત, દિનુભાઈ (જ. 1917, પંથલ, જિ. ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર) : જાણીતા ડોગરી કવિ અને નાટ્યકાર. તેમને તેમના નાટક ‘અયોધ્યા’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ઔપચારિક શિક્ષણ ખાસ લીધું નહોતું. તેમણે માતાના અવસાન બાદ સ્થાનિક રામલીલા ક્લબ તરફથી ભજવાતાં નાટકોમાં ભાગ લીધો હતો. વળી કેટલાંક વર્ષો બાદ સંસ્કૃત અને હિંદીમાં ‘વિશારદ’ અને ‘પ્રભાકર’ની પદવીઓ મેળવેલી.
1948માં તેઓ સરકારી નોકરીમાં જોડાયા અને વિવિધ ખાતાંઓમાં કામગીરી કરી. તેમણે હિંદી તેમજ ડોગરી એમ બંને ભાષાઓમાં એકસરખી સહજતાથી લેખનકાર્ય કર્યું. 1944માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. અત્યાર સુધીમાં તેમની 9 કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં કાવ્યસંગ્રહો, નાટકો અને ભાષાંતરોનો સમાવેશ થાય છે.
‘સરપંચ’ નામક નાટકે તેમને નાટ્યકાર તરીકેની ખ્યાતિ અપાવી અને પ્રયોગશીલ ડોગરી નાટ્યમંચ માટે તેમનું એ મહત્વપૂર્ણ યોગદાન ગણાયું.
પુરસ્કૃત કૃતિ ‘અયોધ્યા’ રામાયણની એક કથા પર આધારિત સંપૂર્ણ નાટક છે. ઊંડી સામાજિક નિસબત, નિર્ભીક રચનાત્મક દૃષ્ટિ સાથેનો અભિગમ અને રંગમંચની અભિનવ પ્રયોગલક્ષિતાને કારણે આ કૃતિ સમકાલીન ડોગરી સાહિત્યમાં અનુપમ ગણાઈ છે.
બળદેવભાઈ કનીજિયા