પ્રતિનિધિત્વ : આધુનિક લોકશાહીનું મુખ્ય લક્ષણ. પ્રાચીન સમયમાં ગ્રીક નગરરાજ્યમાં તમામ નાગરિકો અગાઉથી નિર્ધારિત કરેલા જાહેર સ્થળે એકઠા થઈને રાજ્યના કારોબાર અંગે વિચારવિમર્શ કરતા અને જરૂરી નિર્ણયો લેતા હતા. આજની વસ્તી અને વિસ્તારની ર્દષ્ટિએ આવો પ્રત્યક્ષ લોકશાહી વ્યવહાર શક્ય નથી. પરિણામે પ્રતિનિધિ-લોકશાહી(representative democracy)ની પ્રથા અમલમાં આવી છે.
પ્રતિનિધિત્વનો રાજકીય ખ્યાલ અનેક અર્થછાયાઓ ધરાવે છે. સંપૂર્ણપણે ઔપચારિક રીતે જોઈએ તો પ્રતિનિધિત્વ એ એક એવી પ્રથા છે કે જેમાં અમુક ચૂંટાયેલા લોકો ઘણાબધા લોકોની માન્યતાઓ કે હિતોની રજૂઆત કરતા હોય છે. સંસદીય પરિભાષામાં તે એ બંધારણીય પ્રથાનો ઉલ્લેખ કરે છે કે જેમાં મતદારો દ્વારા ધારાસભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આ ધારાસભ્યો બહોળા અર્થમાં દેશના લોકોના હિત માટે કાર્ય કરતા હોય છે અને તેટલે અંશે તેઓ મતદારોનું પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે.
અન્ય રાજકીય સંદર્ભમાં, પ્રતિનિધાન એટલે લોકો કે કોઈ શાસકીય અગ્રવર્ગ કે કોઈ પણ જૂથ યા સમૂહ દ્વારા ઘણા ઉમેદવારોમાંથી અમુકની ચૂટણીના ધોરણે પસંદગી કરવી તે. મતદારોની મોટી સંખ્યા જોતાં તે વખતોવખતના નિર્ણયો લેવાની પ્રક્રિયામાં ભાગીદારી કરી શકતા નથી. તેની જગ્યાએ નિર્ણય લેવાનું કાર્ય સરળ બને તે હેતુથી અમુક જ લોકોને તે કાર્ય સોંપવામાં આવે છે. લોકો વતી નિર્ણય લેવાનું આ કાર્ય પ્રતિનિધિ કરતા હોય છે.
ચૂંટાયેલી ધારાસભા એ વર્તમાન પ્રતિનિધિ સરકારનું મુખ્ય લક્ષણ ગણાય છે. ધારાકીય પ્રતિનિધિત્વના હેતુસર સમગ્ર રાજ્યના પ્રાદેશિક ધોરણે વિભાગ પાડી મતદારમંડળોની રચના કરવામાં આવે છે. કોઈ પક્ષ કે વર્ગને લાભ મળે તે રીતે મતદાર વિસ્તારોની લાભદાયક રચના કરવી તે ગેરિમૅન્ડરિંગ તરીકે ઓળખાય છે. અમેરિકાના માસેચ્યુસેટ્સ રાજ્યના ગવર્નર ગેરીએ આ પ્રકારનો પ્રયોગ કર્યો હતો તેને લીધે મતદાર વિસ્તારની લાભદાયી રીતે કરાતી રચનાને માટે ‘ગેરિમૅન્ડરિંગ’ શબ્દપ્રયોગ થાય છે. કેટલાક દેશોમાં સપ્રમાણ પ્રતિનિધિત્વની પ્રથા અપનાવવામાં આવે છે જેમાં દરેક પક્ષને તેને પ્રાપ્ત મતોની ટકાવારી અનુસાર ધારાસભામાં પ્રતિનિધિઓ નીમવાનો હક હોય છે, તો ક્યાંક વ્યાવસાયિક કે કાર્યાનુસારી પ્રતિનિધિત્વની પ્રથા અપનાવવામાં આવે છે; દા.ત., સ્પેન, ઇટાલી અને જર્મની જેવાં રાજ્યોમાં ભૂતકાળમાં કૉર્પોરેટિવ પ્રતિનિધિઓ નીમવાની પ્રથા અમલમાં હતી. આ પ્રથા અન્વયે તે સમયે ખેડૂતો, કામદારસંઘો અને વ્યાપારીઓના પ્રતિનિધિઓને ધારાસભામાં સ્થાન આપવામાં આવતું હતું.
