પંડિત, શંકરરાવ વિષ્ણુ (જ. 1863; અ. 1917) : ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ભારતીય ગાયક. ખૂબ નાની વયે પિતા પાસેથી સંગીતનું શિક્ષણ લેવાની શરૂઆત કરી. ત્યારપછી બાળકૃષ્ણબુઆ ઇચલકરંજીકર, હદ્દુખાં તથા નિસારહુસેનખાં પાસેથી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. નિસારહુસેનખાં ગ્વાલિયર દરબારમાં નિયુક્ત થયા હતા. તેમણે સંગીતના એક જલસામાં શંકરરાવનું ગાયન સાંભળ્યું, જેનાથી પ્રભાવિત થઈને સ્વેચ્છાથી તેમને પોતાના શિષ્ય બનાવ્યા. ગ્વાલિયર દરબારમાંથી છૂટા થયા પછી નિસારહુસેનખાં છ વર્ષ સુધી શંકરરાવની સાથે રહ્યા. શંકરરાવ ચુસ્ત બ્રાહ્મણ હોવા છતાં પોતાના ગુરુની સેવા કરવામાં જરા પણ કસર રાખતા નહિ. આ દરમિયાન ખાંસાહેબ તેમને સંગીતની તાલીમ આપતા રહ્યા.
શંકરરાવ ધ્રુપદ-ધમાર, ખ્યાલ-ગાયકી તથા ટપ્પામાં નિપુણ હતા. પોતાના મધુર અવાજમાં તેઓ એક જ રાગને અલગ અલગ શૈલીમાં રજૂ કરવાની ક્ષમતા ધરાવતા હતા. લય અને તાલ પર તેમનું સંપૂર્ણ પ્રભુત્વ હતું. તે બધા જ રાગ ખૂબ સારી રીતે ગાઈ શકતા હતા, પરંતુ યમન રાગ પર તેમનું વિશેષ પ્રભુત્વ હતું. ખ્યાલ અને ટપ્પાનો વિશાલ કોશ તેમના સંગ્રહમાં હતો. તેમના જમાનાનાં અખિલ ભારતીય સંગીત સંમેલનોમાં તેમનું ગાયન રજૂ થતું હતું. તેમની ગાયકી સાંભળવા માટે ભારતભરમાંથી સંગીતના ચાહકો ગ્વાલિયરની મુલાકાતે આવતા હતા.
એક ઉત્તમ કોટિના ગાયક હોવા ઉપરાંત તેઓ સંસ્કૃતના વિદ્વાન પણ હતા. હરિકીર્તન કરવામાં પણ તેઓ નિષ્ણાત હતા. ભારતની તે જમાનાની કેટલીક રિયાસતોના રાજાઓ પાસેથી દરબારી ગાયક થવા માટેનાં આમંત્રણો તેમને મળતાં હતાં, પરંતુ શંકરરાવ સ્વતંત્ર મિજાજના હોવાને કારણે આવાં પ્રલોભનોનો સ્વીકાર કરતા નહોતા.
તેમના શિષ્યવૃંદમાં નાના ભાઈ એકનાથ પંડિત, પુત્ર કૃષ્ણરાવ પંડિત, રાજાભૈયા પૂછવાલે, બાળાસાહેબ ઉમડેકર, રામચંદ્રબુઆ વઝે, ગણપતરાવ ગુણે, કાશીનાથરાવ મૂળે, રામકૃષ્ણ તૈલંગ વગેરેનો સમાવેશ થાય છે.
તેમના અવસાન પછી ગ્વાલિયરના ગાંધર્વ વિદ્યાલયનું નામ બદલીને શંકર ગાંધર્વ વિદ્યાલય રાખવામાં આવ્યું, જે આજે પણ યુવાપેઢીને શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે