હોમો : માનવ માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ. માનવ-ઉત્ક્રાંતિની કક્ષાઓ પૈકી સીધી અંગસ્થિતિ ધરાવતો માનવ-પ્રકાર. માનવ-ઉત્ક્રાંતિના ઇતિહાસમાં તેની કક્ષા છેલ્લી ગણાય છે. પ્રાણીઓ માટે કરેલા વર્ગીકરણ મુજબ, માનવને વંશ હોમિનિડી, શ્રેણી કેટાહ્રિની, ગણ અંગુષ્ઠધારી (Primates), ઉપગણ પુરુષાભ વાનર(કપિ  anthrapoid apes)માં મૂકવામાં આવેલો છે. અંગુષ્ઠધારીઓનો બીજો એક ઉપગણ પ્રોસિમી પણ છે. કેનોઝોઇક યુગના પ્રારંભિક પ્રોસિમિયનોમાં વૃક્ષનિવાસી શ્ય્રૂસ (shrews), લેમુર અને ટર્સિયર જેવાં પ્રાણીઓનો સમાવેશ કરેલો છે. ઉચ્ચ કક્ષાના અંગુષ્ઠધારીઓ (માનવ સહિત) તેમાંથી જ ઉત્ક્રાંત થયેલા છે. અંગુષ્ઠધારીઓના હાથ-પગના છેડે અંગૂઠા વિકસેલા હોય છે. હાથના અંગૂઠાને ‘pollex’ (thumb) અને પગના અંગૂઠાને ‘hallux’ (toe) કહે છે. હાથ અને પગના છેડે વળાંકવિહીન સપાટ નખ હોય છે. પુરુષાભ વાનરને વધુ ક્ષમતાવાળી ખોપરી હોય છે. આંખો ચહેરાના આગળના ભાગમાં ગોઠવાયેલી હોય છે. અંગુષ્ઠધારી પ્રાણીઓ નાભિવાળાં હોય છે અને તેમને પગનાં તળિયાં પર ચાલવાની ટેવ હોય છે.

હોમિનિડી વંશનો માનવ-પ્રકાર સીધી (ટટાર) અંગસ્થિતિમાં ચાલે છે. તેમના મગજનો વિકાસ અન્ય હોમિનિડ કરતાં વધુ થયેલો હોય છે. ધડ કરતાં હાથપગના અવયવો લાંબા હોય છે. અર્થાત્ માનવના પગ તેના હાથ કરતાં લાંબા હોય છે. આખા શરીરનું વજન પગ પર, ટિબિયા અસ્થિ પર આધારિત હોય છે. આ બધાં વિશિષ્ટ લક્ષણો ધરાવતા માનવપ્રાણીને આજે અસ્તિત્વ ધરાવતા વિવિધ જ્ઞાતિ-વર્ણ-જાતિના ભેદ વિના ‘હોમો’ નામ હેઠળ મૂકવામાં આવેલું છે. માનવને ભ્રૃકુટિ, અન્ય પ્રાણીઓને હોય છે એવા નહોરવાળા પંજા(claw)નો અભાવ, સપાટ નખ, તેમજ અલગ પડી આવતા કપાળ પરથી જુદો પાડી શકાય છે.

આફ્રિકા, યુરોપ અને એશિયામાં આશરે 40થી 50 લાખ વર્ષ અગાઉ તૈયાર થયેલાં અંગુષ્ઠધારીઓમાંથી, તેમનામાં ક્રમશ: બદલાતાં ગયેલાં કેટલાંક લક્ષણો દ્વારા, માનવ ઉત્ક્રાંત થયો છે. તેનાં વિશિષ્ટ લક્ષણો નીચે મુજબ છે : (1) ટટ્ટાર અંગસ્થિતિ, (2) ટૂંકા બનેલા હાથ, (3) દાંતની સંખ્યા અને કદમાં થયેલો ઘટાડો (44માંથી 32), (4) જડબાંની મજબૂતાઈમાં ઘટાડો, (5) ચિબુક(હડપચી, દાઢી)નો વિકાસ, (6) ખોપરીની ક્ષમતામાં વધારો, (7) મગજની જટિલતા અને કદમાં વૃદ્ધિ, (8) ભૃકુટિ(ભવાં)ની ધારમાં અને કપોલ (ગાલ) અસ્થિમાં કદનો ઘટાડો, (9) બોલીનો ઉદભવ, (10) હાથના અંગૂઠાની પૂર્ણતા, (11) એડીથી અંગૂઠા સુધી પગના આખા તળિયા પર ચાલવાની પૂર્ણતા, (12) માનવજૂથોમાં વિતરણ, ખોરાકપ્રાપ્તિની અને શારીરિક રક્ષણ માટે આવરણ (કપડાં) મેળવવાની વૃત્તિનો વિકાસ, (13) સામાજિક જીવન જીવવાની વૃત્તિ, (14) વસ્તીવૃદ્ધિ અને (15) નિતંબ(કૂલો; થાપો)માં ઘટાડો.

