પ્રણાલન (channeling/channelization) : ભૌતિકવિજ્ઞાનમાં, કોઈ માધ્યમની અંદર રહેલાં રિક્ત-સ્થાન (voids) કે ઓછી ઘનતાવાળા ભાગ તરફ કણો અથવા તરલનું વહન. પ્રણાલન દ્વારા માધ્યમમાં બધી જગ્યાએ ઘનતા એકસમાન બને છે.
ઘન પદાર્થોના ભૌતિકવિજ્ઞાનમાં, પ્રણાલન એટલે વેગીલાં આયનો (ions) તેમજ પરમાણુઓનું એવી દિશામાં પરિવહન (transport) કે જ્યાં સ્ફટિક અથવા લૅટિસના પરમાણુઓ નિકટ-બદ્ધ (closed-packed) રીતે હારમાં ગોઠવાયેલા હોય. ઉક્ત આયનો કે પરમાણુઓ જાણે કે એક ભોંયરા(tunnel)માંથી પસાર થતા હોય તેવી અસર ઊભી થાય છે, અને આ ઘટના વિકિરણ-ક્ષતિ(radiation damage)ના અભ્યાસની ર્દષ્ટિએ ઉપયોગી છે. આ ઘટનામાં વિદ્યુતભારિત કણોના વહનથી નીપજતા વિકિરણને પ્રણાલન-વિકિરણ (channeling radiation) કહે છે.
પરિવહન ઇજનેરીના ક્ષેત્રમાં, પ્રણાલન એટલે એવી વ્યવસ્થા કે જે ધોરી માર્ગો પરના વાહનવ્યવહારને યોગ્ય રીતે વિભાજન કરતું દિશાસૂચન કરે છે. વળી આ ક્રિયામાં એક વિભાજિત માર્ગ(stream)માંથી બીજા માર્ગમાં પરિવહન ઘટાડી અથવા અટકાવી પણ શકાય છે.
દૂર-સંદેશાવ્યવહાર(telecommunications)ના ક્ષેત્રમાં, પ્રણાલન એટલે બહુ-સંકલન(multiplexing)ની એ ક્રિયા કે જેમાં બે અથવા વધુ પ્રણાલી(channel)ને એક સંકેત-પટ્ટા(signal band)માં એકત્ર કરવામાં આવતી હોય. આ ક્રિયામાં આવૃત્તિ(frequency)ના મુખ્ય વ્યાપની અંદર પ્રત્યેક સંકેત(signal)ને એક જુદો આવૃત્તિ-પટ્ટો ફાળવવામાં આવે છે.
કમલનયન ન. જોશીપુરા