હોમો-ઇરેક્ટસ : ઘણાખરા નૃવંશશાસ્ત્રીઓ દ્વારા માન્ય ગણાતો, આજથી આશરે 15 લાખ વર્ષ અગાઉથી 3 લાખ વર્ષ અગાઉના ગાળામાં ઉત્ક્રાંતિ પામેલી માનવજાતિનો એક પ્રકાર. હોમો-ઇરેક્ટસનું શારીરિક માળખું લગભગ આજના માનવ જેવું જ હતું; પરંતુ તેનું મગજ થોડુંક નાનું હતું અને દાંત થોડાક મોટા હતા. તેની ઊંચાઈ 150 સેમી. જેટલી હતી અને અંગસ્થિતિ સીધી (ટટ્ટાર) હતી. ‘હોમો’ એ લૅટિન શબ્દ છે, તેનો અર્થ માનવ થાય છે, ‘ઇરેક્ટસ’ એટલે ઊભી સ્થિતિ, જે માનવની સીધી અંગસ્થિતિનો નિર્દેશ કરે છે.
હોમો-ઇરેક્ટસ કુહાડીઓ સહિત પાષાણનાં ઓજારો બનાવતા. આ પ્રારંભિક માનવો અગ્નિનો ઉપયોગ કરતા શીખી ગયા હતા. આફ્રિકા તેમનું ઉત્પત્તિ–ઉત્ક્રાંતિનું મૂળ સ્થાન હતું. આ ખંડમાંથી સ્થળાંતર કરનારા તેઓ પ્રથમ માનવો હતા, ધીમે ધીમે સ્થળાંતર કરતા રહીને તેઓ છેક ઉત્તર એશિયા અને યુરોપમાં પહોંચેલા.
હોમો-ઇરેક્ટસના સર્વપ્રથમ અવશેષો ઇન્ડોનેશિયાના જાવામાંથી મળી આવેલા. આ ખોજ કરનાર ડચ ડૉક્ટર યુજેન ડ્યુબૉઇસ હતા. હોમો-ઇરેક્ટસના બીજા જાણીતા અવશેષો જર્મનીના હાઇડેલબર્ગ નજીકથી તેમજ ચીનના પૅકિંગ (હવે બેઇજિંગ) નજીકથી મળેલા.
હોમો-ઇરેક્ટસ
1984માં હોમો-ઇરેક્ટસનાં લગભગ આખાં ને આખાં બે હાડપિંજરો મળી આવ્યાં છે. તે પૈકીનું એક હાડપિંજર કૅન્યાના જીવાવશેષશાસ્ત્રી રિચાર્ડ લીકી અને બ્રિટનના જીવાવશેષશાસ્ત્રી ઍલન વૉકરને તુર્કાના (જૂનું નામ રુડોલ્ફ) સરોવર (કૅન્યા–ઈથિયોપિયા સરહદ નજીક) ખાતેથી મળ્યું છે. તેનાં અસ્થિ આશરે 15 લાખ વર્ષ જૂનાં જણાયાં છે; હોમો-ઇરેક્ટસ માનવજાતિનાં આજ સુધી ઉપલબ્ધ હાડપિંજરો કે અસ્થિ પૈકીનું આ હાડપિંજર સંભવત: સૌથી જૂનામાં જૂનું હોવાનું કહેવાય છે. તેમાં પુખ્તવયના દાંત ન હતા, જે સૂચવે છે કે તે વ્યક્તિ તેની બાર વર્ષની ઉંમરે મૃત્યુ પામી હોવી જોઈએ. તેની સાથળના હાડકાનું કદ સૂચવે છે કે તેની ઊંચાઈ અંદાજે 168 સેમી. જેટલી હશે. આ હાડપિંજરમાં હાથ અને પગનાં કેટલાંક અસ્થિ ન હતાં, તેમ છતાં તેને આજસુધી મળી આવેલાં માનવ-પૂર્વજોનાં હાડપિંજરો પૈકી લગભગ સંપૂર્ણ હાડપિંજર તરીકે ઘટાવી શકાય. બીજું હાડપિંજર ઈશાન ચીનમાંથી 1984માં જ મળેલું, તેમાં પણ હાથ અને પગનાં અસ્થિઓનો અભાવ હતો. તે અંદાજે 3 લાખ વર્ષ જૂનું હતું.
આ બંને ખોજ પરથી વૈજ્ઞાનિકોને માનવ-અસ્થિઓનો અભ્યાસ કરવાની તક સાંપડી. હજી હમણાં સુધી માત્ર દાંત અને ખોપરીના અવશેષો મળતા હતા, તેને બદલે હાડપિંજરના લગભગ બધા જ ભાગોનો અભ્યાસ કરવાનો મોકો મળી શક્યો.
ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આ હોમો-ઇરેક્ટસ તેનાથી અગાઉના હોમો હૅબિલિસ (કુશળ માનવ) પ્રકારમાંથી વિકસેલો છે. એ રીતે જોતાં હોમો-ઇરેક્ટસ આજના હોમો સેપિયન્સ(શાણો માનવ)નો પૂર્વજ ગણાય.
ગિરીશભાઈ પંડ્યા