સંસ્થાકીય અને વૈચારિક ર્દષ્ટિએ પ્રતિનિધિત્વની પ્રથાની શરૂઆત મધ્યકાલીન યુગમાં થઈ. પ્રાચીન ગ્રીસમાં પ્રત્યક્ષ લોકશાહી વ્યવસ્થા અમલમાં હોઈને પ્રતિનિધિત્વનો ખ્યાલ ઉદભવી શક્યો નહિ. જોકે કેટલાક અધિકારીઓની ‘લૉટ’ પાડીને નિમણૂક કરવાની પ્રથા અમલમાં હતી. રોમન સમયમાં અમુક પ્રમાણમાં રાજકીય પ્રતિનિધિત્વનો ખ્યાલ વિકસ્યો. કાનૂની એજન્ટની પ્રથા આનું ઉદાહરણ હતી. લૅટિન શબ્દ ‘રિપ્રેઝન્ટારી’નો અર્થ માત્ર કળાત્મક પ્રતિનિધિત્વ એવો થતો હતો. અપ્રગટ વસ્તુને શાબ્દિક સ્વરૂપે રજૂ કરવી તેવો તેનો સાહિત્યિક અર્થ થતો હતો.
મધ્યકાલીન રાજાઓ અવારનવાર સામંતો અને ધર્મગુરુઓ સાથે ચર્ચા કરતા. પાછળથી આમાં સુભટ્ટો (knights) અને નાગરિકો(burgesses)નો સમાવેશ થયો. રાજ્યના આ જુદા જુદા વર્ગના લોકો ચર્ચાવિચારણામાં એ ફરજના એક ભાગ તરીકે સામેલ થતા. આવા પ્રતિનિધિઓનું કાર્ય સલાહકારી સ્વરૂપનું હતું. નાણાકીય તંગી ઊભી થતાં પાછળથી આવા વ્યવહારનું મહત્વ વધતું ચાલ્યું. રાજાએ ચર્ચાવિચારણા માટેની સભામાં સામાન્ય વર્ગના પ્રતિનિધિઓને બોલાવવાનું શરૂ કરતાં ક્રમશ: તેનું સંસ્થીકરણ થવા લાગ્યું. આમાંથી ધારાસભાઓનો ઉદભવ અને વિકાસ શરૂ થયો. આવી પ્રતિનિધિ સંસ્થાઓ રાજાની સત્તાને માટે પડકાર રૂપ ગણાવા લાગી. સત્તરમી સદીમાં વ્યક્તિગત સભ્ય ‘પ્રતિનિધિ’ તરીકે ઓળખાવા લાગ્યો અને પ્રતિનિધિત્વનું કાર્ય એ હકની બાબત ગણાવા લાગી. અઢારમી સદીમાં પ્રતિનિધિત્વનો ખ્યાલ વિસ્ફોટક બન્યો. બ્રિટિશ પાર્લમેન્ટમાં અમેરિકન સંસ્થાનવાસીઓના અપૂરતા પ્રતિનિધિત્વને પ્રશ્ને અમેરિકામાં ક્રાંતિકારીઓનો અને વિશેષે ટૉમસ પેઇન જેવા વિચારકોએ રજૂ કરેલો મુખ્ય વિવાદી મુદ્દો ‘પ્રતિનિધિત્વ નહિ તો કર નહિ’નો રહ્યો. ઓગણીસમી અને વીસમી સદીઓમાં પ્રતિનિધિત્વના ખ્યાલનું સંસ્થીકરણ થયું; સાથોસાથ રાજકારણનું વ્યાપક લોકશાહીકરણ પણ થયું. કારોબારી તંત્ર ધારાસભાને જવાબદાર છે એવું ઠરાવવામાં આવ્યું. રાજકીય પક્ષોનો વિકાસ થયો તથા મતાધિકારનો વ્યાપ વધ્યો. જુદી જુદી મતદાનપદ્ધતિઓ અપનાવવામાં આવી. સમય જતાં પ્રતિનિધિત્વનો ખ્યાલ સર્વસ્વીકૃત બન્યો છે.