જુદા જુદા કાળના માનવ-જીવાવશેષોની ખોજ અને તેની તવારીખ પરથી માનવ-ઉત્ક્રાંતિનો ઇતિહાસ પ્રસ્થાપિત કરી શકાયો છે. આ અંગેની ખોજ અને તેનાં સંશોધનોનો યશ લીકી પરિવારને ફાળે જાય છે. પુરુષાભ વાનર દરજ્જાવાળું, કપિ સમકક્ષ જૂનામાં જૂનો અવશેષ મળ્યો હોય તો તે ઑલિગોસીન વયનો, ઇજિપ્તના ફાયુમ સ્તરોમાંનો ‘ઑલિગોપિથેકસ’ છે (પિથેકસ = કપિ). ઉત્ક્રાંતિની કક્ષાઓ મુજબ, હોમો તૈયાર થવા માટે ક્રમશ: જુદા પડતા કપિ-પ્રકારોને તેમનાં લક્ષણ સહિત આ રીતે વર્ગીકૃત કરી શકાય : (1) પ્લાયૉપિથેકસ, (2) ડ્રાયૉપિથેકસ, (3) રામપિથેકસ, (4) ઑસ્ટ્રાલૉપિથેકસ.

(1) પ્લાયૉપિથેકસ : માયો-પ્લાયોસીન કાળનો કપિ સમકક્ષ માનવ. તેનો જીવાવશેષ ઇજિપ્તના ફાયુમ સ્તરોમાંથી મળેલો છે. તે ગિબન જેવો છે. તેની સાથે એઇજિપ્તોપિથેકસ(ઇજિપ્તનિવાસી કપિ)નું પણ 2.9 કરોડ વર્ષના અરસામાં અસ્તિત્વ હતું; તેઓ સમકાલીન હતા. આ એઇજિપ્તોપિથેકસ કપિ અને માનવ બંનેનો સંયુક્ત પૂર્વજ હોવાનું ગણવામાં આવે છે.

(2) ડ્રાયૉપિથેકસ : માયો-પ્લાયોસીન કાળનો કપિ સમકક્ષ માનવ. તેના જીવાવશેષો ભારત, ફ્રાન્સ, જર્મની, ચીન, આફ્રિકા અને ઇંગ્લૅન્ડમાંથી મળેલા છે. આ કપિમાનવો વૃક્ષનિવાસી હતા. તેમનું મગજ મોટા કદનું હતું. ખોપરી ગોળાકાર ન હતી, મધ્યભાગમાં અણિયાળી હતી. દાંતના આકાર અને કદ પરથી નિર્દેશ મળે છે કે ડ્રાયૉપિથેકસ મોટા કદના કપિ હતા; પરંતુ દાંત માનવને વધુ મળતા આવતા હતા; ખોપરીની ક્ષમતા 450થી 600 ઘન સેમી. જેટલી હતી. આ બધાં લક્ષણો સૂચવે છે કે આજના ગિબન, ઉરાંગ-ઉટાંગ, ગોરિલ્લા અને ચિમ્પાન્ઝીની ઉત્ક્રાંતિ આ ડ્રાયૉપિથેકસ જૂથમાંથી થયેલી છે. ત્યારબાદ મળેલા એવા જ અવશેષોમાંનાં કપિસમ દેહલક્ષણો પરથી તેમજ માનવસમ દંતરચના પરથી આ કપિઓની ઉત્ક્રાંતિ થઈ હોવાનું નક્કી કરી શકાય છે.

