હેપબર્ન, ઓડ્રી (જ. 4 મે 1929, ઇક્સેલેસ, બ્રસેલ્સ, બેલ્જિયમ; અ. 20 જાન્યુઆરી 1993, ટોલોચેનાઝ, સ્વિટ્ઝર્લૅન્ડ) : હૉલિવુડની અભિનેત્રી. મૂળ નામ ઓડ્રી કેથલીન રસ્ટન. પિતા : જોસેફ વિક્ટર એન્થની રસ્ટન. માતા : ઇલા વાન હીમ્સ્ટ્રા. ઓડ્રીના પિતા શ્રીમંત અંગ્રેજ શાહુકાર હતા અને માતા ડચ બેરોનસ હતાં. માતા-પિતા છૂટાં પડ્યાં પછી ઓડ્રી તેમનાં માતા સાથે પહેલાં લંડન અને પછી હોલૅન્ડ જતાં રહ્યાં. લંડનમાં અને હોલૅન્ડમાં પણ તેમણે ખાનગી કન્યાશાળામાં શિક્ષણ લીધું. તેઓ હોલૅન્ડમાં હતાં ત્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓએ હોલૅન્ડ પર કબજો કરી લેતાં ઓડ્રી અને તેમનાં માતાને ખૂબ કફોડી સ્થિતિમાં રહેવાનો વારો આવ્યો હતો. આ દિવસોમાં તેઓ કુપોષણનો ભોગ બન્યાં હતાં. યુદ્ધ પૂરું થયા બાદ શિષ્યવૃત્તિ મળતાં ઓડ્રી લંડનની એક નૃત્યશાળામાં જોડાયાં અને પછીથી મૉડલ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. આ કામ કરતાં કરતાં જ તેમને અભિનેત્રી બનવાની તક મળી; પરંતુ વધુ સારું કામ મળે તે માટે તેઓ અમેરિકા જતાં રહ્યાં.
ઓડ્રીએ 1951માં ‘લવેન્ડર હિલ મૉબ’ અને ‘સિક્રેટ પીપલ’ ચિત્રોમાં કામ કર્યા પછી 1953માં પ્રદર્શિત થયેલા ‘ધ રોમન હોલિડે’ ચિત્રે તેમને ખૂબ ખ્યાતિ અપાવી હતી. આ હળવાફૂલ પ્રણયચિત્રમાં એક ચંચળ યુવતીની તેમની ભૂમિકા હંમેશ માટે યાદગાર બની રહી હતી. પ્રેક્ષકો અને સમીક્ષકો બંનેએ વખાણેલાં આ ચિત્રે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર અપાવ્યો હતો. એ પછીના ચિત્ર ‘સેબ્રિના’-(1954)માં પણ તેમનો અભિનય એટલો સશક્ત હતો કે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું ઑસ્કાર નામાંકન મળ્યું હતું.
ઓડ્રી હેપબર્ન
વિશ્વનાં પ્રશિષ્ટ ચિત્રોમાં સ્થાન પામેલા ‘વૉર ઍન્ડ પીસ’ (1956) ચિત્રમાં નતાશાની ભૂમિકાને જીવંત કરીને ઓડ્રી હેપબર્ન હૉલિવુડનાં અગ્ર હરોળનાં અભિનેત્રી બની ગયાં હતાં. ‘ફની ફેર’ (1957) સુધી તેમના અભિનયની ઉત્કૃષ્ટતા જળવાઈ રહી હતી. તેમના પતિ મેલ ફેરર પણ ચલચિત્રો સાથે સંકળાયેલા હતા. ‘વૉર ઍન્ડ પીસ’માં મેલ ફેરરે ઓડ્રી સાથે અભિનય પણ કર્યો હતો. 1959માં ઓડ્રીને લઈને તેમણે ‘ગ્રીન મેન્શન્સ’ ચિત્રનું દિગ્દર્શન કર્યું, પણ તેમાં ઓડ્રીનો અભિનય ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો, પણ એ જ વર્ષે પ્રદર્શિત થયેલા ચિત્ર ‘ધ નન્સ સ્ટોરી’માં તેમણે ભાવુક અભિનયમાં પોતાની સમકાલીન તમામ અભિનેત્રીઓને પાછળ રાખી દીધી હતી. આ ચિત્ર માટે પણ તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું ઑસ્કાર નામાંકન મળ્યું હતું. 1964માં ‘માય ફેર લેડી’એ તો તેમને લોકપ્રિયતાની ટોચે બેસાડી દીધાં હતાં. ‘વેઇટ અનટિલ ડાર્ક’ (1967)માં ઓડ્રીએ ભયથી ફફડતી અંધ મહિલાની ભૂમિકા ભજવીને વધુ એક વાર ઑસ્કાર નામાંકન મેળવ્યું હતું. ત્યાં સુધીમાં તેમનું દાંપત્ય જીવન ખોરંભે પડી ચૂક્યું હતું. તેમણે પતિ સાથે તો છેડો ફાડ્યો જ, અભિનયને પણ અલવિદા કરી દીધી હતી. એ પછી તેમણે પોતાનો પૂર્ણ સમય સમાજસેવાનાં કાર્યોમાં આપવા માંડ્યો હતો. એ માટે ‘યુનિસેફ’ સાથે તેઓ સંકળાયાં હતાં. જોકે 1976માં ફરી તેમણે શોન કોનેરી સાથે ‘રોબિન ઍન્ડ મેરિયન’ ચિત્રમાં કામ કર્યું હતું. તેમનું અંતિમ ચિત્ર ‘ધે ઑલ લોફડ’(1981)માં તેમના પુત્રે પણ અભિનય કર્યો હતો. બીજાં લગ્ન તેમણે ડૉ. આન્દ્રે ડોટ્ટી સાથે કર્યાં હતાં. અંતિમ વર્ષોમાં તેઓ રોબર્ટ વોલ્ડર્સ સાથે રહેતાં હતાં. તેમણે ‘વેઇટ અનટિલ ડાર્ક’, ‘બ્રેકફાસ્ટ એટ ટિફનીસ’, ‘ધ નન્સ સ્ટોરી’, ‘સેબ્રિના’ ચિત્રો માટે શ્રેષ્ઠ અભિનેત્રીનાં ઑસ્કાર નામાંકન મેળવ્યાં હતાં. અભિનયક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાનને ધ્યાનમાં લઈ 1993માં ઑસ્કર ઍવૉર્ડ સમારોહમાં તેમને ‘જીન હરશિલ્ટ હ્યુમેનિટેરિયન ઍવૉર્ડ’ મરણોત્તર આપવાની ઘોષણા કરાઈ હતી. 2003માં અમેરિકાના ટપાલ ખાતાએ ઓડ્રીના માનમાં 37 સેન્ટના મૂલ્યની ટપાલટિકિટ બહાર પાડી હતી.
હરસુખ થાનકી