પ્રતિનિધિત્વનો સિદ્ધાંત આરંભથી જ વિવાદગ્રસ્ત રહ્યો છે. ટૉમસ હૉબ્સનો એવો મત હતો કે પ્રતિનિધિનું કાર્ય પ્રતિનિધિત્વ આપનાર લોકોને બંધનકર્તા હોય છે, જ્યારે કેટલાક આનાથી ઊલટો મત ધરાવતા હતા. પ્રતિનિધિ આખરે તો પોતાના મતદારોને જવાબદાર હોય છે. આ લોકો અંતિમ જવાબદારીને આધારે પ્રતિનિધિત્વની વ્યાખ્યા બાંધે છે. પ્રતિનિધિત્વના અન્ય સિદ્ધાંત અનુસાર પ્રતિનિધિત્વ એટલે મતદારોના બદલે ઊભા રહેવું અથવા કાર્ય કરવું. આ અર્થમાં ધારાસભા/લોકસભા સમગ્ર પ્રદેશનું/રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને વ્યક્તિગત પ્રતિનિધિ સમગ્ર મતદારવિભાગનું પ્રતિનિધિત્વ કરે છે.
મતદારોના ઉપક્રમે કાર્ય કરનાર પ્રતિનિધિ એક નિષ્ક્રિય કાર્યકર્તા નથી; કેટલાકના મતે પ્રતિનિધિનું કાર્ય વધારે વજૂદવાળું અને સક્રિય હોય છે. પ્રતિનિધિએ મતદારોના આદેશ અનુસાર વર્તવાનું હોય છે એમ ‘મૅન્ડેટ’ સિદ્ધાંતના હિમાયતીઓનું માનવું હતું. આ લોકો પ્રતિનિધિની જવાબદારી પર ભાર મૂકવાને બદલે મતદારોના આદેશ પ્રમાણે વર્તવા પર ભાર મૂકે છે. જ્યારે ‘ઇન્ડિપેન્ડન્સ’ સિદ્ધાંતના પક્ષકર્તાઓ પ્રતિનિધિ પોતાના મતદારોથી પૃથક્ અને સ્વતંત્ર રીતે વર્તવાને હકદાર છે એવો આગ્રહ સેવે છે. પ્રતિનિધિ કોઈ મર્યાદિત મતદારવિભાગનું નહિ, પરંતુ સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. સંકીર્ણ અને પ્રાદેશિક હિતોને બદલે તેને સમગ્ર રાષ્ટ્રીય હિતોનું ધ્યાન રાખવું પડે છે.
ત્રીજો વિવાદ પ્રતિનિધિત્વના વિશુદ્ધ મૂલ્ય અને સ્વરૂપને લગતો છે. જીન જેક્વિસ રૂસો માનતા કે વિશુદ્ધ રૂપે પ્રતિનિધિત્વ શક્ય નથી. કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિના વિચારો, ભાવનાઓ, ઇચ્છાઓ અને માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરી શકે નહિ. વળી સમુદાયની ઇચ્છા તથા પ્રતિનિધિની ઇચ્છા એકરૂપ હોય એ જરૂરી નથી. હકીકતમાં તો મતદારો બે ચૂંટણીઓના ગાળા દરમિયાન પરાધીન જ હોય છે. માત્ર ચૂંટણીના ટાણે જ તેઓ સ્વતંત્ર હોય છે.
આમ છતાં, સત્તરમી સદીથી પ્રતિનિધિત્વનો ખ્યાલ સ્વીકૃત બની રહ્યો છે. વિશાળ અને ગીચ વસ્તીવાળા આધુનિક રાજ્યમાં, શાસનમાં પ્રજાની પ્રત્યક્ષ ભાગીદારી શક્ય નથી; આથી પ્રતિનિધિ સંસ્થાઓ દ્વારા શાસનમાં લોકોની પરોક્ષ ભાગીદારી અનિવાર્ય બની રહી છે અને તે સંદર્ભમાં પ્રતિનિધિત્વનો સિદ્ધાંત મહત્વનો છે.
નવનીત દવે