1948માં લુઈ એસ. બી. લીકીએ આફ્રિકામાંથી ખોજેલા ‘પ્રોકોન્સલ આફ્રિકન્સ’ પરથી, 1962માં લીકી તેમજ અન્ય ખોજકારોએ, કૅન્યામાંથી મેળવેલા ‘કૅન્યાપિથેકસ વિકેરી’ પરથી તથા ભારતના શિવાલિક સ્તરોમાંથી મળેલા માયોસીન વયના ‘શિવપિથેકસ’ અને ‘પેલિયૉપિથેકસ શિવાલેન્સિસ’ પરથી પણ આ ઉત્ક્રાંતિની બાબત સિદ્ધ થાય છે.

(3) રામપિથેકસ : ભારત, પાકિસ્તાનના માયોસીન સ્તરોમાંથી તેમજ કૅન્યામાંથી રામપિથેકસના જીવાવશેષો મળેલા છે. તેમનાં જડબાં પહોળાં અને વળેલાં હતાં, દંતરચના કમાનાકાર હતી (લેવિસ, 1934). આ જીવાવશેષને ઑસ્ટ્રાલોપિથેકસ કરતાં જૂના વયનો ગણવામાં આવે છે. આ કપિ-પ્રકાર દક્ષિણ એશિયા અને આફ્રિકાનાં બીડોમાં વસતા હતા. તેમનું વય વર્તમાન પૂર્વે 1.4 કરોડ વર્ષથી 80 લાખ વર્ષ વચ્ચેનું મુકાયું છે.

(4) ઑસ્ટ્રાલોપિથેકસ : દક્ષિણ ગોળાર્ધમાં વસતો કપિ એટલે ઑસ્ટ્રાલોપિથેકસ. આ પ્રકારને માનવ-ઉત્ક્રાંતિ માટેનું આદિસ્વરૂપ ઘટાવાય છે. તે 20 લાખ વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતો હતો. 1924માં ડાર્ટે (Dart) દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક પ્લાયસ્ટોસીન ગુફાનિક્ષેપોમાંથી તેનો જીવાવશેષ શોધી કાઢેલો. તેની ઊંચાઈ 120 સેમી. જેટલી હતી. તેનો ચહેરો કપિ જેવો હતો, મગજની ક્ષમતા 600થી 700 ઘન સેમી. જેટલી હતી. હાથ-પગના અવયવો માનવ જેવા હતા. તે ટટ્ટાર સ્થિતિમાં ચાલી શકતો હતો. જડબું આગળ તરફ ધપેલું હતું. કપાળ, કપોલ-અસ્થિ, દાંત, જંઘાસ્થિ (જાંઘનાં હાડકાં) પણ માનવ જેવાં હતાં; પરંતુ ભવાંધારો (ભમ્મરોની ધારો) કપિ જેવી હતી.

1936માં દક્ષિણ આફ્રિકાની ચૂનાખડકની ખાણમાંથી રૉબર્ટ બ્રુમે (Robert Broom) તથા 1959માં તાન્ઝાનિયાના ઓલ્ડુવાઇમાંથી મેરી લીકીએ પણ આ જ પ્રકારના અવશેષો શોધી કાઢ્યા છે. ઓજારોનો સર્વપ્રથમ ઉપયોગ કરનારા આ કપિમાનવો હતા. આ પરથી એમ મનાય છે કે પિથેકેન્થ્રોપસ ઑસ્ટ્રાલોપિથેકસમાંથી ઊતરી આવેલો છે.

પ્લાયૉપિથેકસ, ડ્રાયૉપિથેકસ, શિવપિથેકસ, પેલિયૉપિથેકસ અને ઑસ્ટ્રાલોપિથેકસ જેવાં કપિ-સ્વરૂપો માયો–પ્લાયૉસીન કાળગાળામાં થઈ ગયાં. આ પછી જ માનવ-સંસ્કૃતિ વિકસવાની શરૂઆત થઈ હોવાનું ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા