હોયસળેશ્વરનું મંદિર, હલેબીડ : ચાલુક્ય શૈલીની ઉત્તર ધારા કે હોયસળ મંદિર-શૈલીનું જાણીતું મંદિર. કર્ણાટકના હસન જિલ્લાના ‘હલેબીડ’ના સ્થળે હોયસળ વંશના રાજાઓની પ્રસિદ્ધ રાજધાની દ્વારસમુદ્ર હતી. ત્યાં ઈ. સ. 1118માં આ મંદિર બંધાવવું શરૂ થયું હતું; પરંતુ તે અધૂરું રહ્યું. અભિલેખ પ્રમાણે હોયસળ નરેશ નરસિંહ પહેલાના શાસન દરમિયાન સાર્વજનિક નિર્માણ વિભાગના મુખ્ય પદાધિકારી કેટમલ્લની દેખરેખ નીચે કેદરોજ નામના સ્થપતિએ તેનું આયોજન કર્યું હતું અને બાંધ્યું હતું. તેની ઉપરનું બાંધકામ જોવા મળતું નથી. આ મંદિરની વિશેષતા એ છે કે તે બે ગર્ભગૃહો વડે બનેલું છે. બંને ગર્ભગૃહો એકબીજાની અડોઅડ બાંધેલાં છે. તેથી આ દ્વિકૂટાચલ કે દ્વિપુરુષ પ્રાસાદ પ્રકારનું મંદિર છે. સામાન્ય રીતે દ્વિકૂટાચલમાં ગર્ભગૃહો મંડપની સામસામે અથવા મંડપને કેન્દ્રમાં રાખીને કાટખૂણે રચેલાં હોય છે.
જ્યારે અહીં ગર્ભગૃહો અડોઅડ આવેલાં છે. દરેક મંદિર 34.14 30.5 મીટર(112 ફૂટ 100 ફૂટ)નું છે. બંનેનું આયોજન ક્રૂસાકાર (cruciform) છે. તેનો વિસ્તાર 33 30 મીટર છે. મંદિરની સન્મુખે અલગ નંદિમંડપ છે. દક્ષિણના મંદિરનો નંદિમંડપ વધારે મોટો છે. પ્લૅટફૉર્મ પર બાંધેલા આ મંદિરની પીઠના ભાગમાં ગજથર, સિંહથર, હંસથર, દેવથર અને રામાયણ-મહાભારતનાં દૃશ્યોથી અલંકૃત થરો આવેલા છે. મંડોવરની જંઘામાં દેવ-દેવીઓનાં મનુષ્ય કદનાં શિલ્પો કંડારેલાં છે. દ્વારશાખાની બંને બાજુએ બે દ્વારપાલોનાં આકર્ષક શિલ્પો છે. તેમણે ધારણ કરેલાં આભૂષણોમાં સોનાના જેવું બારીક કોતરકામ જોવા મળે છે.
થૉમસ પરમાર