પંક–જ્વાળામુખી : નાના જ્વાળામુખી જેવો દેખાતો કાદવમાંથી બનેલો શંકુ આકારનો ટેકરો. તે સામાન્ય જ્વાળામુખીની પ્રતિકૃતિ હોય છે અને સંભવત: ભૂકંપપ્રક્રિયાના પરિણામે ઉત્પન્ન થયેલી ફાટો મારફતે બહાર નીકળી આવેલા તરલ, અર્ધઘટ્ટ કે ઘટ્ટ પ્રવાહી પંકમાંથી તૈયાર થાય છે. જ્વાળામુખી-વિસ્તારમાંના ગરમ પાણીના ઝરા દ્વારા જ્વાળામુખી-ભસ્મ કે મૃણ્મય દ્રવ્યનો જથ્થો ભળીને પંકસ્વરૂપે બહાર આવી શંકુ-આકારનું ભૂમિસ્વરૂપ રચે તો તેને પંક-જ્વાળામુખી કહેવાય છે. પ્રવાહીદાબ કે વાયુદાબ દ્વારા અમુક ઊંડાઈએથી બહાર તરફ ભીના કાદવનો પ્રસ્ફોટ થાય તો રેતી અને ખડકટુકડાઓના ભિન્ન ભિન્ન સંમિશ્રણવાળું માટી અને કાંપકાદવનું એક પ્રકારનું જે શંકુઆકારનું ભૂમિસ્વરૂપ રચાય તે પણ પંક-જ્વાળામુખી તરીકે ઓળખાય છે.
શંકુઆકારના આ પ્રકારના લક્ષણવાળા ભૂમિસ્વરૂપની રચના ખનિજદ્રવ્ય અને તરલ/અર્ધઘટ્ટ/ઘટ્ટ પ્રવાહી કે વાયુઓના ગુણોત્તર પર આધાર રાખે છે. કાદવ વધુ તરલ હોય તો તે અંડાકાર કે ગોળાકાર નાનાં સ્વરૂપો બનાવે છે, જે થોડાક જ ચોરસ મીટરથી થોડાક વધુ ચોરસ મીટરનો ભાગ આવરી લે છે અને 2-3 મીટરની ઊંચાઈ ધરાવે છે; પરંતુ તે જો ઘટ્ટ હોય તો સેંકડો મીટરના વ્યાસવાળો વ્યાપ ધરાવે છે અને 40oના ઢોળાવ સુધીની શંકુ-ટેકરીઓ રચે છે. જો વારંવાર એક પછી એક પ્રસ્ફુટન થયા કરે તો કેટલાક સો મીટરની ઊંચાઈવાળાં શંકુઆકાર ભૂમિસ્વરૂપો પણ બની શકે છે.
આ સાથે નાનાં નાનાં કાણાંવાળા ખાડા પણ વિકસે છે, જે નાનામોટા હોઈ શકે છે. તે ડામર જેવા પેટ્રોલિયમ-અવશેષના બિટુમિન(ડામર-સમકક્ષ દ્રવ્ય)થી ભરેલા સરોવર જેવા હોય છે. જોકે આ પ્રકાર વિરલ છે. દરિયાઈ સપાટીથી બહાર નીકળી આવતા હંગામી ટાપુસ્વરૂપના પંક-જ્વાળામુખી પણ બનતા હોય છે; દા.ત., ત્રિનિદાદ.
પ્રાપ્તિ : પંક-જ્વાળામુખી અર્વાચીન ભૂસ્તરીય સમયના ઉગ્ર ભૂસંચલનજન્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે; જેમ કે, ત્રિનિદાદ, કૉકેસસ, જાવા, મ્યાનમાર, રૂમાનિયા, કોલંબિયા. આ ઉપરાંત, તે વધુ પડતી ઝડપી કણજમાવટ જ્યાં થતી હોય એવા વિસ્તારોમાં તેમજ દુનિયાભરનાં ઘણાં આંતરપર્વતીય થાળાંઓ(intermountain basins)માં પણ જોવા મળે છે.
પંક-જ્વાળામુખી-ભૂગતિવિદ્યાત્મક ઘટના : પંક-જ્વાળામુખી અને અનુષંગી લક્ષણોની રચના માટે જવાબદાર પ્રસ્ફોટ-ઊર્જા જળકૃત નિક્ષેપોમાં એકત્રિત થતા પ્રવાહી અને વાયુઓના દાબથી ઉત્પન્ન થાય છે. અહીં કોઈ આગ્નેય બળ કે પ્રક્રિયા સંડોવાયેલાં હોતાં નથી. નરમ માટી કે કાંપકાદવનું ઓગળેલું દ્રવ્ય પડ કે વીક્ષાકારો (lenses) બનવા માટે જરૂરી બને છે. ઉપર રહેલા ખડકદળ કરતાં કે જળદાબ કરતાં પંકસંચયસ્રોતમાં એકત્રિત થયેલો દાબ વધી જાય ત્યારે પ્રસ્ફોટ-ઘટના થાય છે. ક્યારેક ગિરિનિર્માણકારી બળો દ્વારા, ક્યારેક દાબનાં બળો દ્વારા તો ક્યારેક ઘસારાને કારણે ઉપરનું ખડકદળ ઓછું થઈ જાય, ત્યારે પણ પ્રસ્ફોટની ઘટના થાય છે. ભૂકંપનાં આંદોલનો દ્વારા પણ ઉપરનું દબાણ ઘટી શકે છે, તો ક્યારેક વિવિધ ભૂરાસાયણિક કે ભૂભૌતિક ક્રિયાઓ દ્વારા પ્રવાહી અને વાયુદાબના ફેરફાર થતાં આ પ્રકારની ઘટના ઘટી શકે છે.
