હાયપિપામી જ્વાળામુખ
February, 2009
હાયપિપામી જ્વાળામુખ : ઑસ્ટ્રેલિયાની ઍથરટન મેજભૂમિમાં આવેલો, મૃત જ્વાળામુખીના કંઠભાગમાં તૈયાર થયેલો જ્વાળાકુંડ.
હાયપિપામી જ્વાળામુખ
આ જ્વાળાકુંડ (અથવા જ્વાળામુખ) ઉત્તર ક્વિન્સલૅન્ડમાં કૈર્નથી વાયવ્યમાં આવેલો છે. તેનો આકાર ખુલ્લી નળી જેવો છે. તળભાગમાં પાણી ભરાયેલું રહેતું હોવાથી સરોવર તૈયાર થયેલું છે. સરોવરની આજુબાજુ ઊગેલાં નીલગીરીનાં વૃક્ષોથી તેનું સ્થળશ્ય રળિયામણું લાગે છે.
પ્રથમ જીવયુગના પ્રારંભિક સમયગાળા દરમિયાન ઍથરટન મેજભૂમિ (table land) પર સતત જ્વાળામુખીનું પ્રસ્ફુટન થયાં કરતું હતું, તેને કારણે જ્વાળામુખની નળાકાર દીવાલો ઘનિષ્ઠ બેસાલ્ટ ખડકોથી બનેલી છે. આ જ્વાળામુખની ઊંચાઈ સમુદ્રસપાટીથી 873 મીટરની છે. શંકુ આકારના આ જ્વાળામુખમાંથી ત્યારે નીકળેલી ભસ્મ (volcanic ash) ઘણા લાંબા ભૂસ્તરીય કાળગાળા દરમિયાન ઘસારો પામી જવાથી આજે જોવા મળતી નથી. (પ્રારંભિક પ્રથમ જીવયુગ એટલે વર્તમાન પૂર્વે 50થી 60 કરોડ વર્ષ વચ્ચેનો કાળગાળો.)
ગિરીશભાઈ પંડ્યા