પ્રસ્ફોટનો દર તેની તીવ્રતા, આવૃત્તિ (frequency) અને સમયગાળાનો આધાર સ્રોતદ્રવ્યની ભેદ્યતા અને સંતૃપ્તિ પર, દાબ હેઠળ રહેલા માટી કે કાંપકાદવના ભૌતિક ગુણધર્મો પર રહે છે. પ્રસ્ફોટક્રિયા અમુક વર્ષોના કાળગાળાને આંતરે થતી રહે છે તેમ છતાં તે વારંવાર થાય જ એવું હોતું નથી. ત્રિનિદાદના ટાપુ પર થાય છે તેમ, આ પ્રકારની ક્રિયા અંતિમ પ્લાયસ્ટોસીન સમયથી ક્રિયાશીલ રહી હોવાનું મનાય છે. પંક-જ્વાળામુખીની ઘટનાને જ્વાળામુખી-પ્રક્રિયા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવાથી આને વિલક્ષણ ઘટના ગણાવી શકાય.
મ્યાનમારની ઇરાવતી ખીણમાં, આરાકાન કિનારા પર અને બલૂચિસ્તાનના મકરાન કિનારા પર સુકાઈ ગયેલા નાના નાના, ક્યાંક મોટા પંક-શંકુઓ નજરે પડે છે; તેમની ટોચ પરનાં કાણાંમાંથી માર્શ-(મિથેન) વાયુ, પંકમિશ્રિત ખારું પાણી અને ક્યારેક ખનિજતેલના અંશ નીકળી આવે છે. આરાકાન કિનારા પર 6થી 9 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળા શંકુ-ટેકરાઓ ઘણી સંખ્યામાં છે. બલૂચિસ્તાનની શુષ્ક આબોહવામાં 90 મીટરની ઊંચાઈવાળા શંકુઓ મળે છે.
મોટાભાગના આ પંક-જ્વાળામુખી પંકમિશ્રિત પાણીના આછા પ્રવાહવાળા હોય છે, પરંતુ તે અત્યંત વેગ સાથે પ્રસ્ફોટ થવાની શક્યતા ધરાવે છે. પ્રાદેશિક ખડક વેગ સાથે બહાર ફેંકાય, તો તેને પરિણામે પેદા થતું ઘર્ષણ, સાથે નીકળી આવતા હાઇડ્રોકાર્બન વાયુઓના દહન માટે પૂરતું થઈ પડે.
વાયુ (વાયુદાબ) કે જે પંક-જ્વાળામુખી માટે કારણભૂત છે, તેની ઉત્પત્તિ ખનિજતેલની ઉત્પત્તિ સાથે સામ્ય ધરાવે છે. મોટાભાગના પંક-જ્વાળામુખીઓમાંથી તેલના અંશો જ બહાર આવે છે તેથી એમ જણાય છે કે તે નાનાં તેલક્ષેત્રો કે તેલસ્રાવસ્થાનોની ખૂબ જ નજીક આવેલા હોય છે. કેટલાક ઊર્ધ્વવાંકમય ગેડોની ટોચ નજીક કે સ્તરભંગરેખાઓ પર આવેલા હોય છે. મ્યાનમારના યેનાન્ગ્યાંગ તેલક્ષેત્રમાં સુકાઈ ગયેલી પંકશિરાઓ માયોસીન સ્તરોમાં પેસી ગયેલી જોવા મળેલી છે, જે તેમના પ્રવહનમાર્ગોનો નિર્દેશ કરે છે. કુદરતી વાયુ સાથે સંકળાયેલા ટર્શ્યરી શેલના વિભંજનમાંથી પંક તૈયાર થવા માટે તેને ઓછું પાણી મળતું હોવું જોઈએ એ સમજી શકાય છે. આસામમાં આ પ્રકારનાં ઘણાં સ્રાવસ્થાનો છે અને ત્યાં લાક્ષણિક ઢબના સુકાઈ ગયેલા પંક-ટેકરાઓ જોવા મળે છે; પણ અહીં આવા શંકુ બનવાની ક્રિયા કાયમી રહી નથી.
દુનિયાના ઉપર જણાવ્યા તે પ્રદેશો ઉપરાંત ખાસ કરીને રશિયા અને ઈસ્ટ ઇન્ડિઝમાં પેટ્રોલિયમનાં પ્રાપ્તિસ્થાનોની સાથે સ્વાભાવિકપણે જ પંક-જ્વાળામુખીઓ મળે છે.
ગિરીશભાઈ પંડ્યા